લખનઉ : ગુજરાત અને બિહાર પછી હવે ઉત્તર પ્રદેશના વિપક્ષમાં હવે રાજકીય ભૂકંપ આવ્યો છે. તો બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉત્તર પ્રદેશના લખનઉના ત્રણ દિવસની મુલાકાતે ગયા છે. અમિત શાહની મુલાકાત અગાઉ જ સમાજવાદી પાર્ટીના બે અને બસપાના એક એમએલસીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. જેમાં ખાસ વાત એ છે કે મુસ્લિમ શિયા સમુદાયના નેતા બુક્કલ નવાબનો સમાવેશ થાય છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ આ નેતાઓ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે.
એક અહેવાલ મુજબ આ નેતાઓએ સીએમ યોગી આદિત્યનાથ અને ડેપ્યુટી સીએમ દિનેશ શર્મા અને કેશવપ્રસાદ મૌર્ય માટે પોતાની બેઠક છોડી છે. એસપી એમએલસી બુક્કલ નવાબ અને યશવંત સિંહે પક્ષ પર અલગ-અલગ આરોપ લગાવતા પોતાના પદ પરથી રાજીનામુ આપ્યું છે.
બુક્કલ નવાબે રાજીનામું આપ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી આદિત્યનાથની પ્રશંસા કરી.
બુક્કલ નવાબે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હું છેલ્લા એક વર્ષથી ગૂંગળામણ અનુભવતો હતો. હું મારા નામની પાછળ સપા લખતો તે વખતે મારું મન માનતું નહીં. સમાજવાદી પાર્ટી હવે ‘સમાજવાદી અખાડો’ બની ગઈ છે. અખિલેશને આડે હાથ લેતા બુક્કલે કહ્યું કે ‘‘એ સ્પષ્ટ છે કે જ્યારે અખિલેશ પોતાના પિતાની સાથે નથી તો તેઓ કોની સાથે હોઈ શકે છે.’’ હું મુલાયમ સિંહ યાદવનો ખૂબ આદર કરું છું. સમાજવાદી પાર્ટીમાંથી હજુ અન્ય નેતાઓ પણ રાજીનામું આપી શકે છે.
