અમદાવાદઃ એફેડીન ડ્રગ્સ મામલે ઝડપાયેલ ભરત કાઠીયાને અમદવાદની સ્પેશિયલ કોર્ટ દ્વારા 3 દિવસાના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ગુજરાત એટીએસ દ્વારા ભરત કાઠીયાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને તેના વધુ 13 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા પરંતું કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
કરોડો રૂપિયાના ડ્રગ્સ કૌભાંડમાં પકડાયેલા કિશોર ભાવસિંહ રાઠોડના ‘રાઝદાર’ મનાતા અને ૧૨ વર્ષ જૂના ડ્રાઈવર ભરત કાઠિયાની એ.ટી.એસ.એ લીંબડી પાસેથી ધરપકડ કરી છે. ભરત કાઠિયા પોલીસ માટે એ સજ્જડ પુરાવો માનવામાં આવી રહ્યો કે, જે ડ્રગ્સના કેન્યામાં થયેલા સોદા બાદ એક સેમ્પલ લાવવા, બનાવવા અને તૈયાર માલને પરત મુંબઈ જઈને આફ્રિકન નાગરિકોને આપવા સુધીના ‘અતથી ઈતી’ સુધીના ઘટનાક્રમમાં હાજર હતો. પોલીસનો દાવો છે કે, ૭૦ કિલોનું સેમ્પલ વિક્કી ગોસ્વામીએ પાસ કર્યા બાદ જે કરોડો રૂપિયાનું એફેડ્રિન ડ્રગ્સ મહારાષ્ટ્રથી અમદાવાદની ઝાંક જીઆઈડીસી ખાતે લવાયું તેમાં પણ ભરત કાઠિયા સાથે જ હતો. ભરત કાઠિયા ગુજરાત એ.ટી.એસ. ઉપરાંત મહારાષ્ટ્ર એ.ટી.એસ.માં પણ વોન્ટેડ હતો.
ગુજરાત એ.ટી.એસ. અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ ૧૩ એપ્રિલના રોજ સંયુક્ત ઓપરેશન કરીને અમદાવાદ જિલ્લાની દહેગામ નજીક આવેલી ઝાંક જીઆઈડીસીની એક ફેક્ટરીમાંથી ૨૬૭ કરોડથી વધુની કિંમતનું ૧૩૩૯ કિલો એફેડ્રિન ડ્રગ્સ પકડ્યું હતું. પોલીસે જે તે સમયે નરેન્દ્ર ધીરજલાલ કાચા, પુનિત શ્રીંગી, મનોજ જૈન અને જય ઉર્ફે જય મુખી ઠક્કરની ધરપકડ કરી હતી. ત્યારબાદ આ કૌભાંડના સૂત્રધાર કિશોરસિંહ ભાવસિંહ રાઠોડને ગુજરાત એ.ટી.એસ.ની ટીમે ૯ જાન્યુઆરીના રોજ રાજસ્થાન- મધ્યપ્રદેશની બોર્ડર પરથી પકડી પાડ્યો હતો.
કિશોરની ધરપકડ બાદ આ કેસના અન્ય એક વોન્ટેડ ભરત રણજીતભાઈ કાઠિયાની આજે લીંબડીથી ધરપકડ કરાઈ હતી. પોલીસનું કહેવું છે કે, ડ્રગ્સ કૌભાંડ પકડાયા બાદ ભરત કાઠિયા સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારની વાડીઓમાં છુપાતો રહેતો હતો. ભરત કાઠિયા સૂત્રધાર કિશોરનો ૧૨ વર્ષ જૂનો ડ્રાઈવર છે. તે કિશોરની તમામ બાબતોથી વાકેફ છે. એટલું જ નહીં કિશોરસિંહ રાઠોડ આફ્રિકાથી આવ્યા બાદ જાન્યુઆરીમાં મિત્ર હેમાંગ શેઠ સાથે મુંબઈ ગયો ત્યારે પણ ભરત સાથે હતો અને જય મુખીની ગાડીમાં પહેલા ૧૦૦ કિલો એફેડ્રિન ડ્રગ્સ લઈને તે જ આવ્યો હતો.
