Ahmedabad RTO Bomb Threat: અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો દ્વારા ધમકીઓ આપવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. શાળાઓ, કોર્ટ અને પાસપોર્ટ ઓફિસ બાદ હવે આ બોમ્બની ધમકીનો સિલસિલો ટ્રાન્સપોર્ટ વિભાગ સુધી પહોંચી ગયો છે. અમદાવાદ આરટીઓ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે. ઘટનાને પગલે આખી કચેરી ખાલી કરાવી દેવામાં આવી છે. અમદાવાદ ઉપરાંત વડોદરા, સુરત, રાજકોટ અને પાટણની આરટીઓ કચેરીને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. તેના લીધે રાજ્યના પાંચેય આરટીઓમાં દૈનિક કામગીરી ખોરવાઈ હતી.
RTO કચેરી તાત્કાલિક ખાલી કરાવાઈ
પ્રાપ્ત વિગતો અનુસાર, સોમવારે RTO કચેરીને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. ધમકી મળતા જ અધિકારીઓએ સમયસૂચકતા વાપરીને તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાણીપ પોલીસનો કાફલો ગણતરીની મિનિટોમાં જ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સુરક્ષાના ભાગરૂપે પોલીસે તાત્કાલિક આખી RTO કચેરી ખાલી કરાવી દીધી હતી.
ટ્રેક ટેસ્ટ આપવા આવેલા અરજદારો અટવાયા
આ ધમકીને કારણે RTO ની રોજિંદી કામગીરી સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. સોમવાર હોવાથી મોટી સંખ્યામાં અરજદારો લર્નિંગ લાયસન્સ, વાહન પાસિંગ અને ડ્રાઇવિંગ ટ્રેક ટેસ્ટ માટે કચેરીએ પહોંચ્યા હતા. પરંતુ સુરક્ષાના કારણોસર પોલીસે ટેસ્ટની કામગીરી અટકાવી દીધી હતી અને ટ્રેક ટેસ્ટ માટે આવેલા તમામ લોકોને પરત મોકલી દીધા હતા.
બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડનું સર્ચ ઓપરેશન શરૂ
હાલમાં રાણીપ પોલીસની સાથે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને ડોગ સ્ક્વોડની ટીમો RTO ખાતે પહોંચી ગઈ છે. કચેરીના દરેક રૂમ, પાર્કિંગ એરિયા અને આસપાસના પરિસરની સઘન તપાસ કરવામાં આવી રહી છે. કોઈ શંકાસ્પદ વસ્તુ છે કે નહીં તે સુનિશ્ચિત કરવા માટે આખું પરિસર કોર્ડન કરી લેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ અમદાવાદમાં અનેક મહત્વની સંસ્થાઓને આવી ફેક ધમકીઓ મળી ચૂકી છે. ત્યારે હવે RTO ને મળેલી આ ધમકી પાછળ કોઈની શરારત છે કે કોઈ મોટું કાવતરું, તે પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.
રાજકોટ RTO ને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી
અમદાવાદ RTO બાદ હવે રાજકોટ આરટીઓ (પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી) ને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા વહીવટી તંત્ર અને સ્થાનિક પોલીસ વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે. આ ધમકીભર્યા મેસેજ બાદ સુરક્ષાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી સમગ્ર કચેરી ખાલી કરાવી દેવામાં આવી છે. ઘટનાની ગંભીરતા પારખીને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે
