Rajasthan News/ રાજસ્થાનમાં એમડી ડ્રગ્સની દાણચોરીનો પર્દાફાશ

સરકારી અને ખાનગી કોલેજોમાં અભ્યાસ કરતા યુવાનોને એમડી ડ્રગ્સ (Md Drugs)પૂરાં પાડીને તેમને વ્યસનમાં ધકેલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો

India
રાજસ્થાનમાં એમડી ડ્રગ્સ(Md Drugs)ના ગેરકાયદેસર વેપારને લઈને ચોંકાવનારી માહિતી સામે આવી છે

Rajasthan News : રાજસ્થાનમાં એમડી ડ્રગ્સ(Md Drugs)ના ગેરકાયદેસર વેપારને લઈને ચોંકાવનારી માહિતી સામે આવી છે. દાણચોરોએ હવે એક નવી પદ્ધતિ અપનાવી છે, જેમાં તેઓ ગુજરાતમાંથી સ્લીપર બસો દ્વારા રસાયણો લાવીને રાજ્યમાં ડ્રગ્સનું ઉત્પાદન કરી રહ્યા હતા. ખાસ કરીને જોધપુરને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે હોટસ્પોટ બનાવવામાં આવ્યું હતું.

એન્ટી-ગેંગસ્ટર ટાસ્ક ફોર્સ (AGTF) એ 2 એપ્રિલની રાત્રે જોધપુરના બનાડ વિસ્તારમાં કાર્યવાહી કરીને ગણપતરામ બેનીવાલને 3.55 કિલોગ્રામ એમડી ડ્રગ્સ (Md Drugs)સાથે ઝડપી લીધો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ ખુલાસો કર્યો કે તેણે સાંચોરના દાણચોરો સાથે મળી પોતાના ઘરની છત પર એમડી બનાવવાની ફેક્ટરી શરૂ કરવા માટે જગ્યા આપી હતી. અહીં તૈયાર થતો માલ રાજ્યના વિવિધ શહેરો સહિત ગુજરાત, મુંબઈ અને મધ્યપ્રદેશમાં સપ્લાય થવાનો હતો.

તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ ખાસ કરીને કોલેજના વિદ્યાર્થીઓને નિશાન બનાવી રહી હતી. સરકારી અને ખાનગી કોલેજોમાં અભ્યાસ કરતા યુવાનોને એમડી ડ્રગ્સ (Md Drugs)પૂરાં પાડીને તેમને વ્યસનમાં ધકેલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. આ ઉપરાંત, મોટી પાર્ટીઓમાં પણ આ ડ્રગ્સનો સપ્લાય કરવામાં આવતો હતો.

ડ્રગ્સ બનાવવા માટે જરૂરી કાચો માલ મુખ્યત્વે ગુજરાતના વલસાડ અને રાજકોટમાંથી લાવવામાં આવતો હતો. આ રસાયણોને અલગ-અલગ ડ્રમમાં સ્લીપર બસો દ્વારા ગુપ્ત રીતે રાજસ્થાન પહોંચાડવામાં આવતા હતા.

પોલીસની તપાસ મુજબ, ગુજરાત અને મુંબઈના ડ્રગ ડીલરો સાથે મળીને આ નેટવર્ક કાર્યરત હતું. ગયા વર્ષની ઓક્ટોબરથી અત્યાર સુધી બાડમેર અને સાંચોર વિસ્તારમાંથી 13 ગેરકાયદેસર ફેક્ટરીઓનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જાલોર અને સાંચોર જેવા વિસ્તારોમાં યુવાનોમાં ડ્રગ્સનું વ્યસન ગંભીર સમસ્યા બની રહ્યું છે.

એડીસીપી અમૃતલાલ જીનાગરે જણાવ્યું હતું કે આરોપી ગણપત લોનના લાલચમાં આવીને દાણચોરો સાથે જોડાયો હતો અને ત્યારબાદ તેના ઘરે ડ્રગ્સનું ઉત્પાદન શરૂ થયું હતું. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આવા ગુનાઓમાં સંડોવાયેલા તમામ લોકોને ઝડપી કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ કેસમાં વધુ એક મહત્વપૂર્ણ ધરપકડ 18 માર્ચ, 2026ના રોજ થઈ હતી, જેમાં ANTFએ રાજુ ઉર્ફે પપ્પુ જાનીને ધોરીમન્નાથી ઝડપી લીધો હતો. તે વિવિધ ફેક્ટરીઓમાં બનેલા એમડી ડ્રગ્સનું સપ્લાય અને વેચાણ કરતો હતો. પોલીસ મુજબ, તેણે 100 કરોડ રૂપિયાથી વધુ કિંમતના ડ્રગ્સનું વેચાણ કર્યું હોવાનું સામે આવ્યું છે.

પોલીસના જણાવ્યા અનુસાર, દાણચોરોનો મુખ્ય હેતુ યુવા પેઢીને વ્યસનમાં ધકેલીને તેમની જિંદગી બરબાદ કરવાનો હતો, પરંતુ સમયસરની કાર્યવાહીથી આ મોટું કાવતરું નિષ્ફળ બનાવાયું છે.


આ પણ વાંચો : સુરતમાં ઉત્રાણ બ્રિજ નજીક એમડી ડ્રગ્સ સાથે બે ઝડપાયા, 9 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

આ પણ વાંચો : અમદાવાદમાં લાલ દરવાજા ખાતેથી 27 લાખનું એમડી ડ્રગ્સ ઝડપાયું

આ પણ વાંચો : અમદાવાદના ઈસનપુરમાં એમડી ડ્રગ્સના જથ્થા સાથે 1.52 લાખનો મુદ્દામાલ કબજે : એક આરોપી ઝડપાયો