છત્તીસગઢના નક્સલ પ્રભાવિત દંતેવાડામાં રવિવારે થયેલા એન્કાઉન્ટર બાદ ત્રણ મહિલા નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. ત્રણેય પર 5-5 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. દંતેવાડાના એસપી અભિષેક પલ્લવે જણાવ્યું કે જિલ્લા રિઝર્વ ગાર્ડ સાથેની અથડામણ બાદ મહિલા નકસલવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. આ એન્કાઉન્ટર સાંજે અડવાલ અને કુંજેરસના જંગલમાં થયું હતું.
દંતેવાડાના પોલીસ અધિક્ષક અભિષેક પલ્લવે જણાવ્યું કે સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ રવિવારે સાંજે લગભગ 6 વાગ્યે કાટેકલ્યાણ પોલીસ સ્ટેશન હેઠળના અડવાલ અને કુંજરાત ગામો વચ્ચેના જંગલમાં થઈ હતી જ્યારે ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG)ના જવાનો સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા.
તેમણે કહ્યું કે એન્કાઉન્ટર બાદ ત્રણ મહિલા નક્સલવાદીઓના મૃતદેહ ઘટનાસ્થળેથી મળી આવ્યા હતા. પલ્લવે કહ્યું કે માર્યા ગયેલી મહિલા નકસલવાદીઓની ઓળખ રાજે મુચકી, ગીતા મરકામ અને જ્યોતિ ઉર્ફે ભીમ નુપ્પો તરીકે થઈ છે. ત્રણેય માઓવાદીઓની કાતેકલ્યાણ એરિયા કમિટીના સક્રિય સભ્યો હતા.
તેણે જણાવ્યું કે ત્રણેય પર પાંચ લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. એક 12 બોરની બંદૂક, બે દેશી બનાવટની રિવોલ્વર, એક મજ્જલ લોડિંગ ગન, બે ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED), વાયર, દવાઓ, માઓવાદી સાહિત્ય અને રોજિંદા ઉપયોગની અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે, એમ પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું.
