Ahmedabad News: અમદાવાદમાં ઓલા, ઉબર અને રેપિડો (Ola Uber Rapido)જેવી કેબ તથા બાઈક ટેક્સી સેવાઓમાં વાહનના રજિસ્ટ્રેશન અને પરવાનગી સંબંધિત નિયમોના ઉલ્લંઘનનો મામલો (Ahmedabad RTO Action) સામે આવ્યો છે. અમદાવાદ RTO દ્વારા હાથ ધરવામાં આવેલી વિશેષ તપાસ દરમિયાન કુલ 31 વાહનો ડિટેઈન (31 Vehicles Detained) કરવામાં આવ્યાં છે અને અંદાજે રૂ.5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સાથે સંબંધિત એગ્રીગેટર કંપનીઓને પણ નોટિસ પાઠવીને જવાબદારી અંગે સ્પષ્ટતા માગવામાં આવી છે.
Ahmedabad RTO Action: નોન-ટ્રાન્સપોર્ટ વાહનોનો કોમર્શિયલ ઉપયોગ
નિયમો મુજબ એગ્રીગેટર પ્લેટફોર્મ સાથે જોડાતાં વાહનોનું જરૂરી ટ્રાન્સપોર્ટ રજિસ્ટ્રેશન અને સંબંધિત પરવાનગી હોવી જરૂરી છે. જોકે, RTOની તપાસમાં નોન-ટ્રાન્સપોર્ટ તરીકે નોંધાયેલી બાઇકનો કોમર્શિયલ ઉપયોગ થતો હોવાનું સામે (Bike Taxi Rules Gujarat) આવ્યું છે.
આ કાર્યવાહી દરમિયાન ઓલા, ઉબર અને રેપિડો સાથે સંકળાયેલા 10 બાઇકચાલકોનાં વાહનો ડિટેઈન કરાયાં હતાં. આ ઉપરાંત રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને હરિયાણા સહિત અન્ય રાજ્યોમાં નોંધાયેલી 21 કાર પણ અમદાવાદમાં કોમર્શિયલ ઉપયોગમાં લેવાતી હોવાનું તપાસમાં જણાયું હતું. આમ, કુલ 31 વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
એગ્રીગેટર કંપનીઓને RTOની નોટિસ
RTOએ વાહનચાલકોની સાથે એગ્રીગેટર કંપનીઓની જવાબદારી અંગે પણ સવાલ ઉઠાવ્યા છે. આ મામલે ઓલા, ઉબર અને રેપિડો કંપનીઓને સત્તાવાર નોટિસ પાઠવવામાં આવી છે. રાજ્યમાં મળેલી પરવાનગી અને વાસ્તવિક કામગીરી વચ્ચે તફાવત હોવાની બાબત નોટિસમાં દર્શાવવામાં આવી હોવાનું જાણવા મળે છે.
RTOના અહેવાલ મુજબ, રેપિડો પાસે ગુજરાતમાં માત્ર રિક્ષા સંચાલન માટેનું લાયસન્સ હોવા છતાં કાર અને બાઇકનું સંચાલન થતું હોવાનો મુદ્દો સામે આવ્યો છે. બીજી તરફ, ઉબર પાસે કાર અને રિક્ષા સંચાલન માટેની પરવાનગી હોવા છતાં બાઇકનો કોમર્શિયલ ઉપયોગ થતો હોવાની નોંધ કરવામાં આવી છે.
સસ્તી સવારીની સાથે સુરક્ષાનો સવાલ
ઓલા, ઉબર અને રેપિડો જેવી સેવાઓથી મુસાફરોને ઘરઆંગણે ઝડપી અને સુવિધાજનક પરિવહન મળે છે. જોકે, વાહનનું યોગ્ય રજિસ્ટ્રેશન, પરવાનગી અને કાયદાકીય નિયમોનું પાલન મુસાફરોની સુરક્ષા માટે પણ મહત્ત્વનું છે.
હવે RTOની નોટિસના જવાબમાં કંપનીઓ શું રજૂઆત કરે છે અને નિયમોનું ઉલ્લંઘન કરતાં વાહનો સામે આગળ કેવા પગલાં લેવાય છે તેના પર નજર રહેશે. આ કાર્યવાહીથી એગ્રીગેટર કંપનીઓની કામગીરી અને તેમની સાથે જોડાયેલા વાહનોની કાયદેસરતા અંગે પણ ચર્ચા શરૂ થઈ છે.
આ પણ વાંચો: 8 દિવસથી સર્વર ડાઉન! 50 હજારથી વધુ અરજદારો પર અસર, RTOમાં વધી મુશ્કેલીઓ
આ પણ વાંચો: ડિજિટાઇઝેશનના દાવાથી વિપરીત હકીકતઃ 2023નો ડેટા દર્શાવતી RTO વેબસાઇટ
આ પણ વાંચો: અમદાવાદ, વડોદરા, સુરત રાજકોટ RTO ને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા મચી દોડધામ
