Surat News/ સુરતની સરકારી સ્કૂલની બે દીકરીઓ દુબઈમાં રોબોટિક્સનો ડંકો વગાડશે

WSRO-2026 ઇન્ટરનેશનલ Robotics કોમ્પિટિશન માટે સીધી પસંદગી મેળવી

Gujarat Surat
Robotics

Surat News : ગુજરાતના શિક્ષણ ઇતિહાસમાં એક ગૌરવપૂર્ણ ક્ષણ ઉમેરાઈ છે. સરકારી સ્કૂલમાંથી આંતરરાષ્ટ્રીય રોબોટિક્સ (Robotics)સ્પર્ધા સુધી પહોંચનાર આ ઘટના ગુજરાત માટે કદાચ પ્રથમ છે.વર્ષો સુધી માત્ર ખાનગી શાળાઓ સુધી સીમિત ગણાતી આંતરરાષ્ટ્રીય તક હવે સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓ સુધી પહોંચી છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન હાઈસ્કૂલ નંબર–14ની બે દીકરીઓએ એવું કારનામું કર્યું છે, જે હજારો વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત બનશે.ધોરણ 10માં અભ્યાસ કરતી સ્નેહા સિંહ અને તન્નુ સહાની હવે ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે UAE (દુબઈ-શારજાહ) ખાતે યોજાનારી WSRO-2026 ઇન્ટરનેશનલ રોબોટિક્સ (Robotics) સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહી છે.

માત્ર વિદેશપ્રવાસ નહીં, સરકારી શિક્ષણની બદલાતી તસવીર

આ દીકરીઓ વિદેશ ફરવા નથી જઈ રહી, પરંતુ પોતાની બુદ્ધિ, મહેનત અને નવીન વિચારોથી દુનિયાને ભારતની ટેક્નોલોજીકલ શક્તિ બતાવવા જઈ રહી છે. તેમણે તૈયાર કરેલો પ્રોજેક્ટ ‘Satellite-Link Renewable Forecast and Smart Poultry Farming System’ ખેતી અને પશુપાલન ક્ષેત્રે ક્રાંતિકારી બદલાવ લાવવાની ક્ષમતા ધરાવે છે.

29 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી 2026 દરમિયાન શારજાહ સ્થિત Manthena American Schoolમાં યોજાનારી સ્પર્ધામાં તેઓ રોબોટિક્સ (Robotics) ના માધ્યમથી ખેતીને આધુનિક બનાવવાની જીવંત રજૂઆત કરશે.

રાષ્ટ્રીય સ્પર્ધામાંથી આંતરરાષ્ટ્રીય મંચ સુધી

સુમન હાઈસ્કૂલના કુલ 43 વિદ્યાર્થીઓમાંથી પસંદ થયેલી આ બે વિદ્યાર્થિનીઓએ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં કડક સ્પર્ધા વચ્ચે પોતાનું સ્થાન બનાવ્યું. પોતાની પ્રતિભાથી તેમણે WSRO-2026 ઇન્ટરનેશનલ રોબોટિક્સ (Robotics) કોમ્પિટિશન માટે સીધી પસંદગી મેળવી છે.

આ સિદ્ધિ એ સાબિત કરે છે કે પ્રતિભા સુવિધાઓની મોહતાજ નથી હોતી, માત્ર યોગ્ય માર્ગદર્શન અને મોકો મળે તો સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓ પણ વૈશ્વિક મંચ પર ઝળહળી શકે.

ખર્ચ સરકાર નહીં, ખાનગી એજન્સી ઉઠાવશે

આ રોબોટિક (Robotics) પ્રોજેક્ટને લઈને સામાન્ય પરિવારમાંથી આવતી સ્નેહા અને તન્નુ માટે વિમાનમાં બેસવાનું સપનું હવે સાકાર થવા જઈ રહ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે આ સમગ્ર વિદેશપ્રવાસનો ખર્ચ સરકાર પર બોજ નથી બનતો.

સ્કૂલમાં AI લેબ ચલાવતી ખાનગી એજન્સી ‘Shreeji Technology Pvt. Ltd.’ આ સમગ્ર ખર્ચ ઉઠાવી રહી છે. આ પગલું જાહેર-ખાનગી ભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે અને અન્ય વિદ્યાર્થીઓ માટે નવી આશા જગાવે છે.

