અમદાવાદ
વિશ્વ હિંદુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાની રાજસ્થાન પોલિસ દ્રારા કરવામાં આવેલી કથિત ધરપકડ અંગે અમદાવાદ પોલિસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ઉલ્લેખનીય છે કે પ્રવીણ તોગડિયાને રાજસ્થાન પોલિસ ધરપકડ કરીને લઇ ગઇ છે એવા સમાચાર વાયુવેગે ફેલાતા વીએચપીના કાર્યકરોએ ઉગ્ર દેખાવો ચાલુ કર્યા હતા.અમદાવાદના સોલા પોલિસ સ્ટેશને વીએચપીના કાર્યકરોએ દેખાવો કર્યા હતા.સુરતમાં પણ વીએચપીના કાર્યકરોએ દેખાવો કરીને પ્રવીણ તોગડિયાને શોધવા અંગે પોલિસ સમક્ષ ઉગ્ર રજુઆતો કરી હતી.
વીએચપીના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાની ધરપકડ અંગે અમદાવાદ શહેરના જોઇન્ટ કમિશનર જે કે ભટ્ટે જણાવ્યું હતું કે રાજસ્થાન પોલિસ કે ગુજરાત પોલિસ દ્રારા પ્રવીણ તોગડિયાની ધરપકડ કરવામાં આવી નથી.
જેસીપી જે કે ભટ્ટે મીડીયાને સંબોધતા જણાવ્યું કે રાજસ્થાનની ગંગાનગર કોર્ટ દ્રારા એક કેસ અંગે પ્રવીણ તોગડિયાનું ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું.આ ધરપકડ વોરંટ લઇને રાજસ્થાન પોલિસ અમદાવાદ આવી હતી પરંતું તેમની ધરપકડ કરવામાં આવી નહોતી.
પ્રવીણ તોગડિયાને વોરંટ આપવા માટે રાજસ્થાનની ગંગાપુર પોલિસ અમદાવાદ આવી હતી.આ અંગે સોલા પોલિસ સ્ટેશનને જાણ પણ કરવામાં આવી હતી.જો કે પોલિસ જ્યારે સોલા સ્થિત તેમના નિવાસસ્થાને પહોંચી ત્યારે પ્રવીણ તોગડિયા ત્યાં મળી આવ્યા નહોતા.પોલિસે શહેરના વિશ્વ હિંદુ પરિષદ કાર્યાલય પર પણ પાલડી સ્થિત તપાસ કરી હતી પરંતું તેઓ મળી આવ્યા નહોતા.
સોમવાર સવારથી ગાયબ થયેલાં પ્રવીણ તોગડિયાનો મોબાઇલ પણ સ્વીચ ઓફ આવતા પોલિસ હરકતમાં આવી હતી અને તેમને શોધવા 4 ટીમો બનાવી છે.જેસીપી જે કે ભટ્ટ કહે છે કે અમે પ્રવીણભાઇને શોધવા ટીમો કામે લગાવી છે.
ઉલ્લેખનીય છે કે પ્રવીણ તોગડિયાને z પ્લસ કેટેગરીની સિક્યોરીટી આપવામાં આવી છે.જો કે પોલિસના સુત્રોના કહેવા પ્રમાણે રવિવારે રાતે એક વાગ્યે વીએચપી ઓફિસે પહોંચેલા પ્રવીણ તોગડિયાએ તેમની સુરક્ષામાં રહેલા ગાર્ડને બીજે દિવસે અઢી વાગ્યે આવવા જણાવ્યું હતું.
જેસીપી જે કે ભટ્ટના કહેવા પ્રમાણે પ્રવીણ તોગડિયા પોણા અગિયારના સુમારે કોઇ દાઢીવાળી વ્યક્તિ સાથે રીક્ષામાં બેસીને ‘હમણાં આવું છું’ તેમ કહીને નીકળી ગયા હતા.
પ્રવીણ તોગડિયા ક્યાં ગયા છે તે અંગે હવે પોલિસ સઘન તપાસ ચલાવી રહી છે.પ્રવીણ તોગડિયા તેમના ઘરે પણ નહોતા મળી આવ્યા,વળી તેમનો મોબાઇલ પણ સ્વીચ ઓફ થઇ ગયો છે.
પ્રવીણ તોગડિયા ગાયબ થયા હોવાની જાણ થતા સોલા પોલિસ સ્ટેશને વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરો એકઠાં થયા હતા એટલું જ નહીં પરંતું સોશિયલ મીડીયામાં પણ મેસેજ વહેતા થયા હતા.વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરોનો એવો પણ ભય વ્યક્ત કર્યો હતો કે પ્રવીણ તોગડિયાનું એન્કાઉન્ટર થઇ શકે છે.
અહીં એ પણ ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અમદાવાદની મેટ્રો કોર્ટ દ્રારા 22 વર્ષ જુના કેસમાં ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું.
આ વોરંટ બાદ પ્રવીણ તોગડિયાએ ટ્વીટ કરીને આ વોરંટને તેમને કારાગૃહ મોકલવનો અવિસ્મરણીય પ્રયાસ ગણાવ્યો હતો.