Prithvi-II Training Launch: ટૂંકા અંતરની બેલેસ્ટિક મિસાઈલ, પૃથ્વી-2નું મંગળવારે (10 જાન્યુઆરી) સફળતાપૂર્વક તાલીમ પરિક્ષણ કરવામાં આવ્યું હતું સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે આ પરીક્ષણ મંગળવારે ઓડિશાના કિનારે ચાંદીપુરની સંકલિત ટેસ્ટ રેન્જથી કરવામાં આવ્યું હતું. એક સુસ્થાપિત સિસ્ટમ, પૃથ્વી-2 મિસાઇલ ભારતના પરમાણુ પ્રતિરોધકનો અભિન્ન ભાગ રહી છે. મિસાઈલે ઉચ્ચ ચોકસાઈ સાથે તેના લક્ષ્યને નિશાન બનાવ્યું હતું. યુઝર ટ્રેનિંગ લોન્ચે મિસાઈલના તમામ ઓપરેશનલ અને ટેક્નિકલ પરિમાણોને સફળતાપૂર્વક માન્ય કર્યું. પૃથ્વી-2 મિસાઈલની સ્ટ્રાઈક રેન્જ લગભગ 350 કિમી છે. પૃથ્વી-2 મિસાઈલ એ ટૂંકા અંતરની, સપાટીથી સપાટી પર મારવાની બેલેસ્ટિક મિસાઈલ છે જે ભારતના સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા વિકસાવવામાં આવી છે. તે ભારતની પૃથ્વી મિસાઈલ શ્રેણીનો ભાગ છે, જેમાં પૃથ્વી-1, પૃથ્વી-2, પૃથ્વી-III અને ધનુષનો સમાવેશ થાય છે.
પૃથ્વી II ( Prithvi-II Training Launch)એ સ્વદેશી રીતે વિકસિત મિસાઈલ છે અને તે 500 કિલોગ્રામ સુધીના પેલોડને લઈ જવા માટે સક્ષમ છે. ટૂંકા અંતરની બેલેસ્ટિક મિસાઈલ પૃથ્વી-2નું ગયા વર્ષે જૂનમાં ઓડિશાના ચાંદીપુરથી પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મિસાઈલ ખૂબ જ ઉચ્ચ સ્તરની ચોકસાઈ સાથે લક્ષ્યને મારવામાં સક્ષમ છે. ચીન અને પાકિસ્તાનની સીમા પર ચાલી રહેલી મડાગાંઠ વચ્ચે ભારત પોતાની મિસાઈલ ક્ષમતાને સતત મજબૂત કરી રહ્યું છે.
અગાઉ ગયા વર્ષે ડિસેમ્બરમાં ભારતે લાંબા અંતરની સપાટીથી સપાટી પર પરમાણુ-સક્ષમ બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-5નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. જેની રેન્જ 5,000 કિમીથી વધુ છે. અગ્નિ-5નું આ નવમું પરીક્ષણ હતું, જેનું પ્રથમ વખત 2012માં પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મિસાઈલ બેઈજિંગ સહિત મેઈનલેન્ડ ચીનના મોટાભાગના શહેરો સુધી પહોંચી શકે છે. આ સિવાય નવેમ્બરમાં ઇન્ટરમીડિયેટ રેન્જ બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ-3નું સફળ પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું.
