ભ્રષ્ટાચારના ગુનાના આરોપીને નિર્દોષ મુક્ત કરતા ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટે રદબાતલ કર્યો છે અને એવું મહત્ત્વપૂર્ણ અવલોકન કર્યું છે કે ભ્રષ્ટાચારનો ગુનો એ સમાજ વિરૂદ્ધનો જઘન્ય અપરાધ છે. પ્રસ્તુત કેસમાં ITI ગાંધીનગરના આસિસ્ટન્ટ ડિરેક્ટર આરોપી છે અને તેઓ ભ્રષ્ટાચારના ગુનામાં સંડોવાયેલા હતા. તેમને નીચલી અદાલતે ફટકારેલી સજા સામે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરી હતી અને હાઇકોર્ટે તેમને નિર્દોષ મુક્ત કર્યા હતા. જે ચુકાદાથી નારાજ થઇ રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ અપીલ કરી હતી. જેમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અશોક ભુષણ, જસ્ટિસ આર.સુભાષ રેડ્ડી અને જસ્ટિસ એમ.આર.શાહની ખંડપીઠે હાઇકોર્ટના ચુકાદાને રદ કર્યો છે અને કેસની અપીલમાં ફરીથી કાર્યવાહી કરતાં હાઇકોર્ટે કેસ પરત મોકલી આપ્યો છે.
સુપ્રીમ કોર્ટની ખંડપીઠે હાઇકોર્ટના આદેશને રદ કરતાં નોંધ્યું હતું કે,‘કોઇ આરોપીને ટ્રાયલ કોર્ટે સજા ફટકારી હોય અને તેની વિરૂદ્ધમાં તેણે કરેલી અપીલમાં જે રીતે કાર્યવાહી કરવી જોઇએ એવી કાર્યવાહી હાઇકોર્ટે કરી નથી. આરોપીને નિર્દોષ મુક્ત કરવા હાઇકોર્ટે રેકોર્ડ પરના પુરાવાનું વિસ્તૃત પુર્નમૂલ્યાંકન કર્યું નથી તેવું અમને જણાય છે.’ સુપ્રીમ કોર્ટે ભ્રષ્ટાચાર સંબંધી કેસ હોઇ એવું મહત્ત્વપૂર્ણ અવલોકન પણ કર્યું છે કે,‘હાઇકોર્ટે પ્રસ્તુત કેસમાં એ બાબતને ધ્યાનમાં રાખવી જોઇતી હતી કે ભ્રષ્ટાચારનો ગુનો એ સમગ્ર સમાજ વિરૂદ્ધનો જઘન્ય ગુનો છે. અને માટે જ હાઇકોર્ટે દોષિત ઠરેલા આરોપીને નિર્દોષ છોડતાં પહેલાં વધુ સાવચેત, સજાગ રહેવું જોઇએ અને વધુમાં વધુ વિગતોમાં જવું જોઇએ. આ કેસની અપીલમાં હાઇકોર્ટે જે રીતે કાર્યવાહી કરી છે એ અમને મંજૂર નથી.’ સુપ્રીમની ખંડપીઠે આદેશમાં નોંધ્યું છે કે,‘હાઇકોર્ટે આરોપીની અપીલમાં સાક્ષીઓના નિવેદનોના આધારે માત્ર સામાન્ય અવલોકનો કર્યા છે. જ્યારે કે સમગ્ર પુરાવાનો વિસ્તૃત પુનર્મૂલ્યાંકન હાઇકોર્ટે કર્યો નથી. એટલું જ નહીં જ્યારે કોઇ આરોપીને ટ્રાયલ કોર્ટે દોષિત ઠરાવ્યા હોય ત્યારે તેના નિર્દોષ હોવાની ધારણા બાંધી શકાય નહીં. આ કેસની અપીલમાં હાઇકોર્ટે ગંભીર ભૂલ કરી છે અને કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંતોનો અમલ ન કરીને આરોપીને નિર્દોષ છોડી મૂક્યો છે. તેથી આ સમગ્ર કેસ હાઇકોર્ટ સમક્ષ પરત મોકલી આપવાનો આદેશ કરીએ છીએ અને અપીલનો નવેસરથી તેના ગુણદોષના આધારે નિર્ણય કરવાનો રહેશે. હાઇકોર્ટે એ પણ ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે ભ્રષ્ટાચારનો ગુનો એ સમાજ વિરૂદ્ધનો ગંભીર ગુનો છે.’
પ્રસ્તુત કેસમાં આરોપી ભાલચંદ્ર દવેને ટ્રાયલ કોર્ટે ભ્રષ્ટાચારના ગુનામાં આરોપી ઠરાવ્યા હતા. ભરૂચની ટ્રાયલ કોર્ટે કેસની સુનાવણી કર્યા બાદ આરોપીને દોષિત ઠરાવી તેમને પાંચ વર્ષની સજા અને રૂ. ૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો. આ ચુકાદાની સામે આરોપીએ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરી હતી. જેમાં હાઇકોર્ટે આરોપીને નિર્દોષ મુક્ત કર્યો હતો.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…