Surat News: સુરત મહાનગરપાલિકા (મનપા)ના ક્લાર્ક રંગેહાથ લાંચ (Bribe) લેતા ઝડપાયા છે. એસીબીએ આરોપીને 3,500ની લાંચ લેતા ઝડપ્યો હતો. આ બતાવે છે કે સરકારી કર્મચારી કેવી રીતે લોકોને દમદાટી ભીડાવીને અને જાતજાતની ધમકીઓ આપીને લાંચ વસૂલે છે. આ ઘટના બતાવે છે કે સરકારી કર્મચારી લોકોની સેવામાં ઓછા પરંતુ મેવામાં વધુ પ્રમાણમાં વ્યસ્ત રહે છે.
સુરતમાં વરાછા ઝોન ઓફિસ નજીક એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી)નો ટ્રેપ સફળ રહ્યો હતો. મનપાનો ક્લાર્ક લાંચ સ્વીકારતા જ એસીબીની જાળમાં ફસાયો હતો. આ તો ફક્ત મનપાના ક્લાર્કની જ વાત છે. હવે સરકારી તંત્રમાં ક્યાં-ક્યાં લાંચ નહીં લેવાતી હોય તે સવાલ છે. આ ફક્ત 3,500 રૂપિયાની જ લાંચની વાત હતી. આમ સરકારી કચેરીના પગથિયા ચઢનારને રૂપિયા ખંખેરવાનું તંત્રના હોદ્દેદારો ભૂલતા નથી તે આનો પુરાવો છે. પછી આ બધા લોકો પાસે જંગી મિલકતો હોય તો નવાઈ ન લાગે.
આ મિલકતો પણ સામાન્ય લોકોના ખિસ્સા ખંખેરીને જ ઊભી કરવામાં આવી હોય છે. તેઓને શું પોતે જ કામ કરવાનું છે તે કરવાના રૂપિયા લઈને કામ કરતા લોકોના નિસાસાની શરમ લાગતી નથીને. આ બનાવ તે વાતનો પુરાવો છે કે રૂપિયા લેવામાં કોઈ શરમ તંત્રને નડતી નથી. આ જોતાં એમ જ લાગે કે સરકારે ખરેખર વહીવટી સ્તરે ભરતી કરવી જ ન જોઈએ. સરકારી ભરતી જેટલી વધારે તેટલો ભ્રષ્ટાચાર પણ વધારે અને સરકારી ભરતી જેટલી ઓછી તેટલો ભ્રષ્ટાચાર પણ ઓછો.
આમ સરકારી તંત્રને ભ્રષ્ટાચારમુક્ત કરવું હોય તો ટેકનોલોજી જ શ્રેષ્ઠ ઉપાય છે. સરકારે આટલું બધુ કર્યુ હોવા છતાં પણ તંત્રમાં કામ કરતાં કર્મચારીઓ ભ્રષ્ટાચાર કર્યા વગર રહી ન શકતા હોય તો આ પહેલાં ભ્રષ્ટાચાર કેટલો બધો હશે તે વિચારવુ રહ્યુ. ઉપરથી નીચે સુધીનું આખુ તંત્ર ભ્રષ્ટાચારથી ખદબદતું હશે. અત્યારે કેટલીય સરકારી સેવાઓ ઓનલાઇન છે, છતાં પણ જ્યાં તક મળે છે ત્યાં ભ્રષ્ટાચાર કરવાનું લોકો ચૂકતા નથી.
