Kenya Utumishi Girls Academy School Fire: આફ્રિકન દેશ કેન્યામાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને મોટી દુર્ઘટના સામે આવી છે. કેન્યાના નકુરુ કાઉન્ટીમાં આવેલી એક પ્રતિષ્ઠિત ગર્લ્સ એકેડેમીના છાત્રાલય (હોસ્ટેલ) માં મોડી રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ભયાનક અગ્નિકાંડમાં ગાઢ નિદ્રામાં સૂતેલી 16 માસૂમ વિદ્યાર્થીનીઓના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે 74 જેટલી દીકરીઓ ગંભીર રીતે દાઝી જતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ હોનારતને પગલે સમગ્ર કેન્યા સહિત વિશ્વભરમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ગાઢ નિદ્રામાં હતી દીકરીઓ ને અચાનક ત્રાટકી આફત
મળતી આંતરરાષ્ટ્રીય વિગતો અનુસાર, આ દર્દનાક ઘટના નકુરુમાં આવેલી ઉતુમિશી ગર્લ્સ એકેડેમી (Utumishi Girls Academy) માં ગુરુવારે વહેલી સવારે આશરે 3:30 વાગ્યાના સુમારે બની હતી. શાળાના ડોર્મિટરી (છાત્રાલય) ખંડમાં જ્યારે તમામ વિદ્યાર્થીનીઓ ઘસઘસાટ સૂતી હતી, ત્યારે અચાનક અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગની જ્વાળાઓ અને ઝેરી ધુમાડાએ આખી બિલ્ડિંગને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. અચાનક લાગેલી આગને કારણે હોસ્ટેલમાં ભારે ચીસાચીસ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

રેડ ક્રોસની બચાવ કામગીરી, હોસ્પિટલમાં વધુ 6 ના મોત
ઘટનાની જાણ થતાં જ કેન્યા રેડ ક્રોસ (Kenya Red Cross) ની ટીમો અને ફાયર ફાઈટરોનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી હતી. રેડ ક્રોસના જણાવ્યા મુજબ, શરૂઆતમાં ઘટનાસ્થળે જ 10 વિદ્યાર્થીનીઓના મોતની પુષ્ટિ થઈ હતી. પરંતુ, સેન્ટ જોસેફ હોસ્પિટલ (St. Joseph Hospital) સહિત અન્ય મેડિકલ સેન્ટરોમાં સારવાર લઈ રહેલી ગંભીર રીતે દાઝેલી દીકરીઓમાંથી વધુ ૬ વિદ્યાર્થિનીઓએ દમ તોડતા કુલ મૃત્યુઆંક 16 પર પહોંચ્યો છે. હજુ પણ કેટલીક યુવતીઓની હાલત અત્યંત ચિંતાજનક હોવાનું હોસ્પિટલના સૂત્રો જણાવી રહ્યા છે.
TRAGIC FIRE INCIDENT AT UTUMISHI GIRLS ACADEMY
Following a devastating fire at Utumishi Girls Academy in Gilgil today, 28 May 2026, the Deputy Inspector General of the Kenya Police Service, Mr. Eliud Lagat, arrived at the school to coordinate rescue and recovery efforts.
The… pic.twitter.com/YDU8iLOqc1
— National Police Service-Kenya (@NPSOfficial_KE) May 28, 2026
Kenya ના રાષ્ટ્રપતિએ વ્યક્ત કર્યો શોક
કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રૂટો (President William Ruto) એ આ કરુણ દુર્ઘટના પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી મૃતક પરિવારો પ્રત્યે સંવેદના પ્રગટ કરી છે. વહીવટી તંત્ર દ્વારા આ ભયાનક આઘાતમાંથી બચી ગયેલી વિદ્યાર્થીનીઓ, તેમના પરિવારો અને શાળાના સ્ટાફના માનસિક સ્વાસ્થ્ય માટે ચિલ્ડ્રન સર્વિસિસ વિભાગ દ્વારા ખાસ મનોસામાજિક સહાય અને કાઉન્સેલિંગ નિષ્ણાતોની ટીમો તૈનાત કરવામાં આવી છે.
ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે સ્પષ્ટ થયું નથી, પરંતુ સ્થાનિક પ્રશાસન અને પોલીસ દ્વારા આ મામલે હાઈ-લેવલ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં આ ભયાનક દુર્ઘટના પાછળ શોર્ટ સર્કિટ (Short Circuit) અથવા અન્ય કોઈ ટેકનિકલ ખામી હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. તાજેતરના વર્ષોમાં કેન્યાની શૈક્ષણિક સંસ્થાઓમાં બનેલી આ સૌથી મોટી અને હૃદયદ્રાવક આગની ઘટના માનવામાં આવી રહી છે.
આ પણ વાંચો: કેનેડામાં ગુજરાતી યુવતીની હત્યા,લૂંટ દરમિયાન બોરસદની વિદ્યાર્થીની પર જીવલેણ હુમલો
આ પણ વાંચો: અમેરિકા-ઈરાન તણાવ વધ્યો, IRGCનો યુએસ એરબેઝ પર હુમલાનો દાવો
આ પણ વાંચો: ફ્રાન્સમાં બેંક મેનેજરે પ્રેમિકાને બ્લેકમેલ કરી 487 પુરુષો પાસે મોકલી, કોર્ટે આપી 25 વર્ષની જેલ
