India News:હવાઈ મુસાફરી (Air travel)કરનારા લોકોના ખિસ્સા પર હવે વધુ ભાર પડવાનો છે. એર ઈન્ડિયા (Air India), એર ઈન્ડિયા એક્સપ્રેસ અને અકાસા એર દ્વારા ફ્યુઅલ સરચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. 9 ઓક્ટોબર, 2026થી લાગુ થનારા નવા દરો મુજબ, સ્થાનિક ફ્લાઇટમાં મુસાફરી કરતા લોકોએ અંતરના આધારે વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. એર ઈન્ડિયા ગ્રુપની ફ્લાઇટ્સમાં આ સરચાર્જ 400થી 1,200 સુધી રહેશે.
Air travel :ATFના ભાવ વધતાં એરલાઇન્સે લીધો નિર્ણય
વિશ્વભરમાં વધી રહેલા તણાવ વચ્ચે વિમાનમાં વપરાતા ઇંધણ એટલે કે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)ના ભાવમાં વધારો થયો છે. એરલાઇન્સના કુલ ખર્ચમાં ઇંધણનો મોટો હિસ્સો હોય છે. વધતા ખર્ચની અસર ઘટાડવા માટે કંપનીઓએ મુસાફરો પાસેથી વસૂલવામાં આવતા ફ્યુઅલ સરચાર્જમાં વધારો કર્યો છે.
એર ઈન્ડિયાની ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં કેટલો સરચાર્જ?
એર ઈન્ડિયાએ એપ્રિલ 2026માં સ્થાનિક ફ્લાઇટ્સ માટે અંતરના આધારે અલગ-અલગ ફ્યુઅલ સરચાર્જ નક્કી કર્યો હતો. હવે આ દરોમાં વધારો કરવામાં આવ્યો છે.નવા દરો પ્રમાણે 500 કિલોમીટર સુધીની મુસાફરી માટે ₹400, 501થી 1,000 કિલોમીટર માટે ₹600 અને 1,001થી 1,500 કિલોમીટર માટે ₹850 ચૂકવવા પડશે. 1,501થી 2,000 કિલોમીટર સહિતના લાંબા રૂટ પર ₹1,200નો સરચાર્જ લાગુ થશે.

આંતરરાષ્ટ્રીય મુસાફરીના સરચાર્જમાં પણ ફેરફાર
એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસે કેટલાક આંતરરાષ્ટ્રીય રૂટ પર પણ ફ્યુઅલ સરચાર્જના દર બદલ્યા છે. જોકે, દરેક રૂટ પર વધારો કરવામાં આવ્યો નથી.ઉત્તર અમેરિકા (America)માટેનો સરચાર્જ $280થી ઘટાડીને $215 કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયા માટે તે $280થી ઘટીને $210 થયો છે. યુકે સહિત યુરોપના રૂટ પર સરચાર્જ $205થી ઘટાડીને $135 કરાયો છે.
9 ઓક્ટોબરથી નવા દરો ક્યારે લાગુ પડશે?
એર ઈન્ડિયા એક્સપ્રેસમાં 9 ઓક્ટોબર, 2026ના રોજ રાત્રે 12 વાગ્યાથી કરવામાં આવતાં નવા બુકિંગ પર વધેલો સરચાર્જ લાગુ થશે. જ્યારે એર ઈન્ડિયામાં 9 ઓક્ટોબરના રોજ સવારે 11 વાગ્યાથી કરવામાં આવેલા નવા બુકિંગ માટે નવા દરો લાગુ પડશે.પહેલેથી બુક કરાયેલી ટિકિટ પર સામાન્ય રીતે આ વધારો લાગુ નહીં થાય. જોકે, મુસાફર પોતાની મુસાફરીની તારીખ અથવા રૂટમાં ફેરફાર કરે અને તેના કારણે ભાડાની ફરી ગણતરી થાય, તો નવા સરચાર્જ પ્રમાણે વધારાની રકમ ચૂકવવી પડી શકે છે.
અકાસા એરએ પણ વધાર્યો ફ્યુઅલ સરચાર્જ
ફ્યુઅલ સરચાર્જ વધારનાર એરલાઇન્સમાં અકાસા એરનો પણ સમાવેશ થાય છે. કંપનીએ 9 ઓક્ટોબર, 2026ના રોજ રાત્રે 12:01 વાગ્યાથી કરવામાં આવેલા નવા બુકિંગ માટે સુધારેલા દરો જાહેર કર્યા છે.અકાસા એરએ માર્ચ 2026માં સૌપ્રથમ ફ્યુઅલ સરચાર્જ લાગુ કર્યો હતો. તે સમયે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં રૂટ તથા ફ્લાઇટના સમયગાળા પ્રમાણે પ્રતિ સેક્ટર ₹199થી ₹1,300 સુધીનો ચાર્જ હતો.
અકાસા એરનાં નવા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય દરો
અકાસા એર દ્વારા સ્થાનિક ફ્લાઇટ માટે અંતરના આધારે નવા સરચાર્જ નક્કી કરવામાં આવ્યા છે. 500 કિલોમીટર સુધીના રૂટ માટે ₹375, 501થી 1,000 કિલોમીટર માટે ₹600, 1,001થી 1,500 કિલોમીટર માટે ₹900 અને 1,501 કિલોમીટર કે તેથી વધુ અંતર માટે ₹1,150 ચૂકવવા પડશે.આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં ભારતથી કુવૈત, કતાર, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત (UAE), થાઇલેન્ડ અને વિયેતનામ જતાં મુસાફરો માટે પ્રતિ મુસાફર ₹2,500નો ફ્યુઅલ સરચાર્જ નક્કી કરવામાં આવ્યો છે.
મુસાફરોના બજેટ પર પડશે અસર
ત્રણ એરલાઇન્સ દ્વારા ફ્યુઅલ સરચાર્જ (Fuel Surcharge)માં કરવામાં આવેલા ફેરફારને કારણે હવાઈ મુસાફરીનું કુલ ભાડું વધવાની શક્યતા છે. ખાસ કરીને ટિકિટ બુક કરાવતી વખતે મુસાફરોએ મૂળ ભાડા ઉપરાંત લાગતા સરચાર્જ અને અન્ય ચાર્જ પણ ધ્યાનમાં લેવા પડશે.
આ પણ વાંચો:સુરત એરપોર્ટ પર ફ્લાઇટમાં નોંધપાત્ર ઘટાડો, મુસાફરોની સંખ્યા ઘટ્યાનો એરલાઇન્સનો દાવો
આ પણ વાંચો:મધ્ય પૂર્વના તણાવથી એરલાઇન્સ પર સંકટ
આ પણ વાંચો:અમદાવાદમાં ₹2.58 કરોડના દાગીનાનું પાર્સલ ગાયબ, અકાશા એરલાઇન્સ વિરુદ્ધ ફરિયાદ
