ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે એવામાં હાલ ભાજપે મેગા પ્લાન સાથે પ્રચારની રણનીતિ અપનાવી છે. રાષ્ટ્રના દિગ્ગજ નેતાઓને ચૂંટણી પ્રકચાર અર્થે મેદાનમાં ઉતાર્યા છે. ગુજરાતની આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 182માંથી 140 બેઠકો પર જીતનો દાવો કરી રહી છે. આ દરમિયાન એક મોટા સર્વેમાં જણાવાયું છે કે કઈ પાર્ટીને કેટલી બેઠક મળવાની છે. આ મુજબ ગુજરાતમાં ભાજપ સતત સાતમી વખત સરકાર બનાવતી હોય તેવું લાગી રહ્યું છે. સાથે જ કોંગ્રેસ બીજા નંબર પર કબજો કરશે. ઓપિનિયન પોલ મુજબ 182 સભ્યોની ગુજરાત વિધાનસભામાં 104-119 બેઠકો સાથે ભાજપ સરળતાથી બહુમતી મેળવી શકે છે. સાથે જ કોંગ્રેસ પાર્ટી 53-68 સીટો જીતી શકે છે.
નોંધનીય છે કે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 99 બેઠકો જીતી હતી. આ સાથે જ કોંગ્રેસે 77 સીટો પર જીત મેળવી હતી. આમ આદમી પાર્ટી (આપ)ના રાષ્ટ્રીય સંયોજકે હાલમાં જ એક ટીવી ઈન્ટરવ્યુ દરમિયાન ગુજરાતની માત્ર પાંચ સીટો પર કોંગ્રેસની જીતની ભવિષ્યવાણી કરી હતી. ઓપિનિયન પોલ મુજબ કેજરીવાલની પાર્ટી જ પાંચ સીટો પર વિલય કરતી દેખાઈ રહી છે. આ સર્વેમાં માત્ર ત્રણ બેઠકો અન્ય પક્ષોના ખાતામાં જતી જોવા મળી રહી છે.
ઓપિનિયન પોલ મુજબ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 49.5 ટકા, કોંગ્રેસને 39.1 ટકા, આપને 8.4 ટકા અને અન્યને 3 ટકા વોટ મળવાની સંભાવના છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 49.05 ટકા, કોંગ્રેસને 41.44 ટકા અને અન્યને 8.65 ટકા મત મળ્યા હતા.
સર્વેમાં લોકોની મુખ્યમંત્રી તરીકે કોને જોવા ઇચ્છે તેવા સવાલમાં ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી તરીકે લોકોની પહેલી પસંદગી બન્યા છે. ભુપેન્દ્ર પટેલને 32 ટકા, આપ નેતા ઈસુદાન ગઢવીને 7 ટકા, કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલને છ ટકા, ભરતસિંહ સોલંકીને 4 ટકા, સુખરામ રાઠવાને 4 ટકા, અર્જુન મોઢવાડિયાને 4 ટકા અને જગદીશ ઠાકોરને 3 ટકા મત આપ્યા હતા.
મધ્ય ગુજરાતમાં 61માંથી 41 બેઠકો પર ભાજપનો વિજય થતો દેખાઈ રહ્યો છે. આ સાથે જ કોંગ્રેસને 19, આપને ઝીરો અને અન્યને 1 સીટ મળી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં 54 બેઠકોમાંથી ભાજપને 30, કોંગ્રેસને 21 અને આપને ત્રણ બેઠકો મળવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં 35 બેઠકોમાંથી ભાજપને 26, કોંગ્રેસને 6 અને આપને 3 બેઠકો મળવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં 32 બેઠકો છે. અહીં ભાજપ અને કોંગ્રેસને 16-16 સીટો મળી શકે છે.