Monsoon 2026: ગુજરાત અને આસામમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ ગંભીર બની રહી છે. ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં વરસાદ અને પૂરના કારણે 35 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે આસામમાં પૂરના કારણે અત્યાર સુધીમાં 61 લોકોના જીવ ગયા છે. બંને રાજ્યોમાં લાખો લોકો પ્રભાવિત થયા છે અને બચાવ-રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
ગુજરાતમાં બે દિવસમાં 35ના મોત, અનેક જિલ્લાઓ પાણીમાં ગરકાવ
ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદ નોંધાયો છે. રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં 381 મીમી અને રાધનપુર તાલુકામાં 342 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે બનાસકાંઠાના ભાભર વિસ્તારમાં 287 મીમી વરસાદ વરસ્યો છે.
રાજ્યના કુલ 173 તાલુકાઓમાં 250 મીમીથી વધુ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે નદીઓમાં પાણીની આવક વધી છે અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.
NDRF-SDRF અને સેનાની ટીમો તૈનાત
પૂરની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને અસરગ્રસ્ત જિલ્લાઓમાં NDRFની 18 અને SDRFની 32 ટીમો તૈનાત કરવામાં આવી છે. અનેક સંવેદનશીલ વિસ્તારોમાં સેનાની મદદ પણ લેવામાં આવી રહી છે.
રાજ્યભરમાં અત્યાર સુધીમાં આશરે 42 હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જ્યારે છેલ્લા કેટલાક દિવસોમાં 7 હજારથી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
ધોળકા અને નવસારીમાં સફળ બચાવ કામગીરી
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં NDRFની ટીમે પૂરનાં પાણીમાં ફસાયેલા 103 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. બીજી તરફ નવસારી જિલ્લાના ગામડાઓમાંથી 120 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું અને અન્ય 43 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
ઉત્તર ગુજરાત માટે રેડ એલર્ટ
હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ઘટતાં લોકોને આંશિક રાહત મળી છે.
આ દરમિયાન સરદાર સરોવર નર્મદા ડેમ 68 ટકાથી વધુ ભરાઈ ગયો હોવાનું પણ જાણવા મળ્યું છે.
પૂર વચ્ચે ગર્ભવતી મહિલાને હોડીમાં હોસ્પિટલ પહોંચાડાઈ
અમદાવાદ ગ્રામ્યના ભેટાવાડા ગામમાં પૂર વચ્ચે એક ગર્ભવતી મહિલાને પ્રસૂતિ પીડા ઉપડતાં તાત્કાલિક હોડી મારફતે બહાર કાઢવામાં આવી હતી. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ દ્વારા તેમને ધોળકા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર પહોંચાડવામાં આવ્યા હતા. અગાઉ પણ અમદાવાદ જિલ્લાના બે ગામોમાંથી ગર્ભવતી મહિલાઓને પૂર દરમિયાન સુરક્ષિત રીતે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
આસામમાં 61ના મોત, 7 લાખથી વધુ લોકો પ્રભાવિત
આસામમાં પણ પૂરની સ્થિતિ અત્યંત ગંભીર બની છે. અત્યાર સુધીમાં 61 લોકોના મોત થયા છે, જ્યારે રાજ્યના નવ જિલ્લાઓમાં 7.05 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા સાથે ટેલિફોન પર વાત કરીને પરિસ્થિતિની જાણકારી લીધી હતી. મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે કેન્દ્ર સરકારે રાહત અને પુનર્વસન માટે શક્ય તમામ મદદ આપવાની ખાતરી આપી છે.
પાલઘરમાં પૂર પીડિત પરિવારોને સહાય
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં આ મહિનાની શરૂઆતમાં આવેલા પૂરથી અસરગ્રસ્ત પરિવારોને રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 20 લોકોના મોત નોંધાયા છે.
13 મૃતકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યા બાદ તેમના વારસદારોને રાજ્ય સહાય માટે પાત્ર જાહેર કરવામાં આવ્યા છે. દરેક પરિવારને ₹4 લાખની સહાય મંજૂર કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં આઠ પરિવારોને કુલ ₹32 લાખની સહાય ચૂકવવામાં આવશે.
પૂરના પાણીમાં તણાયેલો હાથી બચાવ્યો
નાગાલેન્ડની ટેકરીઓમાંથી પૂરના પાણીમાં તણાઈ ગયેલા 53 વર્ષીય પાળેલા હાથીને આસામના શિવસાગર જિલ્લામાં સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યો છે.
વનમંત્રી જયંત મલ્લા બરુઆના જણાવ્યા અનુસાર હાથી દિખો નદીમાં તણાઈને બિહુબોર વિસ્તાર સુધી પહોંચી ગયો હતો. પશુચિકિત્સકોની ટીમે સ્થળ પર પહોંચી તેની તાત્કાલિક સારવાર કરી હતી. સારવાર બાદ હાથીને સીમાલુગુરીના બાલીઘાટ વિસ્તારમાં સુરક્ષિત સ્થળે રાખવામાં આવ્યો છે, જ્યાં હાલ તેની દેખરેખ રાખવામાં આવી રહી છે.
