News / અડધી પીચે રમવા આવેલા વિજય રૂપાણીના રાજીનામાં પાછળના શું છે મુખ્ય કારણો?

અચાનક રાજીનામું આપતા ગુજરાત સહિત દેશના રાજકારણમાં ગરમાવો આવી ચૂક્યો છે. છેલ્લા ઘણાં સમયથી સોશિયલ મીડિયામાં “ રૂપાણી જાય છે” તે અંગેની ચર્ચાએ વેગ પકડ્યું હતું જે આજે મહદઅંશે સાબિત થયું હોય તેવું જણાઈ આવે છે.

વિજય રૂપાણીએ શનિવારે બપોરે અચનાક ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. અચાનક રાજીનામું આપતા ગુજરાત સહિત દેશના રાજકારણમાં ગરમાવો આવી ચૂક્યો છે. છેલ્લા ઘણાં સમયથી સોશિયલ મીડિયામાં “ રૂપાણી જાય છે” તે અંગેની ચર્ચાએ વેગ પકડ્યું હતું જે આજે મહદઅંશે સાબિત થયું હોય તેવું જણાઈ આવે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામાં અંગે ઘણા કારણો સામે આવી રહ્યા છે તે પૈકીના અમુક કારણો નીચે મુજબના હોઈ શકે છે :

કોરોનાની બીજી લહેર દરમિયાન રૂપાણી સરકારની નિષ્ફળતા

કોરોનાની બીજી લહેર દરમિયાન ઠેર ઠેર ઓક્સિજનનો અભાવ, કોરોનાની દવા-ઈન્જેકશન માટે લાંબી લાઈનો તથા સ્મશાનમાં પણ લાંબી લાઈનો જોવા માટે મળતી હતી. રાજ્યની પ્રજા બીજી લહેર દરમિયાન મુશ્કેલ પરિસ્થિતિમાં આવી ગઈ હતી અને આમતેમ વલખાં મારવા લાગી હતી. બીજી લહેર દરમિયાન અને તે પછી લોકોનો સરકાર પ્રત્યે રોષ વધી રહ્યો હતો. કેન્દ્રીય મંત્રીઓના પ્રવાસ દરમિયાન પણ આ નિષ્ફળતા સામે આવી હતી.

સીઆર પાટિલ અને વિજય રૂપાણી વચ્ચે ગજગ્રાહ

ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાત રઘુનાથ પાટિલ બન્યા બાદ તેમણે અનેક નવી કવાયતો શરુ કરી હતી. તેમણે કરેલી કવાયતો દરમિયાન પાર્ટીની ભાજપ સરકાર અને સંગઠન વચ્ચે સંકલનનો અભાવ હોવાનું સામે આવ્યું હતું. મુખ્યમંત્રી સાથે સંકલન કરવા પાટિલ અને સંગઠનના નેતાઓ સતત પ્રયત્નો કર્યા હતા પરંતુ દિવસે અને દિવસે સીઆર પાટિલ અને રૂપાણી વચ્ચે વિવાદ વધતો જતો હતો. જેના કારણે અનેક વખત રૂપાણી અને સીઆર આમને સામને આવી ગયા હતા. કોરોના કાળ દરમિયાન સરકારની નિષ્ફળતાને પગલે સી.આર પાટિલે સુરતમાં  અલગથી ઇન્જેક્શનની વ્યવસ્થા કરી અલગ રીતે વહેંચ્યા હતા. જેના કારણે કેસ પણ દાખલ થયા હતા. મીડિયા દ્વારા ઇન્જેક્શન અંગે પુછવામાં આવતા CM એ જણાવ્યું કે, ઇન્જેક્શન પાટીલે વહેંચ્યા તો સવાલ મને કેમ પુછો છો. પાટીલને જ પુછો. જેથી પાટીલ અને રૂપાણી વચ્ચે તણખા ઝર્યા હતાં. સરકારના કેટલાક નિર્ણયોમાં સંગઠનનું મંતવ્ય પણ લેવામાં આવતું ન હોવાનું તેમજ સંગઠનની નિમણૂંકોમાં પણ સરકારને વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હોવાની અનેક વિગતો બહાર આવી હતી. પાટિલ સાથેના અણબનાવોના કારણે વિજય રૂપાણીએ પદ ગુમાવવાનો વારો આવ્યો છે.

2017ની ચૂંટણીમાં મળી 100થી નીચે બેઠક

રાજ્યમાં વર્ષ 2017 માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પાતળી બહુમતિ મળી હતી ત્યારે જ સરકાર અને સંગઠનને જનમતનો સંદેશ મળી ગયો હતો. ભાજપને 182 માંથી માત્ર 97 બેઠક મળી હતી. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલે થોડા સમય પહેલા ચૂંટણી વિજય રૂપાણીના નેતૃત્વમાં લડાશે તેવી જાહેરાત કરી હતી પરંતુ તેમને ક્યાંક અંદરથી ડર સતાવતો હોય તેવું લાગી રહ્યું હતું જેના પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીની રાજીનામું લઇ લેવામાં આવ્યું હોય તેવું સામે આવ્યું છે.

કેન્દ્રીયમંત્રીઓની જનસંવેદના યાત્રા દરમિયાન નારાજગી

કેન્દ્રીય કેબિનેટના વિસ્તરણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવનિયુક્ત મંત્રીઓને ગુજરાત જનસંવેદના યાત્રા માટે મોકલ્યા હતા.  જનસંવેદના યાત્રા તે માત્ર યાત્રા જ નહોતી પરંતુ ગુજરાત સરકારની કામગીરી અંગેનો નેતાઓ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો અને તે દરમિયાન સરકારની કામગીરીની ક્યાંક નહિ ને ક્યાંક નિષ્ફળતા જોવા માટે દેખાઈ આવી હતી. ગુજરાતની જનતાની નારાજગી જનસંવેદના યાત્રા દરમિયાન જોવા માટે મળતી હતી. આગામી ચૂંટણી’માં ભાજપની છાપ બગડી શકે છે તેવું પણ ચિત્ર દેખાઈ રહ્યું હોવાના પગલે વિજય રૂપાણીનું રાજીનામું લેવામાં આવ્યું હોય તેવું સત્તા વિરોધી જુવાળ હોવાનું કારણ દેખાઈ રહ્યું છે.


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment