India News: મધ્યપ્રદેશના મંડલા જિલ્લામાં બનેલી ઘટનાએ દેશની આરોગ્ય વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. 21 વર્ષીય અજય બરૈયાનું હોસ્પિટલ લઈ જતી સરકારી એમ્બ્યુલન્સમાં ઓક્સિજન (Oxygen) સમાપ્ત થઈ જતાં મોત થયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. મૃતકના પિતાનો દાવો છે કે રસ્તામાં જ તેમના પુત્રે તેમની ગોદમાં અંતિમ શ્વાસ લીધા હતા. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પ્રશાસને ચાર સભ્યોની તપાસ સમિતિ બનાવી છે.
એમ્બ્યુલન્સમાં oxygen ખૂટતાં 21 વર્ષીય દર્દીનું મોત
મંડલા જિલ્લાના બમ્હની પોલીસ સ્ટેશન વિસ્તારના સુનહેરા માલ ગામના રહેવાસી અજય બરૈયા કિડનીની બીમારીથી પીડિત હતા અને તેમની જિલ્લા હોસ્પિટલમાં નિયમિત ડાયાલિસિસ ચાલી રહી હતી. 27 જુલાઈએ તેમની તબિયત અચાનક બગડતાં પરિવારજનોએ સરકારી એમ્બ્યુલન્સને ફોન કરીને બોલાવી હતી.
પરિવારના જણાવ્યા મુજબ, એમ્બ્યુલન્સ (Ambulance)મોડેથી પહોંચી હતી. દર્દીને શ્વાસ લેવામાં ભારે તકલીફ હોવા છતાં શરૂઆતમાં ઓક્સિજન આપવામાં આવ્યું નહોતું. બાદમાં આરોગ્ય કેન્દ્રથી જિલ્લા હોસ્પિટલ રિફર કરાયા પછી ઓક્સિજન આપવામાં આવ્યું, પરંતુ રસ્તામાં જ ઓક્સિજન સમાપ્ત થઈ ગયું હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.
હોસ્પિટલ પહોંચતા પહેલાં પિતાની ગોદમાં તોડ્યો દમ
મૃતકના પિતાએ જણાવ્યું કે એમ્બ્યુલન્સમાં ઓક્સિજન ખૂટી જતાં તેમના પુત્રની હાલત સતત બગડતી ગઈ. હોસ્પિટલ પહોંચતા પહેલાં જ અજયે તેમના ખોળામાં અંતિમ શ્વાસ લીધા. પરિવારનો દાવો છે કે જો સમગ્ર મુસાફરી દરમિયાન પૂરતું ઓક્સિજન ઉપલબ્ધ હોત તો તેમના પુત્રનો જીવ બચી શક્યો હોત. પરિવારે એમ પણ જણાવ્યું કે એમ્બ્યુલન્સને ફોન કર્યા બાદ તે પહોંચવામાં લગભગ એક કલાકનો સમય લાગ્યો હતો. ત્યારબાદ માત્ર ત્રણ કિલોમીટરના અંતરે જિલ્લા હોસ્પિટલ જતી વખતે ઓક્સિજન ખૂટી જતાં આ દુઃખદ ઘટના બની.
વાયરલ વીડિયો બાદ પ્રશાસન હરકતમાં
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. વીડિયોમાં એમ્બ્યુલન્સની અંદર સ્ટ્રેચર પર દર્દી અને તેની બાજુમાં બેઠેલા પિતા નજરે પડે છે. જોકે, વીડિયોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી. ઘટનાએ સરકારી આરોગ્ય સેવાઓ અને ઇમરજન્સી મેડિકલ સુવિધાઓ અંગે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. ખાસ કરીને એમ્બ્યુલન્સ જેવી જીવનરક્ષક સેવામાં ઓક્સિજન જેવી મૂળભૂત સુવિધાની ઉપલબ્ધતા અંગે લોકોમાં ચિંતા વધી છે.
ચાર સભ્યોની તપાસ સમિતિની રચના
મંડલાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ડી. જે. મોહંતીએ જણાવ્યું કે સમગ્ર મામલો વિભાગ (Mandla Health Department)ના ધ્યાનમાં આવતા જ ચાર સભ્યોની તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિને તાત્કાલિક તપાસ પૂર્ણ કરીને અહેવાલ સોંપવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
બીજી તરફ, રાજ્યના કેબિનેટ મંત્રી સંપતિયા ઉઇકેએ પણ ઘટનાને ગંભીર ગણાવી તપાસના આદેશ આપ્યા છે. તેમણે જણાવ્યું કે જો તપાસમાં એમ્બ્યુલન્સ સેવામાં કોઈપણ પ્રકારની બેદરકારી (Hospital Negligence)સામે આવશે તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ પ્રશાસન સમગ્ર ઘટનાની તમામ પરિસ્થિતિઓની તપાસ કરી રહ્યું છે.
આ પણ વાંચો: ઉત્તરપ્રદેશના કનૌજમાં ઓક્સિજન ખૂટી જતા ચાર કોરોના દર્દીના મોત
આ પણ વાંચો: ઓક્સીજન બાદ હવે મહારાષ્ટ્ર માં રસી પણ ખૂટી સૌથી મોટા રસીકરણ કેન્દ્ર બહાર જોવા મળી ભીડ
