Junagadh News: ગિરનારની પરંપરા મુજબની લીલી પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે. ખરાબ વાતાવરણ અને ખરાબ રસ્તાના કારણે લીલી પરિક્રમા રદ કરવામાં આવી છે. વરસાદના કારણે જંગલના વિસ્તારોમાં રસ્તાઓનું ધોવાણ થયું છે. વહીવટીતંત્રએ ખરાબ રસ્તાના કારણે આ નિર્ણય લીધો છે. આ પરિક્રમા શરૂ કરવાની તારીખ હવે પછી જાહેર કરવામાં આવી શકે છે. વહીવટીતંત્રએ લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.
છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદને કારણે પરિક્રમાનો આખો માર્ગ ભારે ધોવાઈ ગયો છે અને ઘણી જગ્યાએ રસ્તો ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે. આ માર્ગ પર ચાલવું અત્યંત જોખમી હોઈ શકે છે, તેથી વરસાદની સ્થિતિ સુધરે ત્યાં સુધી પરિક્રમા મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લીલી પરિક્રમા મુલતવી રાખવાનો અંતિમ નિર્ણય વહીવટીતંત્ર અને ગિરનારના સંતો વચ્ચે સંયુક્ત બેઠક બાદ લેવામાં આવ્યો હતો. સર્વાનુમતે સંમતિ આપવામાં આવી હતી કે ભક્તોના જીવ જોખમમાં મૂકવા યોગ્ય નથી.
લીલી પરિક્રમા મુલતવી રાખવા છતાં, સંતોએ સનાતન ધર્મની પરંપરાઓ અને ધાર્મિક રિવાજોને જાળવી રાખવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સંતો દ્વારા પ્રતીકાત્મક પરિક્રમા કરવામાં આવશે. આ માટેનો શુભ સમય પહેલી નવેમ્બર નક્કી કરવામાં આવ્યો છે. પહેલી તારીખે શુભ સમય નક્કી કર્યા પછી, 2 નવેમ્બરે ગિરનારના સંતો દ્વારા પ્રતીકાત્મક પરિક્રમા કરવામાં આવશે, જેથી પરંપરાનો અંત ન આવે. આ પ્રતીકાત્મક પરિક્રમામાં ફક્ત સાધુઓ અને સંતો જ ભાગ લેશે, અને આ માર્ગ સામાન્ય ભક્તો માટે સંપૂર્ણપણે બંધ રહેશે.
કારતક સુદથી પૂર્ણિમા સુધી ચાલતી આ યાત્રા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ ગિરનારની આસપાસના જંગલોની પરિક્રમા કરે છે. જોકે, આ વર્ષે વહીવટીતંત્રના નિર્ણયથી દૂર દૂરથી આવતા શ્રદ્ધાળુઓ નિરાશ થયા છે. વહીવટીતંત્ર આગામી નિર્ણય ન લે ત્યાં સુધી શ્રદ્ધાળુઓને ગિરનારની યાત્રા ન કરવા વિનંતી કરવામાં આવી છે.
આ પણ વાંચો: Junagadh News/ગીરનારની લીલી પરિક્રમામાં હાર્ટ એટેકથી કુલ 9 લોકોના મોત નીપજ્યા
આ પણ વાંચો: Junagadh News/જૂનાગઢ લીલી પરિક્રમા કેમ બે દિવસ વહેલા શરૂ કરવામાં આવી, જાણો કારણ
આ પણ વાંચો: Junagadh News/ગિરનારની લીલી પરિક્રમા કરતા પહેલાં આ બાબતો જાણી લો
