મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MSRTC) ના 109 જેટલા કર્મચારીઓ, જેમણે NCP વડા શરદ પવારના મુંબઈ નિવાસસ્થાન બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું, તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. આ લોકોમાં 23 મહિલાઓ પણ સામેલ છે. આ લોકોએ શરદ પવારના ઘર તરફ ચપ્પલ ફેંક્યા હતા અને તેમની પુત્રી સુપ્રિયા પુલે સાથે અભદ્ર વર્તન કર્યું હતું. આરોપી વિરુદ્ધ મુંબઈના ગાંવદેવી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. આ ઘટના બાદ પવારના ઘરે સુરક્ષા વધારી દેવામાં આવી છે.
એસ્પ્લેનેડ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે શનિવારે શરદ પવારના નિવાસસ્થાનની બહાર તોફાનો કરવા બદલ ધરપકડ કરાયેલા 109 MSRTC કર્મચારીઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. કોર્ટે ધરપકડ કરાયેલા MSRTC કર્મચારીઓના વકીલ ગુણરતન સદાવર્તેને પણ બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે. ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા પછી તરત જ, MSRTCના 109 ધરપકડ કરાયેલા કર્મચારીઓએ જામીન માટે અરજી કરી હતી, પરંતુ મેજિસ્ટ્રેટ કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી હતી. હવે તેઓ જામીન માટે સેશન્સ કોર્ટમાં જશે.
મુંબઈની ગાંવદેવી પોલીસે શુક્રવારે શરદ પવારના આવાસની બહાર તોફાનો કરવા બદલ 23 મહિલાઓ અને એડવોકેટ સદાવર્તે સહિત 110 વિરોધીઓની ધરપકડ કરી હતી. ઘટના પછી તરત જ મલબાર હિલ વિસ્તારમાંથી 104 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે અન્ય છ લોકોની શુક્રવારે રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. વિરોધકર્તાઓ શુક્રવારે બપોરે સિલ્વર ઓકની બહાર એકઠા થયા હતા અને પવાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા, એવો દાવો કર્યો હતો કે NCP વડાએ તેમની માંગણીઓ પૂરી કરવા માટે કંઈ કર્યું નથી અને પોલીસ કર્મચારીઓ દરમિયાનગીરી કરે તે પહેલાં ઘર પર પથ્થરો, પગરખાં અને ચંપલ પણ ફેંક્યા હતા.