રોબોટિક (Robotics) પ્રોજેક્ટ સાથે ભારતનું પ્રતિનિધિત્વ

માત્ર બે અઠવાડિયાની મહેનતમાં તૈયાર કરાયેલા આ રોબોટિક (Robotics) પ્રોજેક્ટ સાથે સ્નેહા અને તન્નુ હવે દુનિયાભરના અંદાજે 80 જેટલા વિદ્યાર્થીઓ સામે ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

બંને વિદ્યાર્થિનીઓના માતા-પિતા ઓછું ભણેલા હોવા છતાં, દીકરીઓએ સાબિત કરી દીધું છે કે સપનાઓ માટે પરિવારની પૃષ્ઠભૂમિ નહીં, પરંતુ આત્મવિશ્વાસ અને મહેનત જરૂરી છે.

શું છે ‘સ્માર્ટ પોલ્ટ્રી ફાર્મ’ પ્રોજેક્ટ?

આ પ્રોજેક્ટમાં આધુનિક ટેક્નોલોજી અને રિન્યુએબલ એનર્જીનો અનોખો સંયોજન છે:

Ultra-Sonic Sensor દ્વારા ઇંડાં ભરાઈ જાય ત્યારે મોબાઈલ પર એલર્ટ

LDR Sensorથી જરૂર મુજબ લાઈટ ચાલુ-બંધ, ઊર્જા બચત

Gas Sensorથી એમોનિયા ગેસ વધે તો આપમેળે પંખા શરૂ

PIR Sensorથી આસપાસની શંકાસ્પદ હલનચલન પર ચેતવણી

Solar Panels દ્વારા ઊર્જા પુરવઠો

ઘાસ ઓછું થાય તો વ્હીલ સિસ્ટમથી ફાર્મનું સ્થાન બદલવાની ક્ષમતા

સેટેલાઇટ સાથે જોડાણ અને API મારફતે ડેટા સ્ટોરેજ

આ પ્રોજેક્ટ ખેતી અને પોલ્ટ્રી ઉદ્યોગ માટે ખર્ચ ઘટાડનાર અને ઉત્પાદન વધારનાર સાબિત થઈ શકે છે.

આચાર્ય અને શિક્ષકોનો મહત્વપૂર્ણ સહયોગ

સ્કૂલના આચાર્ય શરદભાઈ ખત્રીએ ગર્વ વ્યક્ત કરતા જણાવ્યું કે,

“22-23 વર્ષના અનુભવમાં મેં ઘણા પડકાર જોયા છે, પરંતુ આજે અમારી સ્કૂલની દીકરીઓ પોતાની દમ પર ઇન્ટરનેશનલ લેવલ સુધી પહોંચી છે, એ ગર્વની વાત છે. AI લેબ માટે સહયોગ આપનાર કમિશનર મેડમ પ્રશંસાને પાત્ર છે.”

AI શિક્ષિકા કિંજલ પટેલએ જણાવ્યું કે વિદ્યાર્થીઓને શરૂઆતથી જ પ્રેક્ટિકલ પર ભાર આપ્યો.

“બાળકો કહેતા ‘ટીચર, અમને પ્રેક્ટિકલ કરાવો’. આજે એ જ બાળકો વૈશ્વિક મંચ પર પહોંચ્યા છે.”

સપનાને સાકાર કરતી દીકરીઓ

સ્નેહા સિંહ કહે છે,“અમે અમદાવાદમાં પ્રોજેક્ટ રજૂ કર્યો અને ત્યાંથી પસંદગી થઈ. હવે દુબઈ જઈ રહ્યાં છીએ. અમે જાતે કોડિંગ કર્યું છે અને સેટેલાઇટ ડેટા API રૂપે સ્ટોર થાય છે.”તેમના પિતા સ્થાનિક ડ્રાઈવર છે અને માતા ગૃહિણી. છતાં દીકરી આજે દેશનું નામ રોશન કરવા જઈ રહી છે.

સુરતની આ બે દીકરીઓની સફળતા માત્ર તેમની વ્યક્તિગત જીત નથી, પરંતુ સરકારી શિક્ષણ વ્યવસ્થાની બદલાતી દિશાની ઓળખ છે. આ ઘટના હજારો વિદ્યાર્થીઓને વિશ્વાસ અપાવે છે કે સપનાઓ મોટા હોય તો સ્કૂલ સરકારી કે ખાનગી હોવાનો ફરક પડતો નથી.

ગુજરાતની આ દીકરીઓ હવે દુબઈમાં ભારતનો ડંકો વગાડવા તૈયાર છે.


આ પણ વાંચો: એલડી એન્જી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને રોબોટિક્સ એન્જિનિયરિંગના કોર્સ  ઓફર કરશે

આ પણ વાંચો: કોઈમ્બતુરનાં રોબોટિક્સ એન્જિનિયરે #Covid-19નાં સેમ્પલ લઇ શકતો રોબોર્ટ વિકસાવ્યો

આ પણ વાંચો: 172 પ્રકારના રોબોર્ટ – તમામ વસ્તુ રોબોટિક્સ, આવુ હશે રોબોર્ટ પાર્ક