Supreme Court Verdict Attempt to Rape: સુપ્રીમ કોર્ટે મહિલાઓની સુરક્ષા અને કાયદાના અર્થઘટન અંગે એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ સ્ત્રીના પાયજામાનું નાડું ખેંચવું અને તેના પ્રાઈવેટ પાર્ટ્સ (બ્રેસ્ટ) પકડવા તે માત્ર છેડતી કે રેપની તૈયારી નહીં, પરંતુ ‘રેપનો પ્રયાસ’ (Attempt to Rape) ગણાશે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના એ વિવાદાસ્પદ નિર્ણયને રદ કરી દીધો છે જેમાં આ કૃત્યને માત્ર ‘રેપની તૈયારી’ ગણાવવામાં આવ્યું હતું.
હાઈકોર્ટનો નિર્ણય ‘અસંવેદનશીલ’ ગણાયો
CJI સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે આ મામલાની સુનાવણી કરતા જણાવ્યું હતું કે, હાઈકોર્ટે ફોજદારી કાયદાના સ્થાપિત સિદ્ધાંતોનો ખોટો ઉપયોગ કર્યો છે. કોર્ટે કડક શબ્દોમાં કહ્યું, “અમે હાઈકોર્ટની એ વાત સાથે સહમત નથી કે આ કૃત્ય માત્ર તૈયારી સુધી મર્યાદિત છે. આરોપીઓની હરકત સ્પષ્ટપણે રેપના પ્રયાસ તરફ ઈશારો કરે છે.”

શું હતો સમગ્ર મામલો?
આ ઘટના વર્ષ 2021ની છે. ઉત્તર પ્રદેશના કાસગંજમાં એક 14 વર્ષની સગીરા સાથે ત્રણ યુવકોએ છેડતી કરી હતી. આરોપીઓએ સગીરાને લિફ્ટ આપવાના બહાને બાઈક પર બેસાડી અને રસ્તામાં તેના પ્રાઈવેટ પાર્ટ્સ પકડી લીધા હતા. એટલું જ નહીં, આરોપીઓએ તેને પુલિયા નીચે ખેંચવાનો પ્રયાસ કર્યો અને તેના પાયજામાની દોરી (નાડું) પણ તોડી નાખી હતી. સગીરાની ચીસ સાંભળીને લોકો ભેગા થઈ જતા આરોપીઓ તમંચો બતાવીને ફરાર થઈ ગયા હતા.
હાઈકોર્ટે ધારાઓ ઘટાડી દીધી હતી
અલ્હાબાદ હાઈકોર્ટે 17 માર્ચ, 2025ના રોજ પોતાના આદેશમાં કહ્યું હતું કે, પાયજામાનું નાડું તોડવું અને પુલિયા નીચે ખેંચવી એ રેપનો પ્રયાસ નથી. હાઈકોર્ટે આરોપીઓ પરથી રેપના પ્રયાસની કલમ 376 અને પોક્સો એક્ટની કલમ 18 હટાવી દીધી હતી. હાઈકોર્ટના આ નિર્ણયની દેશભરમાં ટીકા થઈ હતી.
સુપ્રીમ કોર્ટે (Supreme Court) જાતે સંજ્ઞાન લીધું
હાઈકોર્ટના આ ‘અમાનવીય’ નિર્ણય બાદ સુપ્રીમ કોર્ટે પોતે આ મામલે સંજ્ઞાન (Suo Motu) લીધું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અદાલતોએ ચુકાદા લખતી વખતે એવી ભાષા ટાળવી જોઈએ જે પીડિતાને ડરાવી દે અથવા તેને ફરિયાદ પાછી ખેંચવા મજબૂર કરે. કોર્ટે તમામ હાઈકોર્ટ માટે વિસ્તૃત ગાઈડલાઈન્સ જારી કરવાના પણ સંકેત આપ્યા છે.
આ પણ વાંચો: ‘લગ્ન પહેલાં સેક્સ કેવી રીતે કરી શકાય?’ સુપ્રીમ કોર્ટે લિવ-ઇન રિલેશનશિપને ફટકાર લગાવી
આ પણ વાંચો: વિદ્યાર્થીએ શિક્ષકો અંગે મીમ્સ શેર કર્યા,સુપ્રીમ કોર્ટે પરીક્ષા માટે આપી મંજૂરી!
આ પણ વાંચો: RERA ભટક્યું? સુપ્રીમ કોર્ટના કડક અવલોકન વચ્ચે પ્રશ્નો
