કોરોનાએ સમગ્ર વર્ષમાં કમૂરતા જેવો કહેર જ વર્તાવ્યો છે. પરંતુ સંજોગ એવો આવ્યો છે કે આ વર્ષે વર્ષના છેલ્લા દિવસે પુષ્ય નક્ષત્ર આવી રહ્યું છે. એટલે કે કમૂરતા હોવા છતાં પણ ગુરુ પુષ્ય નક્ષત્રનો સંજોગ વાહન અને પ્રોપર્ટી માટે સારું હોવાનું જ્યોતિષો કહી રહ્યા છે.
- વિ.સં.2077નું પહેલું, વર્ષ 2020નું છેલ્લું ગુરુપુષ્ય નક્ષત્ર
- સમગ્ર દિવસ દરમિયાન કરી શકશે સારા કામ
- રિયલ એસ્ટેટ અને વાહન ખરીદી માટે ઉત્તમ યોગ
અગામી તારીખ 31 ડિસેમ્બર ગુરુવારના દિવસે પુષ્ય નશ્રત્ર આવતું હોવાથી વિ.સં.2077નું પ્રથમ અને વર્ષ 2020નું છેલ્લું ગુરુપુષ્ય નશ્રત્ર યોગ આવશે અને તે સમગ્ર દિવસ દરમિયાન યથાવત્ રહેશે. આવા શુભ દિવસે સર્વથાસિદ્ધિ, ઈન્દ્ર, બુધાદિત્ય અને અમૃતસિદ્ધિ યોગ સાથે આવે છે માટે સોનામાં સુગંધ ભળશે. આવો દિવસ તમામ પ્રકારની ખરીદી કરવા માટે અતિ ઉત્તમ હોય છે. કારણ કે, પુષ્ય નશ્રત્રનો સ્વામી શનિ, ગુરૂવારે આવવાથી સુખ- સમૃદ્ધિમાં વધારો થાય છે. આ દિવસે કપડાં, કરીયાણું, વાસણ, ભગવાનની પ્રતિમા, ધાતુ તેમજ ઇલેક્ટ્રોનિક વસ્તુઓની ખરીદી કરી શકાય છે. એ સાથે જ સોના-ચાંદીની વસ્તુઓની ખરીદી તેમજ પૂજાને લગતી સામગ્રી, પીળા કલરની ચીજ વસ્તુઓ, નવા રોકાણ જેમ કે મકાન, વાહન, મિલકત ખરીદી શકાય છે. સાથે જ શેરબજાર કે બેંકમાં ડીપોઝીટ કરી શકાય છે.
- પ્રોપર્ટીની ખરીદદારી માટે શુભ સંયોગ
- નવા કામની શરૂઆત માટે 31 ડિસેમ્બર ઉત્તમ દિવસ
- લેવડ-દેવડ, રોકાણ ફાયદાકારક નીવડશે
સર્વાર્થસિદ્ધિ યોગ 31મીએ સૂર્યોદયથી શરૂ થઇને બીજા દિવસે સૂર્યાસ્ત સુધી રહેશે. જ્યારે અમૃતસિદ્ધિ યોગ બપોરે શરૂ થઇને બીજા દિવસ સુધી રહેશે. સાંજે 7.20 વાગ્યે પુષ્ય નક્ષત્રનો સંયોગ પણ બની જશે. જે ગુરુ પુષ્ય યોગ કહેવાશે. આ દિવસે ખરીદદારી કરવાથી સમૃદ્ધિ વધે છે. ગ્રહોની શુભ સ્થિતિથી ઇન્દ્ર યોગ પણ આખો દિવસ રહેશે. ત્યાં જ, ધન રાશિમાં સૂર્ય અને બુધ ગ્રહ હોવાથી બુધાદિત્ય શુભ સંયોગ બની રહ્યો છે. નક્ષત્રોની આ શુભ સ્થિતિમાં કરવામાં આવતી લેવડ-દેવડ અને રોકાણ ફાયદાકારક સાબિત થાય છે.
ગુરુપુષ્ય નક્ષત્રનું વિશેષ ધાર્મિક મહત્વ
ગુરૂ ગ્રહ જાપ, હોમ, બ્રાહ્મણને દાન પણ આપી શકાય છે. પોતાના માનેલા ગુરૂ દેવનું સ્મરણ કરવાનો વિશિષ્ટ યોગ ગણાવી શકાય તેમજ ગૌ સેવા કરવાનું અનેરું મહત્વ રહેલું છે.
