Delhi News/ દરેક મોબાઈલ ધારક ‘મીડિયા’ નથી! સુપ્રીમ કોર્ટે નકલી પત્રકારો અને સોશિયલ મીડિયા પેજ પર કર્યો પ્રહાર

સુપ્રીમ કોર્ટે (Supreme Court) સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કરવાની ઘેલછા અને ન્યાયિક પ્રક્રિયા પર પડતી તેની અસરો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

India Trending
Supreme Court on Social Media Trial Video Culture

Supreme Court on Social Media Trial Video Culture: આજના સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાના જમાનામાં માનવતા મરી પરવારી હોય તેવા દ્રશ્યો અવારનવાર જોવા મળે છે. આ ગંભીર મુદ્દે સુપ્રીમ કોર્ટે શુક્રવારે અત્યંત વેધક અવલોકન કર્યું છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, અત્યારે દરેક મોબાઈલ રાખનાર વ્યક્તિ પોતાની જાતને મીડિયા સમજી બેઠી છે, જે ન્યાયિક પ્રક્રિયા (Fair Trial) માટે મોટો ખતરો બની રહ્યો છે.

Supreme Court : ‘વીડિયો ઉતારવો એ એક ચેપી રોગ જેવી વૃત્તિ’

જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેન્ચે એક જનહિત અરજીની સુનાવણી દરમિયાન માનવતાની પડતી અંગે આકરા શબ્દો કહેતા નોંધ્યું હતું કે, જ્યારે રસ્તા પર કોઈ ગંભીર અકસ્માત થાય છે અને વ્યક્તિ લોહીલુહાણ હાલતમાં હોય છે, ત્યારે લોકો તેને હોસ્પિટલ પહોંચાડવાને બદલે મોબાઈલ કાઢીને વીડિયો ઉતારવા લાગે છે. કોર્ટે મદદના બદલે કન્ટેન્ટ બનાવવાની આ વૃત્તિને એક ‘સંક્રામક રોગ’ ગણાવી છે, જ્યાં લોકો સંવેદના ભૂલીને માત્ર સોશિયલ મીડિયા પર વ્યૂઝ અને કન્ટેન્ટ પાછળ દોડી રહ્યા છે.

આરોપીઓની ધરપકડ અને પોલીસની રીત સામે સવાલ

અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, પોલીસ ઘણીવાર આરોપીઓની ધરપકડના ફોટા અને વીડિયો પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરે છે. આ અંગે કોર્ટે નોંધ્યું કે આનાથી જનતાના મનમાં પહેલેથી જ આરોપી પ્રત્યે પૂર્વગ્રહ બંધાઈ જાય છે. આ ઉપરાંત, જ્યારે કોઈ આરોપી પુરાવાના અભાવે નિર્દોષ છૂટે છે, ત્યારે આ સોશિયલ મીડિયા ટ્રાયલને કારણે સામાન્ય જનતા ન્યાયતંત્ર પર સવાલ ઉઠાવે છે.

સોલિસિટર જનરલે ‘બ્લેકમેલર્સ’ કહ્યા

સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સોશિયલ મીડિયા પર ચાલતા અમુક પેજ અને ચેનલોને આકરા શબ્દોમાં ‘બ્લેકમેલર્સ’ કહ્યા હતા. ચીફ જસ્ટિસે પણ ઉમેર્યું કે નાના શહેરોમાં લોકો નકલી પ્રેસ કાર્ડ બનાવીને વાહનો પર ખોટા લખાણો લખાવીને ફરે છે, જે ગંભીર બાબત છે.

3 મહિનામાં નવી ગાઈડલાઈન (SOP) આવશે

સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને તપાસની પારદર્શિતા અને આરોપીઓના અધિકારો વચ્ચે સંતુલન જાળવવા માટે ‘સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર’ (SOP) તૈયાર કરવા માટે ૩ મહિનાનો સમય આપ્યો છે. એપ્રિલ બાદ આ મુદ્દે વધુ વ્યાપક સુનાવણી હાથ ધરવામાં આવશે.


આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો! નાડું ખેંચવું અને બ્રેસ્ટ પકડવા એ ‘રેપનો પ્રયાસ’ જ ગણાશે

આ પણ વાંચો:‘લગ્ન પહેલાં સેક્સ કેવી રીતે કરી શકાય?’ સુપ્રીમ કોર્ટે લિવ-ઇન રિલેશનશિપને ફટકાર લગાવી

આ પણ વાંચો:વિદ્યાર્થીએ શિક્ષકો અંગે મીમ્સ શેર કર્યા,સુપ્રીમ કોર્ટે પરીક્ષા માટે આપી મંજૂરી!