Voting holy duty: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને લઈને મતદાન જારી છે. આ સમયે પુખ્ત વયનાથી લઈને વૃદ્ધો દ્વારા પણ મતદાન જારી છે. આ સમયે કેટલાક મતદારો છે જે જીવના જોખમે પણ મતદાન કરે છે.
લોકશાહીના પવિત્ર પર્વ મતદાનમાં ગુજરાતના મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના એક ગામના મતદારોએ મતદાન કરવા માટે બોટમાં નદી પાર કરી હતી. કણજરા ગામના 300થી વધુ મતદારોએ ટીમલા ગામના બુથ પર જવા માટે નદી પાર કરવી પડે છે. તેઓ નદીના પાણીમાં ચાર કિ.મી. અંતર કાપીને મતદાન કરે છે.
આ નદી પાર કરવામાં જીવનું જોખમ રહેતું હોય છે. પણ દેશ પ્રત્યેની પોતાની નૈતિક જવાબદારી નીભાવવાની તત્પરતાના લીધે તેઓએ જીવના જોખમે પણ તેમની પવિત્ર ફરજ નીભાવી મત આપ્યો હતો.
કણજરાના ગામવાસીઓના જણાવ્યા મુજબ તેઓ વર્ષોથી બૂથ માટે માંગણી કરતા આવ્યા છે, પરંતુ આજ દિવસ સુધી તેમને બૂથ ફાળવવામાં આવ્યું નથી. આમ છતાં મતાધિકારને પોતાની પવિત્ર ફરજ સમજતા કણજરા ગામના ગામવાસીઓએ મતદાન કર્યુ હતુ. 20 વ્યક્તિઓના જૂથમાં એક હોડીમાં બેસીને ચાર કિ.મી.નું અંતર કાપીને ટીમના ગામના બૂથ પર જઈ મત આપ્યા હતા. આ રીતે ગામમાંથી આખા દિવસમાં કુલ 300 મતદારો મતદાન કરી રહ્યા છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન થઈ ચૂક્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ભાજપના વર્તમાન મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને હાલમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ મતદાન કરી ચૂક્યા છે. કોંગ્રેસમાંથી પણ ભરતસિંહ સોલંકી અને જગદીશ ઠાકોર સહિતના આગેવાનોએ મતદાન કર્યુ છે.
આ પણ વાંચો
