World News/ અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનના મિસાઈલ હુમલામાં 7ના મોત: 75 ઘાયલ

પાકિસ્તાન (Pakistan) અને અફઘાનિસ્તાન (Afghanistan) સરહદ પર તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે, પાકિસ્તાને અફઘાનિસ્તાનના કુનાર પ્રાંતમાં મિસાઇલ હુમલા કર્યા છે.

World Top Stories
Pakistan

Pakistan Missile Attack Afghanistan: અફઘાનિસ્તાનના પૂર્વીય પ્રાંત કુનારમાં હુમલાઓએ ભારે વિનાશ સર્જ્યો છે. અહેવાલો મુજબ હુમલામાં ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા છે, જ્યારે 75થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાઈ રહ્યું છે. ઘાયલોમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, બાળકો અને સામાન્ય નાગરિકોનો પણ સમાવેશ થાય છે.

અહેવાલો અનુસાર સ્થાનિક અધિકારીઓના જણાવ્યા મુજબ રાજધાની અસદાબાદમાં રહેણાંક વિસ્તારોની સાથે સૈયદ જમાલુદ્દીન અફઘાની યુનિવર્સિટીને પણ નિશાન બનાવવામાં આવી હતી, જેના કારણે વિસ્તારમાં દહેશતનો માહોલ ફેલાયો હતો.

તાલિબાન સરકારના ઉપ પ્રવક્તા હમદુલ્લાહ ફિતરતે આ હુમલાઓ માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું છે. તેમના જણાવ્યા મુજબ બપોરે લગભગ 2 વાગ્યાથી મોર્ટાર અને રોકેટ હુમલાઓ શરૂ થયા હતા.

જો કે, પાકિસ્તાને આ તમામ આરોપોને ફગાવી દીધા છે. પાકિસ્તાનના સૂચના મંત્રાલયે નિવેદન આપીને કહ્યું છે કે યુનિવર્સિટી અને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવાના દાવા સંપૂર્ણપણે ખોટા અને ભ્રામક છે. હાલ બંને પક્ષોના દાવાઓ વચ્ચે તણાવ વધુ વધી શકે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.

પાકિસ્તાન (Pakistan) ના 6 સૈનિકોના મોતનો દાવો

આ પહેલા રવિવારે અફઘાનિસ્તાનના કંધાર પ્રાંતના સ્પિન બોલ્ડક વિસ્તારમાં બંને પક્ષો વચ્ચે હિંસક અથડામણ થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર રાત્રિના સમયે થયેલા ફાયરિંગમાં પાકિસ્તાનના 6 સૈનિકો માર્યા ગયા હતા. અહેવાલો મુજબ તાલિબાની લડવૈયાઓએ એક પાકિસ્તાની સૈનિકને બંધક બનાવી લીધો હતો અને સૈનિકોના હથિયારો પણ કબજે કર્યા હતા.

અહેવાલો અનુસાર મોડી રાત્રે પાકિસ્તાન તરફથી સરહદ પાર ફાયરિંગ શરૂ થયું હતું, જેમાં એક સ્થાનિક બાળકનું મોત થયું હતું. ત્યારબાદ તાલિબાન તરફથી જવાબી કાર્યવાહી કરવામાં આવી હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે, આ દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી. આ ઘટના બાદ સરહદી વિસ્તારમાં તણાવ વધુ ઘેરો બન્યો છે અને બંને દેશો વચ્ચેની સ્થિતિને લઈને ચિંતાઓ વધતી જોવા મળી રહી છે.


આ પણ વાંચો: પાકિસ્તાન પાસે માત્ર 7 દિવસનું તેલ વધ્યું, શાળાઓ-ઓફિસો બંધ કરવાની તૈયારી, જાણો ભારત પર શું થશે અસર

આ પણ વાંચો: ઈરાને પાકિસ્તાનને કહ્યું ‘અવિશ્વસનીય’, અમેરિકા અને ટ્રમ્પ તરફ પક્ષપાત કરવાનો ગંભીર આક્ષેપ