ગૂગલ ફોટોઝને કારણે, ફોનમાં સ્ટોરેજની ટેન્શન મોટા પ્રમાણમાં ઘટી જતુ હોય છે, કારણ કે તે તમને અમર્યાદિત ફોટાને ફ્રી માં સેવ કરવા માટે સુવિધા આપે છે. પરંતુ હવે ગૂગલ તેમા બદલાવ કરવા જઈ રહ્યું છે. 1 જૂન 2021 થી, ગૂગલ ફોટોઝ પર અમર્યાદિત ફોટાને ફ્રી માં સેવ કરવાની સુવિધા નહીં મળે.
ગૂગલે એક બ્લોગ પોસ્ટમાં કહ્યું છે કે, 1 જૂન, 2021 થી, ગૂગલ ફોટા પર સેવ કરેલા કોઈપણ નવા ફોટા અથવા વીડિયોને 15 જીબીનાં તે સ્ટોરેજ મર્યાદામાં સમાવવામાં આવશે જે યૂઝર્સને ગૂગલ એકાઉન્ટ ખોલે ત્યારે મળે છે. Gmail અને Google ડ્રાઇવ પણ આ સ્ટોરેજમાં શામેલ છે. ગૂગલ ફોટોઝમાં અમર્યાદિત ફોટા અને વીડિયો સેવ કરવાની સુવિધા 31 મે, 2021 સુધી અમલમાં રહેશે, એટલે કે, 6 મહિનાથી વધુ સમય સુધી આ સુવિધા ઉપલબ્ધ રહેશે. 1 જૂન 2021 થી, યૂઝર્સને 15GB પછી સ્ટોરેજ યૂઝ કરવા માટે ચૂકવણી કરવી પડશે.
ગૂગલે કહ્યું છે કે, દર અઠવાડિયે લગભગ 28 અબજ નવા ફોટા અને વીડિયો ગૂગલ ફોટોઝ પર અપલોડ થાય છે. ગૂગલ માને છે કે, 1 જૂનથી નવી નીતિ લાગુ થયાનાં 3 વર્ષ પછી, 15 જીબીની નિશ્ચિત સ્ટોરેજ મર્યાદા, ગૂગલ ફોટોઝનાં આશરે 80% યૂઝર્સ માટે પૂરતી હશે. જો કે, 1 જૂન 2021 થી, યૂઝર્સે તેમના સારા અને જરૂરી ફોટા અને વીડિયોને જ Google ફોટો પર સેવ કરવા જોઈએ.
1 જૂન 2021 થી, જ્યારે કોઈ યૂઝર્સ ગૂગલ ફોટોઝનો સ્ટોરેજ 15 જીબીની નજીક પહોંચશે, ત્યારે તેને ઇમેઇલ અથવા એપ્લિકેશન નોટિફિકેશન દ્વારા જાણ કરવામાં આવશે. જો કોઈ યૂઝર્સને 15 જીબી કરતા વધારે સ્ટોરેજની જરૂર હોય, તો તેણે પેઇડ સબ્સ્ક્રિપ્શન લેવું પડશે.
