Surat News: સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ (SMIMER Hospital)માં ડોક્ટરોએ તબીબી ક્ષેત્રે એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. ઓપરેશન દરમિયાન 23 વર્ષીય યુવકનું હૃદય અચાનક ધબકવાનું બંધ થઈ ગયું હતું. લગભગ 15થી 20 મિનિટ સુધી હૃદય કાર્યરત ન હોવા છતાં ડોક્ટરોની તાત્કાલિક સારવાર, સતત CPR અને ડિફિબ્રિલેટર દ્વારા આપવામાં આવેલા ઈલેક્ટ્રિક શોકના કારણે યુવકને નવજીવન મળ્યું.20 દિવસ સુધી સઘન સારવાર બાદ દર્દી સંપૂર્ણ સ્વસ્થ થઈ પોતાના પગે ચાલીને ઘરે પરત ફર્યો છે.
પથરીના ઓપરેશન માટે SMIMER Hospitalમાં દાખલ થયો હતો
મળતી માહિતી મુજબ, સુરતના રૂસ્તમપુરા વિસ્તારમાં રહેતા 23 વર્ષીય ભરતભાઈ પટેલને પેશાબની નળીમાં પથરીની તકલીફ હતી. સારવાર માટે તેઓ 15 જૂને સ્મીમેર હોસ્પિટલ (SMIMER Hospital)માં દાખલ થયા હતા.જરૂરી તપાસ બાદ 20 જૂનની સવારે સર્જરી માટે તેમને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યા હતા. ઓપરેશન શરૂ કરતા પહેલા કમરથી નીચેના ભાગમાં એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું.
ઓપરેશન દરમિયાન અચાનક હૃદય બંધ થયું
સર્જરી શરૂ થયાના થોડા જ સમયમાં દર્દીની સ્થિતિ ગંભીર બની ગઈ. સવારે લગભગ 9:50 વાગ્યે તેમના હૃદયના ધબકારા અનિયમિત બન્યા અને બ્લડપ્રેશર ઝડપથી ઘટવા લાગ્યું.થોડી જ ક્ષણોમાં હૃદય સંપૂર્ણપણે બંધ થઈ જતાં ઓપરેશન થિયેટરમાં હાજર ડોક્ટરોની ટીમે તાત્કાલિક ઈમરજન્સી સારવાર શરૂ કરી.

સતત CPR અને ઈલેક્ટ્રિક શોકથી બચ્યો જીવ
એનેસ્થેસિયા અને મેડિસિન વિભાગના ડોક્ટરોએ દર્દીને કૃત્રિમ શ્વાસ આપવા માટે ટ્યુબ દ્વારા ઓક્સિજન આપ્યો અને સતત CPR શરૂ કર્યું.સાથે જ ડિફિબ્રિલેટર મશીનથી વારંવાર ઈલેક્ટ્રિક શોક આપવામાં આવ્યા.લગભગ 15થી 20 મિનિટ સુધી સતત પ્રયાસો બાદ દર્દીનું હૃદય ફરી ધબકવાનું શરૂ થયું, જેને તબીબી ક્ષેત્રે અત્યંત પડકારજનક અને મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવે છે.
20 દિવસ ICUમાં સારવાર બાદ સંપૂર્ણ સ્વસ્થ
હૃદય ફરી કાર્યરત બન્યા બાદ દર્દીને વેન્ટિલેટર સપોર્ટ સાથે ICUમાં ખસેડવામાં આવ્યો હતો. ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફની સતત દેખરેખ હેઠળ દર્દીની સ્થિતિમાં ધીમે-ધીમે સુધારો થતો ગયો. થોડા દિવસોમાં તેઓ વેન્ટિલેટર વિના શ્વાસ લેવા લાગ્યા.લગભગ 20 દિવસની સારવાર બાદ ભરતભાઈ સંપૂર્ણ સ્વસ્થ થઈને પોતાના પગે ચાલીને ઘરે પરત ફર્યા.
પરિવારજનોએ વ્યક્ત કર્યો આભાર
દર્દીના પરિવારજનોએ સ્મીમેર હોસ્પિટલ (SMIMER Hospital)ના ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ અને સમગ્ર તબીબી ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.આ ઘટના સમયસર સારવાર, ટીમવર્ક અને આધુનિક તબીબી વ્યવસ્થાનું મહત્વ દર્શાવે છે.
આ પણ વાંચો:સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં, સરપ્રાઈઝ ચેકિંગથી તબીબની પોલ ખુલી પડી, દારૂ પીધેલ હાલતમાં ઝડપાયો તબીબ
આ પણ વાંચો:સુરતની સ્મીમેર હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીને આપના કોર્પોરેટરે તમાચો માર્યો
