New Delhi News: દેશના લોકતંત્રની વિશ્વસનીયતા જાળવવામાં મુખ્ય ચૂંટણી કમિશનર (Chief Election Commissioner) અને ચૂંટણી પંચની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક પ્રક્રિયામાં ભારતના મુખ્ય ન્યાયાધીશને બહાર રાખતા 2023ના કાયદા સામે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. CJI સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે કેન્દ્ર સરકારને પૂછ્યું છે કે જ્યારે ચૂંટણી પંચની સ્વતંત્રતા લોકતંત્રનો આધારસ્તંભ છે, ત્યારે પસંદગી સમિતિમાંથી CJIને દૂર રાખવાનું શું કારણ છે? આ મુદ્દો હવે બંધારણ, ન્યાયતંત્ર અને ચૂંટણી પંચની નિષ્પક્ષતા સાથે જોડાયેલી ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
કેન્દ્ર સરકારથી સુુપ્રીમ કોર્ટ નારાજ, ચૂંટણી કમિશનરની નિયુક્તિમાં CJI ને કેમ દુર રખાયા?
સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરો (નિયુક્તિ, સેવા શરતો અને કાર્યકાળ) અધિનિયમ, 2023ને પડકારતી અનેક અરજીઓ પર સુનાવણી ચાલી રહી છે. સુનાવણી દરમિયાન CJI સૂર્યકાંતે કેન્દ્ર સરકારને સવાલ કર્યો કે જ્યારે CBI ડિરેક્ટર અને લોકપાલની પસંદગી સમિતિમાં CJIનો સમાવેશ થાય છે, ત્યારે ચૂંટણી પંચ જેવી મહત્વપૂર્ણ સંસ્થાની પસંદગી પ્રક્રિયામાં તેમને બહાર કેમ રાખવામાં આવ્યા? કોર્ટનું માનવું છે કે નિષ્પક્ષતા માત્ર હોવી જ નહીં, પરંતુ લોકો સામે દેખાવા પણ જોઈએ. તેથી પસંદગી પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક અને વિશ્વસનીય હોવી જોઈએ.
ચૂંટણી પંચ અંગે 2023ના કાયદામાં શું બદલાયું?
ભારતીય બંધારણના અનુચ્છેદ 324 હેઠળ ચૂંટણી પંચની રચના અને તેના અધિકારોની જોગવાઈ કરવામાં આવી છે. લાંબા સમય સુધી ચૂંટણી કમિશનરોની નિમણૂક અંગે અલગ કાયદો નહોતો. પરંતુ વર્ષ 2023માં સંસદે નવો કાયદો પસાર કરીને પસંદગી પ્રક્રિયાને કાનૂની સ્વરૂપ આપ્યું.
હાલની વ્યવસ્થા મુજબ પહેલા એક સર્ચ કમિટી યોગ્ય ઉમેદવારોના નામ સૂચવે છે. ત્યારબાદ વડાપ્રધાન, લોકસભાના વિપક્ષના નેતા અને વડાપ્રધાન દ્વારા નામાંકિત કેન્દ્રીય મંત્રીની પસંદગી સમિતિ અંતિમ ભલામણ તૈયાર કરે છે. ત્યારબાદ રાષ્ટ્રપતિ ઔપચારિક રીતે નિમણૂક કરે છે. અગાઉ સુપ્રીમ કોર્ટની અંતરિમ વ્યવસ્થામાં CJI પણ આ સમિતિનો ભાગ હતા, પરંતુ નવા કાયદા બાદ તેમની જગ્યાએ કેન્દ્રીય મંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Article 324 અંગે કેન્દ્ર સરકારનું શું કહેવું છે?
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી છે કે બંધારણમાં ક્યાંય પણ એવું ફરજિયાત નથી કે પસંદગી સમિતિમાં ન્યાયતંત્રનો પ્રતિનિધિ હોવો જ જોઈએ. સરકારે જણાવ્યું કે અનુચ્છેદ 324(2) (Article 324)સંસદને પસંદગી પ્રક્રિયા નક્કી કરવાનો અધિકાર આપે છે અને તે અધિકારનો ઉપયોગ કરીને જ 2023નો કાયદો બનાવવામાં આવ્યો છે. સરકારનું કહેવું છે કે વડાપ્રધાન અને અન્ય સભ્યો લોકશાહી પ્રક્રિયાથી ચૂંટાયેલા હોવાથી તેમની નિષ્પક્ષતા પર શંકા કરવી યોગ્ય નથી અને તે બંધારણીય સંસ્થાઓ પરના વિશ્વાસને નબળો પાડે છે.
સુપ્રીમ કોર્ટ હવે શું નિર્ણય લઈ શકે?
હાલ સુપ્રીમ કોર્ટ એ તપાસી રહી છે કે 2023નો કાયદો બંધારણની ભાવના અને ચૂંટણી પંચ (Election Commission)ની સ્વતંત્રતા સાથે સુસંગત છે કે નહીં. જો કોર્ટ કાયદાને બંધારણીય રીતે યોગ્ય ગણશે તો હાલની પસંદગી પ્રક્રિયા યથાવત રહેશે. પરંતુ જો કોર્ટ માને કે CJIને બહાર રાખવાથી ચૂંટણી પંચની સ્વતંત્રતા અને નિષ્પક્ષતા પર અસર પડે છે, તો સરકારને કાયદામાં સુધારો કરવો પડી શકે છે અથવા નવી પસંદગી પ્રક્રિયા અમલમાં આવી શકે છે. આ નિર્ણય માત્ર મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક પૂરતો મર્યાદિત નહીં રહે, પરંતુ દેશની લોકશાહી સંસ્થાઓની વિશ્વસનીયતા માટે પણ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો:જ્ઞાનેશ કુમાર દેશના આગામી મુખ્ય ચૂંટણી કમિશનર, PM મોદીના નેતૃત્વમાં મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો
આ પણ વાંચો:CEC રાજીવ કુમાર પછી દેશના આગામી ચૂંટણી કમિશનર કોણ હશે ? શોધખોળ શરૂ થઈ, સમિતિ રચાઈ
