Gandhinagar News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવી દિલ્હીમાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ગિફ્ટ સિટીની કનેક્ટિવીટી વધુ સુગમ બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRC)ના ગિફ્ટ સિટી (Gift City)થી શાહપુર સુધીના હાલના નોર્થ-સાઉથ કોરિડોરના વિસ્તરણને મંજૂરી આપવામાં આવી છે.
ગિફ્ટ સિટી (Gift City)–શાહપુર મેટ્રો મંજૂર!
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી સ્થપાયેલા અને વિશ્વભરમાં ફિનટેક હબ તરીકે ખ્યાતિ મેળવી રહેલા ગિફ્ટ સિટીમાં મલ્ટિનેશનલ ફિનટેક કંપનીઓ સહિત ગિફ્ટ સિટી (Gift City)માં કાર્યરત એકમો, શૈક્ષણિક સંસ્થાઓ અને વ્યાપારી કેન્દ્રો તથા અમદાવાદ અને ગિફ્ટ સિટી વચ્ચે દૈનિક મુસાફરી કરતા નાગરિકોને આ કનેક્ટિવિટીનો લાભ આપવા માટે વડાપ્રધાન અને કેન્દ્રીય કેબિનેટનો આભાર માન્યો છે.
વર્તમાન સ્થિતિએ ગુજરાત મેટ્રોના 68.28-કિમી અમદાવાદ મેટ્રો ફેઝ-I {APMC થી મોટેરા સ્ટેડિયમ (નોર્થ-સાઉથ કોરિડોર) અને થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ (ઈસ્ટ-વેસ્ટ કોરિડોર)} અને ફેઝ-II (મોટેરા સ્ટેડિયમ થી મહાત્મા મંદિર અને GNLU થી ગિફ્ટ સિટી), કુલ 53 સ્ટેશનો સાથે સપ્ટેમ્બર-2022 (ફેઝ-I) અને જાન્યુઆરી-2026 (ફેઝ-II) થી સફળતાપૂર્વક કાર્યરત કરવામાં આવ્યા છે તેનો લાભ દરરોજ અંદાજે 1.60 લાખ લોકોને સરળ અવર-જવર માટે મળે છે.
હવે, કેન્દ્રીય કેબિનેટે ગિફ્ટ સિટીથી શાહપુર સુધીના 3.33 કિલોમીટર લાંબા વિસ્તરણને જે મંજૂરી આપી છે તેમાં ત્રણ એલિવેટેડ સ્ટેશનોનો સમાવેશ થશે અને અંદાજે 1067.35 કરોડનો આ પ્રોજેક્ટ લગભગ ચાર વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે.
આ પણ વાંચો:વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અમદાવાદ એરપોર્ટ ખાતેથી ભાવસભર વિદાય અપાઈ
