Ahmedabad News: અમદાવાદ જિલ્લાના સાણંદ પોલીસ સ્ટેશન (Sanand Police Station)નો એક વિવાદાસ્પદ મામલો ચર્ચામાં આવ્યો છે. છેડતીના કેસમાં ધરપકડ કરાયેલા બે આરોપીઓને પોલીસ સ્ટેશનના પરિસરમાં ઝાડ સાથે બાંધીને માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. ઘટનાની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર મામલે ચર્ચા શરૂ થઈ છે.
શું છે સમગ્ર મામલો?
મળતી માહિતી મુજબ, સાણંદ વિસ્તારમાં રહેતી એક યુવતી પોતાના મંગેતર સાથે પાણીપુરી ખાવા ગઈ હતી. આ દરમિયાન બે યુવકોએ યુવતી સાથે છેડતી કરી હતી અને તેનો હાથ પકડ્યો હોવાનો આક્ષેપ છે. ફરિયાદ મુજબ, આરોપીઓ સતત યુવતીનો પીછો કરીને તેને હેરાન કરતા હતા. યુવતીની ફરિયાદના આધારે સાણંદ પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી.
Sanand Police Stationમાં જ માર માર્યાના આક્ષેપ
ધરપકડ બાદ બંને આરોપીઓને પોલીસ સ્ટેશન (Sanand Police Station)ના કમ્પાઉન્ડમાં આવેલા ઝાડ સાથે બાંધી રાખવામાં આવ્યા હતા અને તેમને લાકડીઓ વડે માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. ઘટનાની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસની કાર્યવાહીને લઈને અનેક સવાલો ઉભા થયા છે. સ્થાનિક સ્તરે એવી પણ ચર્ચા છે કે ઘટનાનો વીડિયો બનાવવાનો પ્રયાસ કરનાર વ્યક્તિનો મોબાઈલ પણ પોલીસે કબજે લીધો હતો. જોકે આ અંગે સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
PIનું નિવેદન ચર્ચામાં
મામલે સાણંદ પોલીસ સ્ટેશન (Sanand Police Station)ના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) બી.ટી. ગોહિલનું નિવેદન પણ ચર્ચામાં છે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે આરોપીઓને “પનીશમેન્ટ” આપવામાં આવી હોવાનું જણાવ્યું હોવાનું અહેવાલોમાં સામે આવ્યું છે.
પોલીસની કાર્યવાહી પર ઉઠ્યા પ્રશ્નો
આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે સુપ્રીમ કોર્ટ (Supreme Court) તેમજ ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આરોપીઓ સાથે કાયદેસરની પ્રક્રિયા અનુસાર જ વર્તન કરવા અને જાહેરમાં અપમાનજનક અથવા શારીરિક સજા જેવી કાર્યવાહીથી દૂર રહેવાના સ્પષ્ટ નિર્દેશો આપવામાં આવ્યા છે. આ ઘટનાએ પોલીસની કામગીરી, માનવ અધિકારો અને કાયદેસરની પ્રક્રિયાના પાલન અંગે ચર્ચા જગાવી છે. સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈ તપાસ અથવા આગળની કાર્યવાહી થાય છે કે નહીં તેના પર સૌની નજર છે.
આ પણ વાંચો:વટવામાં સગીરને ઝાડ સાથે બાંધી મિત્રોએ જ આપી તાલિબાની સજા
આ પણ વાંચો:તાલિબાની સજા! રાજગઢમાં યુવકના વાળ કાપી અત્યાચાર ગુજારાયો, પોલીસ તંત્રએ માતાને ધક્કે ચડાવી
આ પણ વાંચો:સંજેલીમાં મહિલાને મળી તાલિબાની સજા, પોલીસ હરકતમાં આવી
