Business News: હવાઈ મુસાફરી કરતા મુસાફરો માટે ટિકિટના ખર્ચમાં વધારો થવાનો છે. એરલાઇન્સ દ્વારા ઇંધણ સરચાર્જ(fuel surcharges)માં વધારો કરવામાં આવ્યો છે. નવા દર 9 ઑક્ટોબર, 2026થી કરવામાં આવેલા નવા બુકિંગ પર લાગુ થશે. સ્થાનિક ફ્લાઇટમાં મુસાફરીના અંતર પ્રમાણે મુસાફરોએ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે.
હવાઈ મુસાફરો માટે મોટો ઝટકો
વિશ્વમાં વધતા ભૌગોલિક તણાવ વચ્ચે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ એટલે કે ATFના ભાવમાં વધારો થયો છે. એરલાઇન્સના ખર્ચમાં ઇંધણનો હિસ્સો મોટો હોવાથી વધતા ભાવની સીધી અસર ઓપરેશનલ ખર્ચ પર પડી રહી છે. આ વધારાના ખર્ચને આંશિક રીતે સરભર કરવા માટે ફ્યુઅલ સરચાર્જ વધારવામાં આવ્યો છે.
સ્થાનિક ફ્લાઇટમાં નવા fuel surcharges
એર ઇન્ડિયાએ અંતરના આધારે સ્થાનિક ફ્લાઇટ માટે નવા સ્લેબ જાહેર કર્યા છે:
0થી 500 કિમી: 400
501થી 1000 કિમી: 600
1001થી 1500 કિમી: 850
1501થી 2000 કિમી: 1200
2000 કિમીથી વધુ: 1200
અગાઉ 0થી 500 કિમીના રૂટ માટે 299 સરચાર્જ હતો, જ્યારે 1501થી 2000 કિમી માટે 749 વસૂલવામાં આવતો હતો.
આંતરરાષ્ટ્રીય રૂટ પર પણ ફેરફાર
એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસે પસંદગીના આંતરરાષ્ટ્રીય રૂટ માટે પણ સરચાર્જમાં ફેરફાર કર્યો છે. ઉત્તર અમેરિકા માટેનો ચાર્જ 280થી ઘટીને 215 અને ઓસ્ટ્રેલિયા માટે 280થી ઘટીને 210 કરવામાં આવ્યો છે. યુકે સહિત યુરોપ માટે પણ સરચાર્જ 205થી ઘટાડીને 135 કરાયો છે. બીજી તરફ, પશ્ચિમ એશિયા અને મધ્ય પૂર્વના રૂટ માટે સરચાર્જ $50થી વધારીને $55 કરવામાં આવ્યો છે. આ ચાર્જ એક તરફની મુસાફરી માટે લાગુ પડશે.
Akasa Airએ પણ વધાર્યો ચાર્જ
એર ઇન્ડિયા ગ્રુપ બાદ Akasa Air દ્વારા પણ ફ્યુઅલ સરચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. સ્થાનિક ફ્લાઇટ્સ માટે નવા દર આ પ્રમાણે રહેશે:
0થી 500 કિમી: 375
501થી 1000 કિમી: 600
1001થી 1500 કિમી: 900
1501 કિમી કે તેથી વધુ: 1150
આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં ભારતથી કુવૈત, કતાર, સાઉદી અરેબિયા, UAE, થાઇલેન્ડ અને વિયેતનામ જતા મુસાફરો પાસેથી 2500 પ્રતિ મુસાફર ફ્યુઅલ સરચાર્જ વસૂલવામાં આવશે.
9 ઑક્ટોબરથી નવા દર લાગુ
એર ઇન્ડિયા(Air India) એક્સપ્રેસમાં 9 ઑક્ટોબરે રાત્રે 12 વાગ્યાથી કરવામાં આવેલા નવા બુકિંગ પર વધેલો સરચાર્જ લાગુ થશે. એર ઇન્ડિયા માટે 9 ઑક્ટોબરે સવારે 11 વાગ્યાથી કરવામાં આવેલા નવા બુકિંગ પર નવા દર લાગુ થશે. અગાઉથી બુક કરાયેલી ટિકિટો(Flight Ticket) પર સામાન્ય રીતે આ વધારો લાગુ નહીં પડે. જોકે, બાદમાં મુસાફરીની તારીખ અથવા રૂટમાં ફેરફાર કરીને ભાડાની પુનઃગણતરી કરાવવી પડે તો નવા સરચાર્જના દર લાગુ થઈ શકે છે.
આ પણ વાંચો: નાગરિકોને ઓછા દરે વીજળી પૂરી પાડવા જુલાઈ-2025થી ફ્યુઅલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટ 15 પૈસાનો ઘટાડો કરાયો
આ પણ વાંચો: હવાઈ મુસાફરી થશે સસ્તી? આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ માટે જેટ ફ્યુઅલના ભાવમાં મોટો ઘટાડો
આ પણ વાંચો: અમદાવાદના મુસાફરોને મોટો આંચકો; વિમાનના ઈંધણ (ATF) ના ભાવ વધતા હવાઈ મુસાફરી મોંઘી
