Ahmedabad Rath Yatra 2026: ભગવાન જગન્નાથજીની 148મી ઐતિહાસિક રથયાત્રાનો આજે ભવ્ય પ્રારંભ થયો છે. વહેલી સવારથી જ સમગ્ર અમદાવાદ ‘જય જગન્નાથ’ અને ‘જય રણછોડ, માખણ ચોર’ના ગગનભેદી જયઘોષથી ગુંજી ઉઠ્યું છે. લાખો શ્રદ્ધાળુઓની આતુરતાનો અંત આવ્યો અને ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર તથા બહેન સુભદ્રાજી ભક્તોને દર્શન આપવા ભવ્ય નગરચર્યાએ નીકળ્યા.રથયાત્રા પૂર્વે શ્રી જગન્નાથ મંદિરમાં વહેલી સવારે મંગળા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે હાજર રહ્યા હતા. ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પરંપરાગત પહિંદ વિધી સંપન્ન કરી હતી. મુખ્યમંત્રી તરીકે તેમણે સતત પાંચમી વખત સોનાની સાવરણી વડે ભગવાનના રથનો માર્ગ પ્રતીકાત્મક રીતે સાફ કરીને વર્ષો જૂની આ પરંપરાને નિભાવી હતી. આ વિધિ ભગવાન સમક્ષ સૌ સમાન હોવાના સંદેશનું પ્રતીક માનવામાં આવે છે.
જગન્નાથ રથયાત્રા શાંતિપૂર્ણ અને ભક્તિમય વાતાવરણ વચ્ચે સંપન્ન
અમદાવાદની 149મી ઐતિહાસિક જગન્નાથ રથયાત્રા શાંતિપૂર્ણ અને ભક્તિમય વાતાવરણ વચ્ચે સંપન્ન થઈ હતી. રાત્રે અંદાજે 10 વાગ્યાના આસપાસ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના ત્રણેય રથ નિજ મંદિર પરત ફર્યા હતા. ભગવાનના આગમન સાથે મંદિર પરિસર તેમજ સમગ્ર શહેરમાં ભક્તિનો અનોખો માહોલ સર્જાયો હતો.

રથયાત્રાના સમગ્ર માર્ગ પર મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાનના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. અંદાજે 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ રથયાત્રામાં ભાગ લઈ ભગવાનના દર્શનનો લાભ લીધો હતો. જય જગન્નાથના ગગનભેદી નાદ, ભજન-કીર્તન અને ભક્તિભાવથી સમગ્ર અમદાવાદ આધ્યાત્મિક રંગમાં રંગાઈ ગયું હતું.
અમદાવાદની 148મી રથયાત્રા દરમિયાન સંવેદનશીલ ગણાતા દરિયાપુર વિસ્તારમાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીના ત્રણેય રથ નિર્ધારિત સમય કરતાં અંદાજે બે કલાક મોડા પહોંચ્યા હતા. સામાન્ય રીતે બપોરે 4 વાગ્યે દરિયાપુર પહોંચતી રથયાત્રા આ વખતે સાંજે લગભગ 6 વાગ્યે અહીં આવી હતી.
રથ દરિયાપુર પહોંચતા જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને મેઘરાજાએ હળવો વરસાદ વરસાવતા ભક્તોમાં આનંદની લાગણી જોવા મળી હતી. બીજી તરફ સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણ સતર્ક રહ્યું હતું.
રાજ્ય પોલીસ વડા જી.એસ. મલિક અને અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દરિયાપુરની તંબુ ચોકી પરથી સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા હતા. ઉપરાંત, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પ્રેમ દરવાજા વિસ્તારમાં પહોંચી સુરક્ષા અને વ્યવસ્થાની સમીક્ષા કરતા જોવા મળ્યા હતા.
10 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા ભગવાન જગન્નાથના દર્શન, વ્યવસ્થા સફળ રહી: હર્ષ સંઘવી
અમદાવાદની રથયાત્રા દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આ વર્ષે ભગવાન જગન્નાથના દર્શન માટે અભૂતપૂર્વ જનમેદની ઉમટી હતી. તેમના જણાવ્યા મુજબ, 10 લાખથી વધુ લોકો રસ્તા પર આવી ભગવાનના દર્શનનો લાભ લીધો, જે છેલ્લા ઘણા વર્ષોમાં જોવા મળેલી સૌથી મોટી ભીડમાંની એક હતી.
હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે સમગ્ર રથયાત્રા દરમિયાન પોલીસ અને પ્રશાસન દ્વારા સુચારુ આયોજન અને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જેના કારણે લાખો લોકોની હાજરી છતાં સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક પૂર્ણ થયો.
તેમણે એ પણ ઉમેર્યું કે ગત વર્ષે ‘બાબુ’ નામનો હાથી નારાજ થયો હતો, તેને ધ્યાનમાં રાખીને આ વર્ષે હાથીઓની સુરક્ષા, સંભાળ અને વ્યવસ્થાપન માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર યાત્રા દરમિયાન કોઈ અણધારી ઘટના બની નહોતી.
અમદાવાદ રથયાત્રામાં ફરી ઝળહળી ગંગા-જમુની સંસ્કૃતિ, ગ્યાસુદ્દીન શેખે મહંતનું કર્યું સ્વાગત
અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા દરમિયાન દર વર્ષની જેમ આ વર્ષે પણ ગંગા-જમુની સંસ્કૃતિ અને કોમી એકતાનું સુંદર દૃશ્ય જોવા મળ્યું. માર્ગ પર ભાજપ લઘુમતી મોરચાના હોદ્દેદારો, મુસ્લિમ ધર્મગુરુઓ, સૂફી સંતો તેમજ મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના આગેવાનો અને નાગરિકોએ ભગવાન જગન્નાથની રથયાત્રાનું ઉષ્માભેર સ્વાગત કર્યું.
આ દરમિયાન કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જગન્નાથ મંદિરના મહંતનું શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માન કર્યું. સાથે જ તેમણે કોમી સૌહાર્દ અને ભાઈચારાના પ્રતીકરૂપે આકાશમાં કબૂતરો ઉડાડી શાંતિ અને એકતાનો સંદેશ આપ્યો. રથયાત્રાના આ પ્રસંગે વિવિધ સમાજના લોકોની સહભાગિતાએ અમદાવાદની સાંપ્રદાયિક સૌહાર્દની પરંપરાને વધુ મજબૂત બનાવી.
16 July 2026 7:45PM
Ahmedabad Jagannath Rath Yatra 2026 Live : રાત્રે 10 વાગ્યા સુધીમાં ભગવાનના રથ મંદિર પરત ફરશે: હર્ષ સંઘવી
અમદાવાદની 149મી જગન્નાથ રથયાત્રા દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આ વર્ષે રથયાત્રામાં લોકોનો અભૂતપૂર્વ જનસાગર જોવા મળ્યો છે. તેમના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં અંદાજે 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ભગવાન જગન્નાથના દર્શન માટે માર્ગો પર ઉમટ્યા છે.
તેમણે કહ્યું કે રાજ્ય સરકાર, પોલીસ અને જિલ્લા પ્રશાસને સમગ્ર રથયાત્રા દરમિયાન સુવ્યવસ્થિત આયોજન અને સુરક્ષા વ્યવસ્થા ઊભી કરી હતી, જેના કારણે યાત્રા શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક આગળ વધી રહી છે.
હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે ગયા વર્ષે ‘બાબુ’ નામના હાથીના વર્તનને લઈને જે પરિસ્થિતિ સર્જાઈ હતી, તેને ધ્યાનમાં રાખીને આ વર્ષે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે કોઈ અનિચ્છનીય ઘટના બની નથી.
તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભગવાન જગન્નાથ, ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાના રથો રાત્રે લગભગ 10 વાગ્યા સુધીમાં જગન્નાથ મંદિર ખાતે પરત પહોંચી જશે. સમગ્ર યાત્રા દરમિયાન પોલીસ, પ્રશાસન અને વિવિધ વિભાગોએ સંકલિત રીતે કામગીરી કરી હોવાનું પણ તેમણે જણાવ્યું.
16 July 2026 7:45PM
Ahmedabad Jagannath Rath Yatra 2026 Live : અઝાન વાગતા મોટા સ્પીકર સ્થાનિકો દ્વારા થોડી વાર બંધ કરાયા
અઝાન વાગતા સ્થાનિકો દ્વારા મોટા સ્પીકર થોડી વાર બંધ કરાયા હતા. જેમાં રથયાત્રા માણેક ચોકમાંથી પસાર થતી હતી ત્યારે અઝાન વાગતા સ્થાનિકો દ્વારા મોટા સ્પીકર થોડીવાર માટે બંધ કરાયા હતા.
