દેશના ગરીબ પરિવારોની મહિલાઓ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી ઉજ્જવલા યોજના અંગે સંસદમાં ડેટા રજૂ કરવામાં આવ્યા હતા. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ રાજ્ય મંત્રી રામેશ્વર તેલીએ રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, ઉજ્જવલા યોજનાના 4.13 કરોડ લાભાર્થીઓએ એકવાર પણ એલપીજી સિલિન્ડર રિફિલ કર્યું નથી. આ યોજના હેઠળ 7.67 કરોડ લાભાર્થીઓને માત્ર એક જ વાર સિલિન્ડર રિફિલ કરવામાં આવ્યું છે.
વાસ્તવમાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ સરકાર પાસે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ સાથે જોડાયેલી માહિતી માંગી હતી. આના જવાબમાં રામેશ્વર તેલીએ કહ્યું કે, વર્ષ 2017-18ની વચ્ચે ઉજ્જવલા યોજનાના 46 લાખ લાભાર્થીઓને એક પણ સિલિન્ડર ભરેલો મળ્યો નથી. 1.19 કરોડ લાભાર્થીઓને માત્ર એક જ વાર સિલિન્ડર રિફિલ કરવામાં આવ્યું છે. રામેશ્વર તેલીએ રાજ્યસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, 2018-19ની વચ્ચે 1.24 કરોડ, 2019-20 દરમિયાન 1.14 કરોડ, 2020-21 દરમિયાન 92 લાખ અને 2021-22 દરમિયાન 92 લાખ લાભાર્થીઓએ એકવાર પણ સિલિન્ડર રિફિલ કરાવ્યું નથી.
સિલિન્ડરો માત્ર એક જ વાર રિફિલિંગ કરવા માટેના આંકડા
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે વર્ષ 2018-19 દરમિયાન 2.90 કરોડ, 2019-20 દરમિયાન 1.83 કરોડ, 2020-21 દરમિયાન 67 લાખ અને 2021-22 દરમિયાન 1.08 કરોડ. કેન્દ્રીય મંત્રી રામેશ્વર તેલીએ જણાવ્યું હતું કે વર્ષ 2021-22 દરમિયાન કુલ 30.53 કરોડ ઘરેલું ગેસ ગ્રાહકોમાંથી 2.11 કરોડ ગ્રાહકોએ એકવાર પણ ગેસ સિલિન્ડર રિફિલ કર્યું નથી. એકવાર ગેસ સિલિન્ડર રિફિલ કરનારા લોકોની સંખ્યા 2.91 કરોડ હતી.
ઉજ્જવલા યોજના શું છે
ઉજ્જવલા યોજના હેઠળ, કેન્દ્ર સરકારે દેશભરમાં 9 કરોડ મફત એલપીજી કનેક્શન્સનું વિતરણ કર્યું છે. ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થીને માત્ર 200 રૂપિયાના દરે LPG સિલિન્ડર સબસિડી આપવાની યોજના છે. આ યોજના હેઠળ, સરકારે લાભાર્થીઓને વર્ષના 12 સિલિન્ડર પર સબસિડી આપવાની જાહેરાત કરી હતી.
આ પણ વાંચો: અમિત શાહ ‘હર ઘર તિરંગા’ અભિયાનનો વિડિયો લોન્ચ કરશે, તિરંગા ડિઝાઇન કરનારને કરશે યાદ
