Not Set/ BSFના લાપતા થયેલા જવાનનું મૃત્યુદેહ દરિયામાંથી મળી આવ્યું,જાણો વિગત

26મી જાન્યુઆરીના લાપતા થયેલા બીએસએફ જવાનની લાશ આજે વાયોર પાસેની અલ્ટ્રાટેક કંપનીની પાસેથી મળી આવી હતી

Top Stories Gujarat India

બીએસએફના લાપતા થયેલા જવાનનું મૃત્યુદેહ સમુદ્રમાંથી મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે, આ જવાન 26 જાન્યુઆરીથી ગુમ થયો હતો તેની શોધખોળ કરવામાં આવી હતી પરતું તેની કોઇ ભાળ મળી ન હતી,આ જવાનની લાશ મળી આવતા સમગ્ર બીએસએફ યુનિટને આઘાત લાગ્યો છે, હાલ તેમના મૃત્યુ અંગેના કારણ જાણવા પોલીસ તંત્ર કામે લાગ્યું છે. લખપત તાલુકાના અકરી પાસેથી ગત  26મી જાન્યુઆરીના લાપતા થયેલા બીએસએફ જવાનની લાશ આજે વાયોર પાસેની અલ્ટ્રાટેક કંપનીની પાસેથી મળી આવી હતી. જોકે જવાનના મોત બાબતે રહસ્ય હજુ અકબંધ છે. લાશ કહોવાયેલી હાલતમાં હોવાથી પોસ્ટ મોર્ટમ માટે જામનગર રવાના કરવાની તૈયારીઓ શરૂ કરાઇ હતી.આ અંગે મળતી વિગતો મુજબ તા. 26/1ના અકરી બીએસએફ કેમ્પમાં ફરજ બજાવતા મુળ જમ્મુના રવિ કુમાર લાપતા બન્યો હતો. જેના પગલે બીએસએફ દ્વારા તેની વ્યાપક શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

જમ્મુ ખાતે તેના ઘરે પણ તપાસ કરાઇ હતી. જેના પગલે પરિવારમાં પણ ચિંતા ફેલાઇ હતી. તેવામાં વાયોર પાસે અલ્ટ્રાટેક કંપનીની જેટી પાસે ગુરૂવારે એક લાશ ગામ લોકોને દેખાઇ હતી. તેથી બીએસએફની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. તપાસ કરતા લાશ ગુમ થયેલા જવાન રવિ કુમારની હોવાનું બહાર આવ્યુ હતું.

પાણીમાં ડૂબી જવાથી પ્રાથમિક તપાસમાં જવાનનુ મોત થયુ હોવાનું બહાર આવ્યું છે. લાશને વાયોર પોલીસને હવાલે કરવામાં આવી હતી. મૃતદેહ કહોવાયેલી હાલતમાં હોવાથી તેના પોસ્ટ મોર્ટમ માટે જામનગર મોકલવામાં આવ્યો હતો. પોલીસે કહ્યું હતું કે લાશ પાસેથી કોઇ શંકાસ્પદ સામગ્રી મળી નથી કે તેના પર કોઇ ઇજાના નિશાન પણ નથી.