@પ્રફુલ્લ ત્રિવેદી (એસોશિએટ એડિટર) : રાજકિય પક્ષો ચૂંટણી સમયે મતદારોને રીઝવવા મફત રેવડીનાં વચનોનો ખજાનો ખુલ્લો મૂકી દે છે. આ રેવડી અંગે હવે રાજકિય પક્ષોએ જ ચર્ચા શરૂ કરી છે. આ બાબતને પોઝિટીવલી જોઈએ તો, હવે બહુ થયું તેવું સમજીને આત્મનિરીક્ષણ ચાલું કર્યું હોય તેમ જણાય છે. આમ તો અમે નહીં સામેનો પક્ષ મફત રેવડી બાંટે છે તેવા આક્ષેપો કરે છે પણ જાણે કે અજાણે ત્રણ આંગળીઓ તેમના તરફ પણ વળે છે. મફતની રેવડી….
મફત રેવડીની સામાન્ય રીતે 4 પ્રકાર છે.
ઠાલા વચનો : માત્ર આપવા પૂરતા વચનોની મીઠી મધ જેવી લ્હાણી એક પ્રકારની રેવડી બાંટવાની જ પ્રવૃતિ છે. આઝાદી પછી જેટલી ચૂંટણીઓ થઈ તેનો ચૂંટણી ઢંઢેરો લઈને બેસીએ અને તેનું એનાલિસીસ કરીએ તો એ વાત ચોક્કસ જણાય કે આમાંથી 20 થી 25 ટકા વચનોનું પણ પાલન થયું હોત તો દેશ આજે નંદનવન બની ગયો હોત. વિકાસશીલની નહીં વિકસીત દેશોની યાદીમાં આવી ગયો હોત.
તિજોરીના ભોગે પળાતા વચનો : કેટલાક વચનોનો અમલ એવી રીતે થાય છે, રાજ્યની તિજોરી ઉપર તેનો બોજો પડે છે. જેથી બીજા વિકાસકામ થઈ શકતા નથી. હાલ જે ચર્ચા ચાલે છે તે આવી રેવડીનાં છે.
સોશિયલ સિક્યોરિટીનાં ભાગરૂપે વહેંચાતી રેવડી : જેમકે કોરોનાકાળમાં કરોડો ગરીબ લોકોને વહેંચાયેલું અનાજ-રાશન, વિધવા સહાય, જરૂરિયાતમંદોને અપાતી સહાય.
વિશિષ્ટ પદો આધારિત મફત સુવિધાઓ : કેન્દ્ર અને રાજ્યનાં મંત્રીઓ, સાંસદસભ્યો અને ધારાસભ્યો, ઉચ્ચ અધિકારીઓ, ચૂંટાયેલા નીચેના પદાધિકારીઓ વગેરેને બંગલો, કાર, પેટ્રોલ, લાઇટબીલ, મેડિકલ સુવિધાઓ મફત મળતી હોય છે. ધનિક લોકો ઉદ્યોગપતિઓ બેન્કોનાં મોટા મોટા દીવા કરે અને તે માફ કરી દેવામાં આવે. આ રેવડી સામાન્ય પ્રજાજનોને અન્યાયકર્તા છે. અધિકારીઓને ઊંચા પગાર હોવા છતાં તેના લાઇટબીલ સરકારની તિજોરી ભોગવતી હોય છે.
આ મફતની રેવડી પૈકી કઈ ‘કલ્યાણકારી યોજના છે?’ અને કઈ ખોટી રીતે વહેંચાય છે તે વચ્ચેની ભેદરેખા સ્પષ્ટ હોવી જોઈએ.
બીજી તરફ હાલ આ અંગેનો કેસ સુપ્રીમકોર્ટમાં છે. ચૂંટણી ઢંઢેરામાં અપાતા વચનોમાં પહેલા પાંચ ફરજિયાત હોવા જોઈએ. બાકીના વચનોમાંથી 60 ટકા પળાવા જોઈએ અને તે ના પળાય તો તેની ચૂંટણીપંચની માન્યતા રદ થવી જોઈએ. તેવી જોગવાઈ કરવી જોઈએ. કેમકે ચૂંટણીનાં વચન સામે તે મતદારોનો કિંમતી-અમૂલ્ય મત મેળવે છે. હવે આપેલા વચનો ના પળાય તો તે મતદાર સાથેની છેતરપિંડી તરીકે લેખાવા જોઈએ. તેવો મત પણ આકાર લેવા માંડ્યો છે.
