World News:: ગ્રીન કાર્ડ(Green Card)ના મોરચે ટ્રમ્પ વહીવટીતંત્રે એવો મોટો નિર્ણય લીધો છે, જેની સીધી અસર અમેરિકામાં નોકરી કરતા ભારતીયો અને ભારતીય IT કંપનીઓ પર પડશે. ગુરુવારે અમેરિકાના શ્રમ વિભાગે આઠ મોટી ટેક કંપનીઓને પરમેનન્ટ લેબર સર્ટિફિકેશન પ્રક્રિયામાંથી બહાર કરી દીધી. વિદેશી કર્મચારીઓને સ્પોન્સર કરવા માટે કંપનીઓએ આ પ્રક્રિયામાંથી પસાર થવું ફરજિયાત છે.
Green Cardના મોરચે ટ્રમ્પ વહીવટીતંત્રનો મોટો નિર્ણય
વેન્સ એન્ટી-ફ્રોડ ટાસ્ક ફોર્સના વડા પણ છે. સોન્ડરલિંગે જણાવ્યું કે કોગ્નિઝન્ટ, ઈન્ફોસિસ (Infosys), ટાટા, વિપ્રો, HCL અને કેપજેમિની જેવી વિશ્વની મોટી આઉટસોર્સિંગ કંપનીઓને પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ કરાઈ છે. ચાલુ ફેડરલ તપાસોને કારણે માઇક્રોસોફ્ટ (Microsoft) અને એડોબ પર પણ સમાન કાર્યવાહી થઈ છે. વિભાગ હવે આ કંપનીઓની નવી અરજી લેશે નહીં, અને જે અરજીઓ પહેલેથી પેન્ડિંગ છે તેની પ્રક્રિયા પણ આગળ વધારશે નહીં.
કેમ લેવાયું આ કડક પગલું?
સોન્ડરલિંગના કહેવા મુજબ, 2009 પછી આ કંપનીઓએ લગભગ 30 લાખ વિદેશી કામદારો માટે માંગણી કરી છે. તેમને 2.30 લાખથી વધુ વિઝા મંજૂરીઓ અને 1 લાખથી વધુ લેબર સર્ટિફિકેશન મળ્યા છે. તેમણે દાવો કર્યો કે તેનો અર્થ એ થયો કે લાખો નોકરીઓ અમેરિકન કામદારોના હાથમાંથી જતી રહી.
માઇક્રોસોફ્ટ વિશે વેન્સનું આકરું નિવેદન
વેન્સે ખાસ કરીને માઇક્રોસોફ્ટનું નામ લીધું.તેમણે જણાવ્યું કે કંપનીએ 6,000 અમેરિકન કર્મચારીઓની નોકરી લીધી, જ્યારે સામે તેને 6,300 વિઝા મંજૂરી અને અંદાજે 3,000 ગ્રીન કાર્ડનો ફાયદો થયો. તેમણે કહ્યું કે અમેરિકનોને કાઢીને તેમની જગ્યાએ વિદેશી બંધુઆ મજૂરો રાખવાની છૂટ ન મળી શકે. વેન્સે એવો આક્ષેપ પણ કર્યો કે આ સિસ્ટમનો સૌથી વધુ દુરુપયોગ માઇક્રોસોફ્ટે કર્યો છે.
ભારતીય કર્મચારીઓ પર શું અસર?
ગ્રીન કાર્ડ મેળવવાની સફરનું પહેલું અને નિર્ણાયક પગલું PERM (PERM) છે. એટલે આ આઠ કંપનીઓની નવી અને અટવાયેલી બંને પ્રકારની ગ્રીન કાર્ડ પ્રક્રિયા હાલ થંભી જશે. આ કંપનીઓમાં એચ-1બી (H-1B) વિઝા પર કામ કરતા કર્મચારીઓ હાલના વિઝા પર જ રહેશે અને તેમની ગ્રીન કાર્ડની રાહ લંબાઈ શકે છે. નોંધનીય છે કે આ રોક ગ્રીન કાર્ડની પ્રક્રિયા પર છે, હાલના વિઝા સ્ટેટસ પર નહીં.
શ્રમ વિભાગના જણાવ્યા પ્રમાણે, આ કંપનીઓ સામે ફેડરલ તપાસ પૂરી ન થાય ત્યાં સુધી અરજીઓ સ્વીકારવાનું અને પેન્ડિંગ કેસ આગળ વધારવાનું બંધ રહેશે.
સપ્ટેમ્બરથી જ શરૂ થઈ ગયા હતા સંકેતો
આ કાર્યવાહી અચાનક થઈ નથી. સપ્ટેમ્બરમાં શ્રમ વિભાગના ઇન્સ્પેક્ટર જનરલ એન્થની ડી’એસ્પોસિટોએ કોગ્નિઝન્ટની અરજીઓ અટકાવાયાની માહિતી આપી હતી અને અન્ય કંપનીઓ સામે પણ પગલાંનો ઈશારો કર્યો હતો. વિભાગ વિઝા અને લેબર સર્ટિફિકેશન પ્રક્રિયામાં કથિત ગેરરીતિઓની તપાસ કરી રહ્યો છે. જોકે કોગ્નિઝન્ટ સામેના ચોક્કસ આરોપોની વિગતો હજી જાહેર કરાઈ નથી.
આ પણ વાંચો:નોબેલ જોઈએ જ છે! ટ્રમ્પ વારંવાર દાવો કરે છે, પણ શાંતિ પુરસ્કારથી હજુ કેમ દૂર?
આ પણ વાંચો:અમેરિકા પર ઈરાનનો મોટો ખતરો, ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યા ચેતવણીના સંકેતો
