Gujsail Bomb Threat Email Ahmedabad: અમદાવાદમાં શૈક્ષણિક સંસ્થાઓ અને કોર્ટ બાદ હવે સરકારી સંસ્થા ‘ગુજસેલ’ (Gujarat State Aviation Infrastructure Company Limited) ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે. ગુજસેલના ડાયરેક્ટરને મોકલવામાં આવેલા આ ધમકીભર્યા ઈમેલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
”Gujsail બ્લાસ્ટ ઈદ કા તોફા ‘ કહીને ધમકી આપી
મળતી વિગતો અનુસાર, 25મી માર્ચના રોજ સવારે8૮ વાગ્યે ગુજસેલના ડાયરેક્ટરના ઓફિશિયલ ઈમેઈલ આઈડી પર [email protected] પરથી એક મેઈલ આવ્યો હતો. અંગ્રેજીમાં લખાયેલા આ મેઈલમાં ભયાનક ધમકી આપવામાં આવી હતી કે “ગુજસેલ બ્લાસ્ટ ઈદ કા તોફા મોદી એન્ડ શાહ. આઈ વિલ કીલ યુ ઇન બોમ્બ બ્લાસ્ટ ઓલ સ્કૂલ, મેરા ભાઈ સૌરભ વિશ્વાસ કો રિહા કરો…”
પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ
ધમકીભર્યો મેઈલ મળતાની સાથે જ ગુજસેલના સિક્યુરિટી ઓફિસર અને ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. આ મામલાની ગંભીરતાને જોતા તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. સાયબર ક્રાઈમ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો હવે એ તપાસમાં લાગી છે કે આ મેઈલ ક્યાંથી મોકલવામાં આવ્યો છે અને ‘સૌરભ વિશ્વાસ’ કોણ છે જેના છુટકારાની માંગણી કરવામાં આવી છે.
ધમકીભર્યા ઈમેલનો સિલસિલો યથાવત્
છેલ્લા કેટલાક મહિનાઓથી અમદાવાદની અનેક મહત્વની સંસ્થાઓને આ પ્રકારે ટાર્ગેટ કરવામાં આવી રહી છે. અગાઉ શહેરની જાણીતી સ્કૂલો, પાસપોર્ટ ઓફિસો, પોસ્ટ ઓફિસો અને કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા. જોકે, મોટાભાગના કિસ્સાઓમાં આ ‘હોક્સ કોલ’ (ખોટી ધમકી) સાબિત થયા છે, પરંતુ ગુજસેલ જેવી મહત્વની એવિએશન સંસ્થાને મળેલી ધમકીને તંત્ર હળવાશથી લઈ રહ્યું નથી.
હાલમાં એરપોર્ટ અને ગુજસેલના કેમ્પસમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે.