Ahmedabad Jagannath Rath Yatra 2026 Live : રથયાત્રા દરમિયાન 51 ઈમરજન્સી કેસ નોંધાયા

રથયાત્રા દરમિયાન અલગ અલગ ઠેકાણે ભારે ભીડ વચ્ચે 51 ઈમરજન્સી કેસ નોંધાયા હતા. જેમાં 15 લોકો બેભાન થવાના કેસ નોંધાયા હતા. તે સિવાય શ્લાસ લેવામાં તકલીફ, ડિહાઈડ્રેશન, પડી જવાના, ઉલ્ટી, આંચકી અને છાતીનાં દુખાવાન કેસ નોંધાયા હતા. સારવાર અર્થે તેમને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
16 July 2026 06:58PM
Ahmedabad Jagannath Rath Yatra 2026 Live : પ્રેમ દરવાજા પાસે મારામારી
અમદાવાદની 149મી રથયાત્રા દરમિયાન પ્રેમ દરવાજા વિસ્તારમાં પ્રસાદના વિતરણને લઈને બે પરિવારો વચ્ચે અચાનક ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. ઘટનામાં કેટલીક મહિલાઓએ એક યુવકના વાળ ખેંચીને માર માર્યાનો વીડિયો પણ સામે આવ્યો છે. ત્યારબાદ બંને પરિવારોના મહિલા અને પુરુષો વચ્ચે ધક્કામુક્કી અને ઘર્ષણ સર્જાયું હતું. બીજી તરફ, ધી કાંટા વિસ્તારમાં રથ ખેંચવા બાબતે એક યુવક અને ખલાસીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. થોડા જ સમયમાં વાત ઉગ્ર બનતા બંને પક્ષ વચ્ચે મારામારી સર્જાઈ હતી.
બંને સ્થળોએ હાજર પોલીસકર્મીઓએ તાત્કાલિક હસ્તક્ષેપ કરીને તમામ લોકોને અલગ કર્યા અને પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું હતું. ઘટનાને કારણે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જોકે બાદમાં રથયાત્રા ફરીથી શાંતિપૂર્ણ રીતે આગળ વધી હતી.

16 July 2026 06:30PM
Ahmedabad Jagannath Rath Yatra 2026 Live : હર્ષ સંઘવી પ્રેમ દરવાજા પહોંચ્યા

રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પ્રેમ દરવાજા ખાતે પહોંચ્યા હતા. તેઓ ચાલતા ચાલતા પ્રેમ દરવાજથી દરિયાપુર પહોંચશે. દરિયાપુરમાં હર્ષ સંઘવીએ જય રણછોડના નાદ લગાવ્યો સાથે ભક્તોએ પણ સુર પુરાવ્યો
16 July 2026 06:10PM
Ahmedabad Jagannath Rath Yatra 2026 Live : દરિયાપુર લીમડાચોક ખાતે પ્રથમ રથ પહોંચ્યો
પ્રથમ રથ દરિયાપુર લીમડા ચોક પહોંચ્યો છે. રથયાત્રા 2 કલાક મોડી ચાલી રહી છે. સાંજે 4 વાગ્યાની જગ્યાએ 6 વાગ્યે રથ દરિયાપુરમાં પહોંચ્યા છે.
16 July 2026 05:30PM
Ahmedabad Jagannath Rath Yatra 2026 Live : રંગીલા પોલીસ ચોકીથી પાસેથી અખાડા અને કરતબબાજો નીકળ્યા

રથયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર ગણાતા કરતબબાજો અને અખાડા રંગાલા પોલીસ ચોકી નજીકથી પસાર થયા.
16 July 2026 05:16PM
Ahmedabad Jagannath Rath Yatra 2026 Live : પોલીસ કમિશનરે રથયાત્રાની ગતિ વધારવા આપ્યા નિર્દેશ

અમદાવાદની 149મી જગન્નાથ રથયાત્રા દરમિયાન પોલીસ તંત્ર સંપૂર્ણ સતર્ક જોવા મળ્યું. રાજ્યના પોલીસ વડા અને અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે દરિયાપુર સ્થિત તંબુ ચોકી ખાતે પહોંચી રથયાત્રાની સુરક્ષા અને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું.
