INDIA MONSOON/ 13 દિવસની રાહ બાદ મુંબઈમાં ચોમાસાનું આગમન, ધોધમાર વરસાદથી ગરમીથી રાહત, દિલ્હી-યુપીમાં ભારે વરસાદનું એલર્ટ

ચોમાસાએ મુંબઈ (Mumbai) માં એન્ટ્રી કરતા ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો અને ગરમી-ઉકળાટથી લોકોને રાહત મળી.

Top Stories India
MUMBAI

India Weather News: તીવ્ર ગરમી, ઉકળાટ અને ભેજથી પરેશાન મુંબઈવાસીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. 13 દિવસના વિલંબ બાદ દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ મંગળવારે મુંબઈ (Mumbai) માં સત્તાવાર એન્ટ્રી કરી હતી. સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર ચોમાસું હવે મુંબઈ સહિત મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં આગળ વધ્યું છે. ઉપરાંત ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના વિસ્તારોમાં પણ ચોમાસાની અસર જોવા મળી રહી છે. બીજી તરફ દિલ્હી અને ઉત્તર પ્રદેશ માટે ભારે વરસાદ તેમજ આંધળીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

સામાન્ય રીતે મુંબઈમાં ચોમાસું 10 જૂનની આસપાસ પહોંચે છે, પરંતુ આ વર્ષે તેના આગમનમાં 13 દિવસનો વિલંબ નોંધાયો છે. હવામાનના ઇતિહાસ પર નજર કરીએ તો વર્ષ 2025માં ચોમાસું 75 વર્ષમાં સૌથી વહેલું એટલે કે 26 મેના રોજ મુંબઈ પહોંચ્યું હતું. જ્યારે 2019 અને 2023માં 25 જૂને સૌથી મોડું આગમન નોંધાયું હતું.

આ પહેલાં વર્ષ 1981માં પણ ચોમાસું 23 જૂને જ મુંબઈ પહોંચ્યું હતું. જ્યારે 1958 અને 1974માં સૌથી વધુ વિલંબ સાથે 28 જૂને ચોમાસું શહેરમાં પ્રવેશ્યું હતું.

ચોમાસાના પ્રથમ વરસાદ દરમિયાન શહેરની જનજીવન પર મોટી અસર જોવા મળી નહોતી. મુખ્ય માર્ગો પર વાહનવ્યવહાર થોડો ધીમો પડ્યો હતો, પરંતુ તમામ મહત્વના સબ-વે ખુલ્લા રહ્યા હતા. લોકલ ટ્રેનો, BEST બસ સેવા અને અન્ય જાહેર પરિવહન વ્યવસ્થા સામાન્ય રીતે ચાલુ રહી હતી.

સાંજે 7 વાગ્યા સુધીમાં મધ્ય મુંબઈના નાયર હોસ્પિટલ વિસ્તારમાં સૌથી વધુ 78.96 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે મુંબઈને પાણી પૂરું પાડતી તળાવોની કેચમેન્ટ વિસ્તારોમાં કુલ 89 મીમી વરસાદ નોંધાયો હતો. જેમાં મધ્ય વૈતરણા વિસ્તારમાં સૌથી વધુ 55 મીમી વરસાદ વરસ્યો હતો.

આ સાથે મીઠી નદીનું જળસ્તર પણ હાલ સામાન્ય સ્થિતિમાં છે અને તે 0.47 મીટર નોંધાયું છે, જેના કારણે પૂર જેવી કોઈ સ્થિતિ સર્જાઈ નથી.

ચોમાસાના આગમનથી મુંબઈવાસીઓને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી છે અને આગામી દિવસોમાં વધુ વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.