શહેરની બીજા નંબરની સૌથી મોટી સરકારી ગોત્રી હોસ્પિટલ નાં તંત્રની લાલીયાવાડી સામે આવી છે. હોસ્પિટલમાં તંત્રની બેદરકારીના કારણે છેલ્લા પાંચ દિવસથી દર્દીઓ અને તેમના પરિવારજનો ડૉક્ટરને ઓપરેશન કરાવા માટે આજીજી કરવા મજબુર બન્યા છે અને હોસ્પિટલના સત્તાધીશો એક બીજા ઉપર દોષારોપણ કરી લૂલો બચાવ કરી રહ્યા છે.

જીએમઆઈઆરએસ સંચાલિત સરકારી ગોત્રી હોસ્પિટલમાં 10 ઓપરેશન થિયેટર કાર્યરત છે જેમાં ઓર્થોપેડિક, ઇએનટી, ગાયનેક જેવા અન્ય વિભાગ પણ આવેલા છે. આ ઓપરેશન થિયેટર્સમાં રોજના 40થી વધુ દર્દીઓના ઓપરેશન થાય છે પરંતુ છેલ્લા પાંચ દિવસ થી તંત્રની બેદરકારીના કારણે તમામ ઓપરેશન રદ કરવાની ફરજ પડી રહી છે અને દર્દી અને તેમના પરિવારજનોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તો બીજી બાજુ હોસ્પિટલનો સ્ટાફ પણ પરસેવે રેબઝેબ થઇ રહ્યો છે અને ગરમીથી બચવા ઘરેથી ટેબલ પંખો લઈને આવે છે.
ગોત્રી હોસ્પિટલમાં પાંચ દિવસ અગાઉ એરકન્ડીશન પ્લાન્ટના કોમ્પ્રેશરમાં ખામી સર્જાતા એરકન્ડીશન પ્લાન્ટ ખોટવાઈ પડયો હતો અને એરકન્ડીશનની સુવિધા વગર ઓપરેશન કરવું શક્ય ના હોવાથી હોસ્પિટલમાં થતા ઓપરેશન રદ કરવાની ફરજ પડી હતી અને જે દર્દીઓને ઓપરેશનની તાત્કાલિક જરૂરિયાત હોય તેવા દર્દીઓને સર સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે અને ડોક્ટર દ્ધારા પ્લાન સર્જરીને પણ રદ કરી દર્દીને ઓપરેશન નવી તારીખ આપવામાં આવશે તેવી હૈયાધારણ આપવામાં આવી રહી છે.

ગોત્રી હોસ્પિટલમાં અત્યંત આધુનિક એરકન્ડીશન પ્લાન્ટ મુકવામાં આવ્યો છે કોરોના મહામારી સમયે આ પ્લાન્ટ ખોટકાય નહિ તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી હતી વિદેશની કંપની સાથેના સમારકામનો કોન્ટ્રાકટ સમયસર રીન્યુ થવામાં અડચણો ઉભી થઇ હતી જેના પગલે સમારકામ અન્ય કંપની ને સોંપવા ઉપર વિચારણા થયા બાદ આ એરકન્ડીશન પ્લાન્ટનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું અને એરકન્ડીશન પ્લાન્ટને ફરી કાર્યરત કરવા માટે ગાંધીનગર ખાતેથી જરૂરી પરવાનગી મેળવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને જરૂરી પરવાની મળી ગઈ હતી જેના પગલે એરકન્ડીશન પ્લાન્ટનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ એરકન્ડીશન ની સમારકામની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવ્યા બાદ પણ એરકન્ડીશન યોગ્ય રીતે કાર્યરત થયા ના હોવાથી પાંચમાં દિવસે પણ ઓપરેશન થિયેટરમાં દર્દીઓનાં ઓપરેશન મૂલત્વીત રાખવાની ફરજ પડી હતી.
આ પણ વાંચો : આકાશ અંબાણી બાદ મુકેશ અંબાણી દીકરીને આપશે આ જવાબદારી