પોલીસ કમિશનર સતત સમગ્ર રૂટ પર નજર રાખી રહ્યા હતા. યાત્રા નિર્ધારિત સમયપત્રક મુજબ આગળ વધે અને ક્યાંય અનાવશ્યક વિલંબ ન થાય તે માટે તેમણે ક્રાઇમ બ્રાન્ચ સહિતના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. ત્યારબાદ રાજ્યના પોલીસ વડા અને પોલીસ કમિશનર દરિયાપુરથી દિલ્લી દરવાજા તરફ જઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
16 July 2026 05:03 PM
Ahmedabad Jagannath Rath Yatra 2026 Live : રથયાત્રા દરમિયાન 15 જણાં બેભાન થતા સારવાર માટે 108માં હોસ્પિટલ લઈ જવાયા
રથયાત્રામાં માનવ મહેરામણ વચ્ચે બપોરે 3 વાગ્યા સુધીમાં 15 જણાં બેભાન થઈ ગયા હકા. આથી તાત્કાલિક તેમને સારવાર અર્થે 108 દ્વારા સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
16 July 2026 04:47 PM
Ahmedabad Jagannath Rath Yatra 2026 Live : રથયાત્રા પર રંગીલા પોલીસ ચોકી પાસે મકાનો પરથી પોલીસની ચાંપતી નજર

રથયાત્રા દરમિયાન રંગીલા પોલીસ સ્ટેશન નજીકથી એક પછી એક ટેબ્લો પસાર થઈ રહ્યા હતા. તે સમયે આજુબાજુના મકાનો પરથી પોલીસ રથયાત્રા પર નજર રાખવામાં આવી રહી છે.
16 July 2026 04:45 PM
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જગન્નાથ મંદિરના મહંતનું સ્વાગત કર્યું
Ahmedabad Jagannath Rath Yatra 2026 Live : DGP દરિયાપુર તંબુ ચોકી પહોંચ્યા

રાજ્યના પોલીસ વડા જી.એસ મલિક દરિયાપુર તંબુ ચોકી પહોંચ્યા
Ahmedabad Jagannath Rath Yatra 2026 Live : દરિયાપુરમાં રથયાત્રા પર અમી છાંટણા થયા
દરિયાપુરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. પવન ફૂંકાવવાની સાથે સાથે કાળા ડિબાગ વાદળો પણ ઘેરાયા છે. આ દરમિયાન રથયાત્રામાં અમી છાંટણા થયા.
16 July 2026 04:24 PM
Ahmedabad Jagannath Rath Yatra 2026 Live : દરિયાપુરમાં ચોકલેટ અને પ્રસાદ લેવા ભક્તોની ભારે ભીડ
Ahmedabad Jagannath Rath Yatra 2026 Live : લોકો મોટી સંખ્યામાં રથયાત્રા જોવા ઉમટતા પોલીસે બેરીકેટ લગાવ્યા
રથયાત્રા જોવા માટે લોકો દરિયાપુર તંબુ ચોકી પાસે મોટી સંખ્યામાં એકઠા થયા હતા. જેને પગલે પોલીસને અહીં બેરિકેટ લગાવવા પડ્યા હતા.
16 July 2026 04:17 PM
Ahmedabad Jagannath Rath Yatra 2026 Live : ટ્રકો તંબુ ચોકી પાસેથી દિલ્હી ચકલા તરફ ધીમે ધીમે આગળ વધ્યા
ટ્રકો તંબુ ચોકી પાસેથી દિલ્હી ચકલા તરફ ધીમે ધીમે આગળ પસાર થઈ રહ્યા છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત અને સેક્ટર 1 જેસીપી દરિયાપુર તંબુ ચોકી ખાતે હાજર છે.
