ઈરાકમાં યુએસ એમ્બેસી કેમ્પસ તરફ અનેક રોકેટ છોડવામાં આવ્યા છે. રોકેટ છોડ્યા બાદ એમ્બેસી પરિસરમાં આગ લાગી છે. ઈસ્ટર્ન યુરોપિયન મીડિયા NEXTA અનુસાર, એરબિલ પર મિસાઈલ હુમલો ઈરાનના ક્ષેત્રમાંથી કરવામાં આવ્યો હતો. ઈરાકી સુરક્ષા દળોના અધિકારીઓએ જણાવ્યું હતું કે શનિવારે મોડી રાત્રે થયેલા હુમલામાં જાનહાનિના કોઈ તાત્કાલિક અહેવાલ નથી અને આ વિસ્તારમાં ભારે નુકસાન થયું છે.
કેટલીક ઈરાની સમાચાર એજન્સીઓએ એ વાતની પુષ્ટિ કરી છે કે ઈરાકના એરબિલમાં અમેરિકી વાણિજ્ય દૂતાવાસ પર છ લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલો છોડવામાં આવી હતી. પ્રારંભિક અહેવાલો અનુસાર, છ ફતેહ-110 મિસાઇલો સંભવત તાબ્રિઝ ઈરાનના ખાસાબાદ બેઝ પરથી એરબિલની દિશામાં છોડવામાં આવી હતી. બીજી તરફ, અમેરિકી સેનાએ આ હુમલા અંગે તાત્કાલિક ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.
હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે મિસાઇલો કોણે છોડી હતી. ઇરાને તાજેતરના દિવસોમાં સીરિયામાં કથિત ઇઝરાયલી હવાઇ હુમલામાં બે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) અધિકારીઓના મૃત્યુ બદલ બદલો લેવાની ધમકી આપી છે.
