નવી દિલ્હીઃ વૈશ્વિક ફલક પર પાકિસ્તાનને એકલુ પાડવાની ભારતની મુહિમ સફળ બની રહી છે ત્યારે પાકિસ્તાન નવા વર્ષે ભારત સાથે સબંધ સુધારવા માટે પ્રક્રિયા હાથ ધરી દીધી છે. પાકિસ્તાની જેલમાં વર્ષોથી જેલવાસ ભોગવી રહેલા 440 માછીમારોને જેલમુક્ત કરવામાં આવશે. પરંતુ શું વારંવારના પાકિસ્તાનના કારાસ્તાનો જોઇ ભારત હવે દોસ્તી માટે હાથ આપશે ?
પાકિસ્તાન દ્વારા ભારતીય માછીમારોને પ્રથમ વખત છોડવામાં આવી રહ્યાં નથી પરંતુ માછીમારોની આ મુક્તિ એવા સમયે કરવામાં આવી રહી છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો ઘણા અંશે વણસી ગયા છે. પાકિસ્તાન નવા વર્ષે ભારત સાથે સંબંધો સુધારવા ઇચ્છે છે પરંતુ દૂધના દાઝ્યા છાશ પણ ફુંકીને પીવે તેવી જ રીતે પાક.ની આ ઉદારનીતિ પાછળનું ભારત વિશ્વાસ રાખશે કે નહી ? પાકિસ્તાન માછીમારોને મુક્ત કરીને કોઇ નવી ચાલ તો નથી રમી રહ્યું ને ?
વારંવાર પાકિસ્તાન મરિન દ્વારા ભારતીય માછીમારોને પકડીને તેમને જેલમાં ધકેલી દેવામાં આવતા હોય છે. અને સમય આવે ત્યારે માછીમારોને મુક્ત કરીને પાકિસ્તાન ભારત સાથે દોસ્તીના દેખાવો કરતું હોય છે. પરંતુ કાશ્મીરમાં કરવામાં આવી રહેલ સીમા પારની ગોળી બારી, ભારતને ટાર્ગેટ કરી રહેલા આતંકવાદીઓને આશરો આપી પાકિસ્તાને જાતે ભારત સામે દુશ્મની વ્હોરી છે. બીજી તરફ માછીમારોને મુક્ત કરવાથી ભારત પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલી આ અવળચંડાઇને માફ કરી દેશે ?
525 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં
પાકિસ્તાન 440 માછીમારોને મુક્ત કરશે
25 ડિસેમ્બરે 221 માછીમારોને મુક્ત કરાશે
2 જાન્યુઆરીએ 219 માછીમારોને મુક્ત કરાશે
6 જૂન 2016 – 16 માછીમારો મુક્ત કરાયા
16 એપ્રિલ 2016 – બે માછીમારોના મૃતદેહ ભારતને સોંપાયા
20 માર્ચ 2016 – 86 માછીમારોને મુક્ત કરાયા
7 માર્ચ 2016 -87 માછીમારોને મુક્ત કરાયા
પાકિસ્તાન દ્વારા દર્શાવવામાં આવી રહેલી આ દરિયાદિલી પાછળ ભારત દ્વારા શરૂ કરવામાં આવેલી વૈશ્વિક મંચ પર પાકિસ્તાનને એકલુ પાડવાની નીતિ છે. પાકિસ્તાનમાં આયોજિત દક્ષિણ એશિયા સાર્ક સંમેલનનો બહિષ્કાર કરતા આ સંમેલન સ્થગિત કરવાની ફરજ પડી હતી. જો કે, ચાલુ મહિનામાં યોજાયેલા એશિયા સંમેલનમાં પણ ભારતે ભાગ ન લેતા પાકિસ્તાનને મોટો ફટકો પડ્યો છે જેના કારણે પાકિસ્તાન હવે ભારત સાથે સંબંધો સુધારવા માટે આગળ આવ્યું છે. પાકિસ્તાનના આ પ્રયત્ન પાછળ સવાલ એ છે કે, શું પાકિસ્તાને પોતાની ભુલ સમજાઇ છે ખરી ?
