Ahmedabad News/ અમદાવાદમાં પત્ની અને દીકરી પર પતિનો બેટથી જીવલેણ હુમલો

Ahmedabadના રાણીપ વિસ્તારની આશુતોષ રેસિડેન્સીમાં પૈસાની બાબતે પતિએ પત્ની અને દીકરી પર બેટથી જીવલેણ હુમલો કર્યો. પોલીસ ફરિયાદ દાખલ, વીડિયો વાયરલ.

Gujarat Top Stories
Ahmedabad Ranip Domestic Violence

Ahmedabad Ranip Domestic Violence: મહિલાઓ પર થતા અત્યાચારનો વધુ એક ચોંકાવનારો કિસ્સો અમદાવાદના રાણીપ વિસ્તારમાંથી સામે આવ્યો છે. પૈસાની લેતીદેતી બાબતે ફોઈનું ઉપરાણું લેનાર પત્ની પર તેના જ પતિએ ક્રિકેટ રમવાના બેટ અને મેટલના શો-પીસથી જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. આ નિર્દયી હુમલામાં માતાને બચાવવા વચ્ચે પડેલી દીકરીને પણ પિતાએ બેરહેમીથી ફટકારી હતી. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેણે ભારે ચકચાર જગાવી છે.

Ahmedabad : શું છે સમગ્ર ઘટના?

પ્રાપ્ત વિગતો અનુસાર, રાણીપ વિસ્તારમાં આવેલી આશુતોષ રેસિડેન્સીમાં કંચનબેન શાહ તેમના પતિ અમિત શાહ અને બે દીકરીઓ સાથે રહે છે. કંચનબેનના આ બીજા લગ્ન છે. અગાઉ પહેલા પતિ સાથે છૂટાછેડા થયા બાદ, વર્ષ 2007માં તેમણે અમિત સાથે કોર્ટ મેરેજ કર્યા હતા.

ફોઈના પૈસાની ઉઘરાણી પર શરૂ થયો વિવાદ

ગઈકાલે જ્યારે કંચનબેન ઘરે હાજર હતા અને બહાર જવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે તેમના ફોઈ ભાનુબેન તેમને મળવા ઘરે આવ્યા હતા. વાતચીત દરમિયાન ભાનુબેને જણાવ્યું હતું કે, “મારે અમિત પાસેથી રૂપિયા લેવાના નીકળે છે.” આ સાંભળીને કંચનબેને સામાન્ય રીતે જ જવાબ આપ્યો કે, “જો તમારા પૈસા નીકળતા હોય તો તમે માંગી લો.” પત્નીએ પોતાની ફોઈનું ઉપરાણું લઈને પૈસા આપી દેવાની વાત કરતા પતિ અમિત ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળાગાળી કરવા લાગ્યો હતો.

મેટલનો પીસ માથામાં ઝીંક્યો

પૈસાની વાત પર અકળાયેલા અમિતે ગુસ્સામાં ભાન ભૂલીને ઘરમાં પડેલું મેટલનું એક શો-પીસ ઉઠાવીને સીધું પત્ની કંચનબેનના માથામાં મારી દીધું હતું. આટલાથી ન અટકતા, તેણે ઘરમાંથી બેટ હાથમાં લઈને પત્નીને બેફામ ફટકારવાનું શરૂ કરી દીધું હતું. પત્નીની બોચી પકડીને તેને ઢોર માર મારવામાં આવ્યો.

માતાને બચાવવા આવેલી દીકરીને પણ ન છોડી

પોતાની માતાને પિતાના હાથે નિર્દયતાથી માર ખાતી જોઈને તેમની દીકરી વચ્ચે બચાવવા પડી હતી. પરંતુ ગુસ્સામાં અંધ થયેલા અમિતે પોતાની જ દીકરીને પણ છોડી નહોતી અને તેને પણ ફટકારી હતી. કંચનબેનની બૂમાબૂમ સાંભળીને આસપાસના લોકો અને પાડોશીઓ દોડી આવ્યા હતા.

વીડિયો વાયરલ અને પોલીસ એક્શન

ઈજાગ્રસ્ત હાલતમાં કંચનબેનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર હુમલાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં અમિતની ક્રૂરતા સ્પષ્ટપણે જોઈ શકાય છે. હાલમાં આ મામલે કંચનબેને રાણીપ પોલીસ સ્ટેશનમાં પતિ અમિત વિરુદ્ધ હુમલાની ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો: અમદાવાદની વિવિધ સ્કૂલોમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીભર્યા ઈમેલને પગલે ગુનો દાખલ

આ પણ વાંચો: અમદાવાદથી ટ્રેનમાં ગયા અને બિહારમાં લૂંટાયા! રાજકોટના વેપારીનું 25 કરોડનું સોનું લૂંટાયું

આ પણ વાંચો: હિટ એન્ડ રન! અમદાવાદ-વડોદરા હાઈવે પર થારે ઈકોને ટક્કર મારી, 10 ઇજાગ્રસ્ત