Junagadh News: જૂનાગઢમાં આગામી મહિને અગિયારસથી શરૂ થનારી ગિરનારની પવિત્ર લીલી પરિક્રમાને લઈને (Girnar Lili Parikrama 2026) વહીવટી તંત્રએ તૈયારીઓ તેજ કરી છે. વર્ષ 2025માં ભારે વરસાદને કારણે પરિક્રમા યોજાઈ શકી નહોતી, ત્યારે આ વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી શક્યતા છે. અંદાજે 5થી 7 લાખ ભક્તોની અવરજવરને ધ્યાનમાં રાખીને જૂનાગઢ જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીએ મહાનગરપાલિકા, પોલીસ અને વન વિભાગની ટીમો સાથે પરિક્રમા રૂટનું સ્થળ નિરીક્ષણ કરી પાણી, આરોગ્ય, ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
Girnar Lili Parikrama 2026: રસ્તા, વીજળી અને આરોગ્ય સહિતની સુવિધાઓ પર ભાર
ચોમાસાની સિઝન પૂર્ણ થતાં જ પરિક્રમા રૂટ પર રસ્તાઓનું સમારકામ, પીવાના પાણીની વ્યવસ્થા અને વીજળીની સુવિધાઓ ઊભી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પરિક્રમાના પ્રવેશદ્વારથી લઈને સમગ્ર રૂટ પર શ્રદ્ધાળુઓને જરૂરી સુવિધાઓ મળી રહે તે માટે સંબંધિત વિભાગોને કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના (Girnar Parikrama Preparation) આપવામાં આવી છે.
શ્રદ્ધાળુઓની સલામતી માટે પોલીસ અને વન વિભાગ વચ્ચે સંકલન જાળવીને કર્મચારીઓની તૈનાતીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આરોગ્ય સેવાઓ, લાઇટિંગ અને અન્ય પ્રાથમિક સુવિધાઓની પણ સમીક્ષા કરવામાં આવી છે.
ટ્રાફિક અને ભીડ નિયંત્રણ માટે ખાસ આયોજન
પાંચ દિવસ ચાલતી લીલી પરિક્રમામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોવાથી ટ્રાફિક અને ભીડનું વ્યવસ્થાપન મહત્ત્વનું રહેશે. બહારના જિલ્લાઓમાંથી આવતા વાહનો માટે યોગ્ય પાર્કિંગની વ્યવસ્થા કરવા તેમજ પાર્કિંગ સ્થળેથી શ્રદ્ધાળુઓની અવરજવર સરળ રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે.
ખાસ કરીને બોરદેવીથી ઉતરતી વખતે ભીડનું નિયંત્રણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. પરિક્રમા રૂટ પર શૌચાલય, પીવાનું પાણી (Water Facility) અને અન્ય પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરવા તંત્રને સૂચના અપાઈ છે. મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાના હોવાથી સ્વચ્છતા જાળવવા અને રસ્તાઓનું સમારકામ સમયસર પૂર્ણ કરવા પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.
પાણીની અછત ન સર્જાય તે માટે નવા બોર બનાવાશે
આ વર્ષે વરસાદનું પ્રમાણ ઓછું રહેવાને કારણે જંગલ વિસ્તારનાં પ્રાકૃતિક પાણીનાં સ્ત્રોતો અને નદીઓમાં પાણીની અછત સર્જાવાની શક્યતા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા પાણીની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે.
અગાઉ ઉપલબ્ધ 19 બોરની સામે આ વખતે વધારાના 10થી 12 નવા બોર તૈયાર કરવાની યોજના બનાવવામાં આવી છે. વોટર સપ્લાય ટીમ દ્વારા સ્થળ તપાસ અને ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે, જેમાં હાલ 12 બોરમાં પાણી ઉપલબ્ધ હોવાનું જાણવા મળ્યું છે. આગામી 15 તારીખ સુધીમાં તમામ નવા બોર કાર્યરત કરવાનું આયોજન છે. જૂના અને નવા પાણીના સ્ત્રોતો મળીને પરિક્રમા રૂટ પર કુલ 30થી 32 પાણીના પોઈન્ટ્સ ઊભા કરવામાં આવશે, જેથી શ્રદ્ધાળુઓને પીવાના પાણીની સુવિધા મળી રહે.
સિંહની અવરજવર પર નજર, ફોરેસ્ટ ટ્રેકર્સ રહેશે તૈનાત
ગિરનારનો જંગલ વિસ્તાર ભૌગોલિક રીતે જટિલ હોવાથી અને માનવ-પશુ સંઘર્ષની ઘટનાઓની સંભાવનાને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે. આશરે 180 ચોરસ કિલોમીટરના સિંહોના અવરજવર ક્ષેત્રમાં આવેલા 35 કિલોમીટરના પરિક્રમા રૂટ પર ફોરેસ્ટ ટ્રેકર્સ તૈનાત રહેશે. આ ટીમો સિંહોની હિલચાલ પર સતત (Girnar Lion Movement) નજર રાખશે, જેથી શ્રદ્ધાળુઓની સુરક્ષા જાળવી શકાય.
જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીએ (Junagadh Collector) શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે તેઓ પરિક્રમા દરમિયાન સાવચેતી રાખે. ખાસ કરીને સિનિયર સિટિઝન અને નાનાં બાળકોને સાથે લાવવાનું ટાળવા અથવા તેમની વિશેષ કાળજી રાખવા જણાવાયું છે. આ ઉપરાંત નિર્ધારિત પરિક્રમા રૂટ છોડીને જંગલના અંદરના વિસ્તારોમાં જવાનું ટાળવા અને વહીવટી તંત્ર તથા વન વિભાગની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા પણ અપીલ કરવામાં આવી છે.
આમ, લાખો શ્રદ્ધાળુઓની સંભવિત હાજરીને ધ્યાનમાં રાખીને જૂનાગઢ વહીવટી તંત્ર પાણી, ટ્રાફિક, સ્વચ્છતા અને સુરક્ષા સહિતની વ્યવસ્થાઓ સમયસર પૂર્ણ કરવા પ્રયાસ કરી રહ્યું છે, જેથી ગિરનારની લીલી પરિક્રમા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થઈ શકે.
આ પણ વાંચો: ગિરનારની લીલી પરિક્રમા સ્થગિત, ખરાબ વાતાવરણ અને ખરાબ રસ્તા કારણભૂત
આ પણ વાંચો: જૂનાગઢમાં સાધુ સંતોએ ગિરનારની પ્રતીકાત્મક લીલી પરિક્રમા શરૂ કરી
આ પણ વાંચો: ગિરનારની લીલી પરિક્રમા કરતા પહેલાં આ બાબતો જાણી લો
