National News/ IIT બોમ્બેમાં વિદ્યાર્થીના મોત બાદ મોટો વિવાદ, ડીન સસ્પેન્ડ; અગાઉના નિવેદન બદલ માંગી માફી

આઈઆઈટી બોમ્બેના વિદ્યાર્થી Sahil Wakode ના મોત મામલે પ્રોફેસર સૂર્યનારાયણ દુલ્લા સસ્પેન્ડ થયા છે. સંસ્થાએ અગાઉના નિવેદન બદલ માફી માંગી છે અને કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે.

NATIONAL Top Stories India
Sahil Wakode

IIT Bombay Student Sahil Wakode Death:  IIT બોમ્બેમાં BTech વિદ્યાર્થી સાહિલ વાકોડેના મોત બાદ સંસ્થામાં ભારે વિરોધ વચ્ચે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સંસ્થાએ પ્રોફેસર સૂર્યનારાયણ દુલ્લાને ડીન પદેથી સસ્પેન્ડ કર્યા છે. સાથે જ IIT બોમ્બેએ પોતાના અગાઉના નિવેદન અંગે માફી માગી છે. સંસ્થાએ સ્વીકાર્યું કે સમગ્ર ઘટનાની તપાસ પૂર્ણ થાય તે પહેલાં કોઈ નિષ્કર્ષ જાહેર કરવો યોગ્ય નહોતો.

22 વર્ષીય સાહિલના મોતથી શરૂ થયો વિવાદ

22 વર્ષીય સાહિલ(Sahil Wakode) એનર્જી સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ વિભાગમાં સેકન્ડ યરની BTechનો વિદ્યાર્થી હતો. 18 સપ્ટેમ્બરની રાત્રે તે પવઈ કેમ્પસના હોસ્ટેલ રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. ત્યારબાદ IIT બોમ્બેએ 19 સપ્ટેમ્બરે ઘટનાને લઈને એક નિવેદન જાહેર કર્યું હતું, જેમાં પરીક્ષા દરમિયાન ફોનના ઉપયોગ અંગેની માહિતી આપવામાં આવી હતી. હવે સંસ્થાએ અગાઉની વાતને લઈને સ્પષ્ટતા કરી છે અને કહ્યું છે કે તપાસ પૂર્ણ થાય તે પહેલાં ઘટનાના કારણો અંગે કોઈ વાત કહેવી યોગ્ય નહોતી.

ડીન સામે પરિવારના ગંભીર આક્ષેપ

સાહિલના(Sahil Wakode) માતા-પિતાએ પ્રોફેસર દુલ્લા સહિત કેટલાક લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પરિવારનો આક્ષેપ છે કે સાહિલને લાંબા સમયથી માનસિક રીતે પરેશાન કરવામાં આવતો હતો અને તેની સાથે જાતિસૂચક અપમાનજનક વર્તન કરવામાં આવ્યું હતું. ફરિયાદમાં IIT બોમ્બેના ડિરેક્ટર સહિત કેટલાક ફેકલ્ટી સભ્યો અને અધિકારીઓના નામ પણ આપવામાં આવ્યા છે. જોકે, આ તમામ આરોપોની સત્તાવાર તપાસ હજુ ચાલી રહી છે. પોલીસે આત્મહત્યા માટે ઉશ્કેરણી અને SC/ST Act હેઠળ સંબંધિત કલમોમાં કેસ નોંધ્યો હોવાનું જણાવાયું છે. હવે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. તપાસ દરમિયાન સંબંધિત પ્રોફેસર અને અન્ય લોકોની પૂછપરછ થઈ શકે છે.

વિદ્યાર્થીઓની 18 માંગણીઓ

સાહિલના(Sahil Wakode) મોત બાદ 400થી વધુ વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીઓએ સંસ્થા પાસે 18 માંગણીઓ મૂકી છે. તેમાં જાહેર માફી, નિયમિત અપડેટ, વરિષ્ઠ અધિકારીઓ સાથે ઓપન હાઉસ અને વિદ્યાર્થીઓના પરિવારને સહાય જેવી માંગણીઓ સામેલ છે. વિદ્યાર્થીઓએ માંગણીઓ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ ન થાય તો જવાબદાર અધિકારીઓના રાજીનામાની પણ માંગ કરી છે.

મિડ-સેમેસ્ટર પરીક્ષાઓ પણ મુલતવી

વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે IIT બોમ્બેએ મિડ-સેમેસ્ટર પરીક્ષાઓ મુલતવી રાખી છે. સમગ્ર ઘટનાએ IITમાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક દબાણ, માનસિક સ્વાસ્થ્ય અને સંસ્થાકીય જવાબદારી અંગે પણ ચર્ચા જગાવી છે. હાલ સાહિલના મોતના કારણો અને પરિવાર દ્વારા કરવામાં આવેલા આરોપોની તપાસ ચાલુ છે.


આ પણ વાંચો:IITના 36 ટકા વિદ્યાર્થીઓ બેરોજગાર મુદ્દે રાહુલ ગાંધીના ટ્વીટ પર IIT બોમ્બેની પ્રતિક્રિયા, શેર કર્યો ડેટા

આ પણ વાંચો:IIT બોમ્બેમાં વિદ્યાર્થીના મોત બાદ મોટો વિવાદ, ડીન સસ્પેન્ડ; અગાઉના નિવેદન બદલ માંગી માફી

આ પણ વાંચો:કેમ્પસ પ્લેસમેન્ટમાં IITના 85 વિદ્યાર્થીઓને રૂ. 1 કરોડના પેકેજ સાથે નોકરી મળી, 63ને આંતરરાષ્ટ્રીય ઓફર મળી