16 July 2026 04:05 PM
Ahmedabad Jagannath Rath Yatra 2026 Live : ત્રણેય રથ સરસપુરથી રવાના થયા
માનવ મહેરામણ વચ્ચે જગતના નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના રથ સરસપુરથી રવાના થયા
16 July 2026 02:20 PM
Ahmedabad Jagannath Rath Yatra 2026 Live : ત્રણેય ભગવાનનું મામેરું રથ સુધી લાવવામાં આવ્યું

હાલ સરસપુર મોસાળમાં ત્રણેય રથ પહોંચ્યા છે. એહીં ભગવાનને ભોગ ધરાવવામાં આવ્યો છે. અહીં ભગવાન અહીં એક કલાક જેટલો સમય રોકાણ કરશે. અહીં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામજીનું મામેરું રથ સુધી લાવવામાં આવ્યું હતુ. સરસપુરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું, નંદ ઘેર આનંદ ભર્યોના નાદથી વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. ત્યારબાદ ગજરાજ સરસપુરથી રવાના થયા હતા.

ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની 149મી જગન્નાથ રથયાત્રાના અમદાવાદ શહેરમાં ભ્રમણ તેમજ રથયાત્રાના સંચાલનનું રિયલ ટાઈમ મોનિટરીંગ મુખ્યમંત્રી નિવાસસ્થાનના સી.એમ. ડેશ બોર્ડની વિડિયો વોલ પર જીવંત પ્રસારણ નિહાળીને કર્યું હતું. સવારે જગન્નાથ મંદિરથી રથયાત્રાને પહિંદ વિધિ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું અને ત્યારબાદ મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોંચીને બપોરે વિડિયો વોલ પર આ રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યુ હતું. તેમણે રથના લોકેશન, પોલીસ દ્વારા એ.આઈ. અને ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી કરવામાં આવી રહેલી રથયાત્રાની નિગરાની અને સલામતી વ્યવસ્થાની તલસ્પર્શી જાણકારી મેળવી
Ahmedabad Jagannath Rath Yatra 2026 Live: અખાડા પણ સરસપુર પહોંચી ગયા
અખાડા સરસપુર પહોંચી ગયા છે. હવે સરસપુરમાં ભગવાન પહોંચે તેની રાહ જોવાઈ રહી છે. રણછોડરાય મંદિરમાં ભગવાન જગન્નાથની ભક્તો રાહ જોઈને બેઠા છે.
Ahmedabad Jagannath Rath Yatra 2026 Live: ભગવાનના રથ કાલુપુર પહોંચ્યા
ભગવાનના રથ કાલુપુર પહોંચ્યા છે અને સરસપુરમાં મામાના ઘરે ભાણેજની રાહ જોવાઈ રહી છે. ભક્તો સરસપુરમાં ભગવાનના દર્શનની રાહ જોઈને બેઠા છે.
16 July 2026 01: 30 AM
અમદાવાદ જગન્નાથ રથયાત્રા 2026 Live
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સી.એમ. ડેશબોર્ડ મારફતે રથયાત્રાના રૂટ અને સુરક્ષા વ્યવસ્થાનું રિયલ ટાઈમ મોનિટરિંગ કર્યું હતું. આ દરમિયાન ત્રણેય રથ પાંચકુવા વિસ્તારમાં પહોંચતા ભગવાનના રથ અને ખલાસીઓ પર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ત્રણેય રથ પાંચકુવાથી આગળ વધીને કાલુપુર તરફ રવાના થયા હતા.
16 July 2026 12: 50 AM
અમદાવાદ જગન્નાથ રથયાત્રા 2026 Live:
ભગવાન જગન્નાથજીની રથયાત્રા આગળ વધતાં ભજન મંડળીઓ પાનકોર નાકા વિસ્તારમાં પહોંચી ગઈ છે, જ્યારે વિવિધ અખાડાઓનો સમગ્ર કાફલો ભગવાનના મોસાળ સરસપુર ખાતે પહોંચી ગયો છે. આ દરમિયાન પાનકોર નાકાથી કાલુપુર તરફ જતી એક એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ જતાં થોડા સમય માટે અવરજવરમાં વિક્ષેપ સર્જાયો હતો.
16 July 2026 12:28 AM
અમદાવાદ જગન્નાથ રથયાત્રા 2026 Live
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) કચેરી ખાતે મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેયર હિતેશ બારોટ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલ અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ ભગવાનના રથનું સ્વાગત કરીને ભગવાન જગન્નાથજી તથા બહેન સુભદ્રાજીના દર્શન કર્યા હતા. સ્વાગત કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને બહેન સુભદ્રાજીના ત્રણેય રથ AMC કચેરીથી ખાડિયા તરફ રવાના થયા હતા, જ્યારે રથયાત્રામાં જોડાયેલા વિવિધ અખાડાઓના કાફલા પણ પાનકોર નાકા વિસ્તાર પસાર કરીને આગળ વધ્યા હતા.
16 July 2026 11:57 AM
અમદાવાદ જગન્નાથ રથયાત્રા 2026 Live: સરસપુરમાં પ્રસિદ્ધ મહાપ્રસાદ ભંડારાની શરૂઆત
ભગવાન જગન્નાથજીના મોસાળ સરસપુરમાં રથયાત્રાના આગમનને લઈને ભક્તિમય માહોલ છવાઈ ગયો છે. ભગવાનના આગમન પહેલાં જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સરસપુરની શેરીઓ અને મંદિરોમાં ઉમટી પડ્યા છે. વર્ષોથી ચાલી આવતી પરંપરાને જાળવી રાખતાં અહીં વિશાળ મહાપ્રસાદ ભંડારાની વિધિવત શરૂઆત કરવામાં આવી છે. સરસપુરની વિવિધ પોળો અને વિસ્તારોમાં બનાવાયેલા રસોડાંમાં હજારો ભક્તો માટે પ્રેમ અને શ્રદ્ધાભાવ સાથે મહાપ્રસાદ તૈયાર કરીને પીરસવામાં આવી રહ્યો છે. ‘કોઈપણ ભક્ત ભૂખ્યો ન રહે’ તેવા ભાવ સાથે સ્થાનિક રહેવાસીઓ ભક્તોની સેવા, આવકાર અને સત્કારમાં સંપૂર્ણ સમર્પિત થઈ ગયા છે.
16 July 2026 11:55 AM
16 July 2026 11:18 AM
ભગવાન જગન્નાથજીની રથયાત્રા સરસપુર પહોંચતા જ ધાર્મિક માહોલ વધુ ભક્તિમય બન્યો હતો. ગજરાજે વિધિવત આગમન કર્યું હતું, જ્યારે રાયપુર ચકલાના અખાડાઓ પણ સરસપુર ખાતે પહોંચ્યા હતા. મહંત શ્રી દિલીપદાસજી મહારાજ તેમજ ટ્રસ્ટીઓએ ભગવાન રણછોડરાયજીની શ્રદ્ધાભેર આરતી ઉતારી હતી. ત્યારબાદ પરંપરાગત મામેરાની વિધિનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને બહેન સુભદ્રાજી માટેનું મામેરું મંદિરે અર્પણ કરવામાં આવ્યું. આ વર્ષે મામેરાની ખાસ વિશેષતા એ છે કે ભગવાનના વાઘા માટેનું પવિત્ર કાપડ ખાસ વૃંદાવનથી મંગાવવામાં આવ્યું છે.
પહિંદ વિધી પૂર્ણ થયા બાદ સવારે આશરે સાડા સાત વાગ્યે ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના દિવ્ય રથોએ મંદિર પરિસરમાંથી પ્રસ્થાન કર્યું. વર્ષમાં માત્ર એક વખત ભગવાન ભક્તોને સાક્ષાત દર્શન આપવા નગરચર્યાએ નીકળતા હોવાથી માર્ગ પર ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે.
રથયાત્રામાં ગજારાજ, વિવિધ અખાડાઓના કરતબ, ભજન મંડળીઓ અને ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી શોભાયાત્રાઓ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે. માર્ગ પર અનેક સ્થળોએ ભક્તો માટે મગ અને જાંબુ સહિતના પ્રસાદનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અમદાવાદ પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શહેર પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને અન્ય સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાઈટેક એન્ટી-ડ્રોન સિસ્ટમ સક્રિય કરવામાં આવી છે, જેના માધ્યમથી સમગ્ર રથયાત્રા રૂટ પર આકાશમાંથી સતત નજર રાખવામાં આવી રહી છે. કંટ્રોલ રૂમમાંથી દરેક હિલચાલ પર નજર રાખી સુરક્ષા વ્યવસ્થાનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
આસ્થા, પરંપરા અને સાંસ્કૃતિક વૈભવના આ મહાપર્વમાં લાખો ભક્તો ભક્તિભાવ સાથે જોડાયા છે અને ભગવાન જગન્નાથના દિવ્ય દર્શનનો લાભ લઈ રહ્યા છે.

