Surat Sarthana Suicide : સુરતના સરથાણા વિસ્તારમાંથી સામે આવેલી કાળજું કંપાવી દેનારી ઘટનામાં એક નવો અને અત્યંત ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે. સરથાણાના યોગીચોક પાસે આવેલી એવન હાઇટ્સમાં પિયરે ડિલિવરી માટે આવેલી 29 વર્ષીય પરિણીતાએ સોસાયટીના શૌચાલયમાં જઈને પોતાના માત્ર 4 મહિનાના માસૂમ દીકરાને એસિડ પીવડાવ્યા બાદ પોતે પણ એસિડ ગટગટાવી લીધું હતું. પ્રાથમિક વિગતો મુજબ, બાળકના જન્મ બાદ મહિલાની માનસિક તબિયત લથડી જતાં (Postpartum Depression) તેણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. એકસાથે માતા અને માસૂમ પુત્રના મોતથી સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
Surat : દોઢ વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા
મળતી સત્તાવાર માહિતી અનુસાર, મૂળ અમરેલી જિલ્લાના ધારી પંથકના વતની અને હાલ સરથાણા યોગીચોક સ્થિત એવન હાઇટ્સમાં રહેતા પરિવારની 29 વર્ષીય દીકરી ધારાના લગ્ન આશરે દોઢ વર્ષ પહેલાં જ થયા હતા. ધારા પોતાની ડિલિવરી માટે પિયરમાં આવી હતી અને ચાર મહિના પહેલાં જ તેણે એક સ્વસ્થ માસૂમ દીકરા ‘રીશાન’ ને જન્મ આપ્યો હતો. ઘરમાં લાડકવાડાના જન્મથી ખુશીનો માહોલ હતો, પરંતુ ડિલિવરી બાદ ધારાની માનસિક સ્થિતિ ધીમે-ધીમે બગડવા લાગી હતી.
બે-ત્રણ દિવસથી અન્નનો ત્યાગ કર્યો હતો
કૌટુંબિક સોર્સ અને સ્થાનિકોના જણાવ્યા મુજબ, ધારા છેલ્લા કેટલાક સમયથી ગંભીર માનસિક તણાવ અને ડિપ્રેશનનો સામનો કરી રહી હતી અને તેની તબીબી સારવાર તેમજ દવાઓ પણ ચાલતી હતી. બાળકના જન્મ બાદ તેની માનસિક સ્થિતિ વધુ નાજુક બની ગઈ હતી. માનસિક તણાવ એટલી હદે વધી ગયો હતો કે ઘટનાના બે-ત્રણ દિવસ પહેલાંથી જ ધારાએ જમવાનું પણ છોડી દીધું હતું અને તે સતત ભારે ડિપ્રેશનમાં જોવા મળતી હતી.
સોસાયટીના ગ્રાઉન્ડ ફ્લોર પર બનેલી હૃદયદ્રાવક ઘટના
આ કરુણાંતિકા સોમવારે (1 જૂન) સાંજના સમયે સર્જાઈ હતી. ધારા પોતાના 4 મહિનાના માસૂમ દીકરા રીશાન મનીષભાઈ કોટડીયાને તેડીને સોસાયટીના ગ્રાઉન્ડ ફ્લોર પર ગઈ હતી. ત્યાં આવેલા શૌચાલયમાં જઈને તેણે અગમ્ય માનસિક સ્થિતિમાં પહેલા પોતાના 4 મહિનાના કાળજાના ટુકડાને એસિડ પીવડાવી દીધું હતું અને ત્યારબાદ પોતે પણ એસિડ ગટગટાવી લીધું હતું.
બંનેને લોહીલુહાણ હાલતમાં જોઈ પરિવારજનો અને આસપાસના લોકો તાત્કાલિક હોસ્પિટલ દોડી ગયા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન માસૂમ રીશાન અને તેની માતા ધારા બંનેનું હૃદયદ્રાવક મોત નીપજ્યું હતું.
Sarthana પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી
એકસાથે ઘરની દીકરી અને 4 મહિનાના પૌત્રના મોતના પગલે હોસ્પિટલ પરિસરમાં પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. ઘટનાની ગંભીરતાને પગલે સરથાણા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી આવ્યો હતો. સરથાણા પોલીસે હાલ આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડિલિવરી પછી થતા ગંભીર ડિપ્રેશન (Postpartum Depression) ના કારણે આ પગલું ભરાયું છે કે તેની પાછળ અન્ય કોઈ કારણો જવાબદાર છે, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
