રાજકોટઃ જામનગરના એક ઉદ્યોગપતિની હત્યાના ઇરાદે આવેલા દાઉદ ઇબ્રાહિમના ભાઇ ઇનિસ ઇબ્રાહીમના શાર્પ શુટર નાસિકથી આવ્યા હતા. જેની બાતમી રાજકોટ એટીએસને મળતા અમદાવાદથી રાજકોટ જતી નીતા નામની ખાનગી ટ્રાવેલ્સમાંથી ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.
ઝડપાયેલા આરોપીએ પાકિસ્તાનથી ડી ગેન્ગ દ્વારા સોપારી આપવામાં આવ્યુ હોવાની કબૂલાત કરી હતી. શાર્પ શુટર પાસેથી ચાર પિસ્તોલ અને કારતૂસ મળી આવ્યા હતા. હત્યાનો અંજામ આપે તે પહેલા જ રાજકોટ એટીએસ આરોપીને ઝડપી પાડ્યા હતા. આરોપીની પુછપરછ કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, રાજકોટથી કારની ચોરી કરીને હત્યા કરવા માટે જવાના હતા. આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. આ સમગ્ર મામલે ગુજરાત એટીએસની ટીમ વધુ તપાસ માટે રાજકોટ જવા માટ રવાના થઇ છે.
પોલીસ કમિશ્નર ગેહલોતને આ બારામાં સંદિગ્ધ શખ્સો ચોક્કસ ટ્રાવેલ બસમાં મહારાષ્ટ્રથી રાજકોટ તરફ આવી રહ્યાની બાતમી મળી હતી. વહેલી સવારે પોલીસ કમિશ્નર ગેહલોતે સાથી અધિકારીઓ સાથે વ્યુહ ગોઠવી ડીસીપી ઝોન-૧ના નેજા તેળા એસઓજી, ક્રાઇમ બ્રાંચ અને કુવાડવા પોલીસના ચુનંદા કર્મચારીઓની ટીમ બનાવી હતી. જુદા-જુદા ખાનગી અને સરકારી વાહનોનમાં આ ટીમ ચોક્કસ બસનો સુરેન્દ્રનગર પોલીસની હદમાંથી પીછો કરી રહી હતી. જેવી બસ રાજકોટ નવાગામ નજીક પહોંચી ત્યાં જ એક પોલીસ વાને બસને ઓવરટેઇક કરી રોકી લીધી હતી. પાછળ ધડાધડ પોલીસ વાહનો ખડકાઇ ગયા હતાં અને કોઇપણ જાતની ચાલાકી નહિ કરવા બરાડા પાડી બસનો કબ્જો લઇ લીધો હતો.
જીજે-૩બીવી-૪૪૦૦ નંબરની આ બસમાં બેઠેલા તમામ મુસાફરોને ચકાસવામાં આવ્યા હતાં એ દરમિયાન સીટ નં. ડી-૧,૨,૩,૪ ઉપર બેઠેલા પરપ્રાંતિય દેખાતા ચાર શખ્સોના હાવભાવ પોલીસને શંકાસ્પદ લાગતાં તેને રાઉન્ડઅપ કરી અંગજડતી લેતાં એક શખ્સના નેફામાંથી પિસ્તોલ અને છ રાઉન્ડ કાર્ટીસ મળી આવ્યા હતાં. ચારેય શખ્સોને નીચે ઉતારી લઇ બસની ડિક્કીમાં અને બસની અંદરના રેકમાં રહેલા સામાનની છાનબીન કરવામાં આવી હતી. આ દરમિયાન ત્રણ છરીઓ, ત્રણ જુદી-જુદી સિરીઝના નંબરોવાળી વાહનની નંબર પ્લેટો મળી હતી. આ નંબર પ્લેટ જીજે…(ગુજરાત) તથા એમએચ…(મહારાષ્ટ્ર) પાસીંગની છે. મળેલા હથીયારો અને જુદી-જુદી નંબર પ્લેટ પરથી એટલુ સ્પષ્ટ થઇ ગયું છે કે ચારેય શૂટરો કોઇ મોટા પ્લાનને અંજામ આપવા જામનગર તરફ જઇ રહ્યા હતાં. કોઇ વ્યકિતની ગેઇમ બજાવ્યા બાદ સ્થાનિક સ્તરેથી વાહન ચોરી ગુજરાતમાં હોય ત્યાં સુધી સ્થાનિક નંબર પ્લેટ અને કામ પતાવી મહારાષ્ટ્રની હદમાં પહોંચે ત્યારે મહારાષ્ટ્રની નંબર પ્લેટ લગાવી પોલીસની નજરમાંથી બચવાની યોજના હોવાનું બહાર આવ્યું છે. પોલીસને જે ટારગેટનું નામ મળ્યું છે તે સાચુ નામ છે કે ગેરમાર્ગે દોરવા અપાયું છે? તે અંગે ઉંડી છાનબીન ચાલી રહી છે.
