મહેસાણાઃ બે દિવસની ગુજરાત પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ દિવસે જગતજનની મા અંબાના દર્શન કરી ખેરાલુના ડભોડા પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ પણ હાજર રહ્યા હતા. જ્યાં પરંપરાગત નૃત્ય સાથે PM મોદીનું સ્વાગત કરાયું હતું. વડાપ્રધાન મોદી વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યું છે.
મહેસાણાના ખેરાલુમાં 9 વર્ષ બાદ PM મોદીની સભા યોજાઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત માતા કી જય સંબોધનની શરૂઆત કરી છે. વડાપ્રદાન મોદીએ કહ્યું કે મને મંદિરમાં દર્શન કરીને અહીં આવવાનો મોકો મળ્યો છે. મારા માટે આ સૌભાગ્યની ક્ષણ હતી. આપ સૌના દર્શન કર્યા છે. ઘર આંગણે આવીએ એટલે જૂના સ્મરણો યાદ આવે છે. જે ધરતીએ મને ઘડ્યો, તેનું ઋણ સ્વીકારવાનો મોકો મળે છે. આવો મોકો મળે તો મનને સંતોષ થાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગુજરાતમાં રૂ.5950 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વિવિધ પ્રકલ્પોમાં ભારતીય રેલવે, ગુજરાત રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન (GRIDE), જળ સંસાધન વિભાગ, પાણી પુરવઠા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તેમજ શહેરી વિકાસ વિભાગના વિકાસકાર્યો સામેલ છે.
વિવિધ વિકાસકાર્યોથી ઉત્તર ગુજરાત બનશે ઉત્તમથી સર્વોત્તમ…
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીએ મહેસાણાના ડભોડા ખાતે લાખોની જનમેદની વચ્ચે ગુજરાતને ₹5,950 કરોડના વિવિધ પ્રકલ્પોની ભેટ આપી.
આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp , પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil ,… pic.twitter.com/uwE0p16uNV
— BJP Gujarat (@BJP4Gujarat) October 30, 2023
આ વિકાસકાર્યો ગુજરાતના મહેસાણા, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, ગાંધીનગર અને પાટણ જિલ્લાને આવરી લે છે. આ તમામ જિલ્લાઓ વચ્ચે કુલ 16 પ્રકલ્પો છે જેમાંથી આઠનું લોકાર્પણ અને આઠ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
જેમાં મહેસાણા અને અમદાવાદમાં રેલવે વિભાગના બે પ્રકલ્પોના લોકાર્પણ કરવામાં આવ્યા હતા. મહેસાણામાં ન્યૂ ભાંડુથી ન્યૂ સાણંદ સુધીનો વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર સેક્શન, 77 કિમી બીજી ઇલેક્ટ્રિફાઇડ ડબલ લાઇન અને સાથે 24 કિલોમીટર લાંબી કનેક્ટિંગ લાઇન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. વિરમગામથી સામખિયાળી સુધીની 182 કિ.મી લાંબી રેલવે લાઈનનું બે ટ્રેકમાં વિસ્તરણ કરવામાં આવ્યું તેનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. આ ટ્રેક અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટ જિલ્લાને આવરી લેશે.
ગુજરાત રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન તરફથી મહેસાણામાં કટોસણ-બેચરાજી વચ્ચેના 29.65 કિલોમીટર રેલવે પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરાયું છે. આ પ્રોજેક્ટના લીધે માંડલ-બેચરાજી વિશેષ રોકાણ ક્ષેત્રમાં કાર્યરત કંપનીઓને ફાયદો થશે. રેલવે અને GRIDEના પ્રકલ્પોનું કુલ મૂલ્ય રૂ.5130 કરોડ છે.
આવતીકાલે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ છે. SOU દ્વારા સરદાર સાહેબને સાચા અર્થમાં ઉંચાઇ આપી છે. આવનારી પેઢીઓ સરદાર સાહેબને જોવા માથુ ઉંચુ કરશે. સરદાર સાહેબને માથું નમાવશે નહી. માથું ઉંચુ કરવાનું કામ ત્યાં થયુ છે.
