દેશમાં રસીકરણનો આંકડો 62 કરોડને પાર કરી ગયો છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે માહિતી આપી હતી કે રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ શુક્રવારે દેશમાં એક કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા. આ અભિયાન શરૂ થયા બાદ એક દિવસમાં પ્રાપ્ત કરાયેલી રસીકરણની આ સૌથી વધારે સંખ્યા છે. આજે સાંજે 7 વાગ્યા સુધી, દેશમાં કોવિડ -19 રસીકરણનો વ્યાપ 62,09,43,580 ડોઝ સુધી પહોંચી ગયો છે.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર આજે દેશમાં કોવિડ -19 વિરોધી રસીઓના એક કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા, જે અત્યાર સુધીની સૌથી વધુ સંખ્યા છે. 17 ઓગસ્ટના રોજ, દેશભરમાં રસીઓના 88 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધી, 18 થી 44 વર્ષની ઉંમરના લોકોમાંથી 23,72,15,353 લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે જ્યારે 2,45,60,807 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
વર્તમાન સમયમાં નિષ્ણાતોએ ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરી છે ત્યારે રસીકરણના આ આંકડા સરહાનીય છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે સતત બીજા દિવસે દેશમાં કોરોના સંક્રમિતના 40 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં, 44,658 નવા કેસ નોંધાયા છે જ્યારે રોગચાળાને કારણે 496 લોકોનાં મોત નીપજ્યાં છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોની વાત કરીએ તો 11,174 નો વધારો થયો છે. દેશમાં હાલમાં 3,44,899 સક્રિય કેસ છે.
વર્તમાન સમયમાં કેરળ દેશમાં કોરોનાનું હોટસ્પોટ છે. આજે કેરળમાં કોરોનાના 32,801 નવા કેસ નોંધાયા હતા, જેની સાથે રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા વધીને 39.45 લાખ થઈ ગઈ છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જણાવ્યું કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોનાવાયરસ વિરોધી રસીના 4.05 કરોડથી વધુ ડોઝ હજુ પણ ઉપલબ્ધ છે. અત્યાર સુધી, રસીના 58.86 કરોડથી વધુ ડોઝ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આપવામાં આવ્યા છે. ઉપરાંત, 17.64 લાખથી વધુ ડોઝ પહોંચાડવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકારે એમ પણ કહ્યું કે તે દેશભરમાં કોવિડ -19 વિરોધી રસીકરણની ગતિને વેગ આપવા માટે અમે પ્રતિબદ્ધ છીએ.
