Breaking News: અમદાવાદ શહેરમાં શુદ્ધ ગાયના ઘીના નામે વેચાણ થતું શંકાસ્પદ ઘી (Duplicate Ghee) સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવેલી તપાસ દરમિયાન હજારો કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવતા ખાદ્ય સુરક્ષા તંત્ર સક્રિય બન્યું છે.
AMCના દક્ષિણ ઝોન હેઠળ આવેલા ઇન્દ્રપુરી વિસ્તારમાં ડેઝિગ્નેટેડ ઓફિસર અને ફૂડ સેફ્ટી અધિકારીઓની ટીમે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન લક્ષ્મણભાઈ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, સીટીએમ વિસ્તાર નજીક આવેલી એક જગ્યા પરથી મોટા પ્રમાણમાં ગાયના ઘીનો જથ્થો મળી આવ્યો હતો. અહીંથી અંદાજે 3,250 કિલોગ્રામ ઘી વેચાણ માટે રોકી દેવામાં આવ્યું હતું.
ફૂડ સેફ્ટી અધિકારીઓએ સ્થળ પરથી વિવિધ બ્રાન્ડના ઘીના નમૂનાઓ એકત્રિત કરીને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલ્યા છે. સાથે જ શંકાસ્પદ ઘીનો સમગ્ર જથ્થો સીલ કરીને વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ ઉત્પાદનોનું ઉત્પાદન અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકા વિસ્તારમાં આવેલી એક ફૂડ પ્રોડક્ટ્સ યુનિટમાં થતું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે વધુ તપાસ માટે માહિતી સંબંધિત રાજ્ય સ્તરની એજન્સીઓને પણ મોકલવામાં આવી છે.
તપાસ દરમિયાન અધિકારીઓને શહેરના અન્ય બે વિતરકો અંગે પણ માહિતી મળી હતી. ત્યારબાદ અલગ-અલગ ટીમો દ્વારા વટવા અને દૂધેશ્વર વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. અહીંથી પણ આશરે 1,600 કિલોગ્રામ જેટલો શંકાસ્પદ ઘી (Duplicate Ghee)નો જથ્થો મળી આવ્યો હતો અને વેચાણ માટે રોકી દેવામાં આવ્યો હતો.
Duplicate Ghee:4,850 કિલો ઘી જપ્ત
આમ, AMCની સંયુક્ત કાર્યવાહીમાં કુલ 4,850 કિલોગ્રામ શંકાસ્પદ ગાયનું ઘી (Duplicate Ghee) સીઝ કરવામાં આવ્યું છે. આ જથ્થાની અંદાજિત કિંમત રૂ. 31.81 લાખથી વધુ હોવાનું જણાવવામાં આવ્યું છે.
હવે લેબોરેટરીના રિપોર્ટ બાદ ઘી ખાદ્ય સુરક્ષા ધોરણોને અનુરૂપ છે કે નહીં તે સ્પષ્ટ થશે. જો નમૂનાઓ નિષ્ફળ જશે તો સંબંધિત વેપારીઓ અને જવાબદારો સામે ખાદ્ય સુરક્ષા અને ધોરણ અધિનિયમ, 2006 હેઠળ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો:અમદાવાદના નરોડા વિસ્તારમાં શંકાસ્પદ ઘી નો જથ્થો ઝડપાયો
આ પણ વાંચો:સુરતમાં જોળવા ગામની ફેક્ટરીના ગોડાઉનમાં દરોડા : વધુ 14 લાખનું શંકાસ્પદ ઘી મળ્યું
આ પણ વાંચો:બનાસકાંઠાના સરહદી વિસ્તારમાંથી ઝડપાયો 3.95 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો, દુકાનદાર સામે તપાસ શરૂ
