Vadodara News : વડોદરામાં સોની પરિવાર (Soni Family)ના ત્રણ સભ્યોના સામૂહિક આપઘાતના કેસમાં (Vadodara Suicide Case)પોલીસ તપાસ દરમિયાન મહત્વની વિગતો સામે આવી છે. પોલીસને ઘટનાસ્થળેથી ત્રણ પાનાની સુસાઇડ નોટ (Suicide Note)મળી છે, જેમાં આર્થિક સંકડામણ, પરિવારની મુશ્કેલીઓ અને હોસ્પિટલના વ્યવસાયને લગતી બાબતોનો ઉલ્લેખ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, પરિવારે અંદાજે ₹33થી ₹35 લાખનું દેવું ચૂકવવા માટે પોતાનું મકાન પણ વેચી દીધું હતું.
સોની પરિવાર આપઘાત કેસમાં ત્રણ પાનાની સુસાઇડ નોટ મળી
વડોદરામાં 27 ઓક્ટોબરના રોજ ‘ઝેપ્સ હેલ્થ કેર’ સાથે સંકળાયેલા આરતીબેન સોની અને તેમનાં સંતાનો નીલકંઠ તથા જેનીના મોતની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક ફેલાવ્યો હતો. ઘટનાની તપાસ દરમિયાન પોલીસને ઘરમાંથી ત્રણ પાનાની સુસાઇડ નોટ (Suicide Note)મળી આવી છે. તેમાં બે પાનાં આરતીબેને લખ્યાં હોવાનું અને એક પાનું પુત્રી જેનીએ લખ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
ACP જી.બી. બાંભણીયાના જણાવ્યા મુજબ, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ત્રણેયનાં મોત ગળેફાંસો ખાવાથી થયાં હોવાની પુષ્ટિ થઈ છે. પ્રાથમિક તપાસમાં આર્થિક મુશ્કેલીઓ અને માનસિક તણાવની બાબતો સામે આવી છે. જોકે, સમગ્ર ઘટનાનાં કારણો અંગે પોલીસની વધુ તપાસ ચાલુ છે.
Vadodara Suicide Case : ₹35 લાખનું દેવું ચૂકવવા મકાન વેચ્યું
પોલીસના જણાવ્યા પ્રમાણે, સોની પરિવાર પર અંદાજે ₹33થી ₹35 લાખનું દેવું હતું. પરિવારની કાર લોનના બે હપ્તા બાઉન્સ થયા હતા. એક ચેક બાઉન્સ થવાના મામલે કોર્ટ તરફથી સમન્સ પણ મળ્યું હતું. દેવું ચૂકવવા માટે પરિવારે પોતાનું મકાન વેચવાનો નિર્ણય લીધો હતો અને વેચાણના દસ્તાવેજની પ્રક્રિયા બાકી હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.
સુસાઇડ નોટમાં મકાન શૈલેષ પટેલને સોંપવા અંગે પણ ઉલ્લેખ હોવાનું સામે આવ્યું છે. પરિવારના કેટલાક સભ્યોનાં અગાઉ થયેલાં અવસાન અને આર્થિક તંગી વચ્ચે પરિવાર મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હોવાની વિગતો પોલીસ તપાસમાં સામે આવી છે.
પુત્રીએ એક લાખ વખત લખ્યું ભગવાન રામનું નામ
આ કેસમાં સામે આવેલી અન્ય વિગતો મુજબ, પરિવારની હોસ્પિટલ સારી રીતે ચાલે તે માટે ખાટુશ્યામ ભગવાનની બાધા રાખવામાં આવી હતી. પુત્રી જેનીએ એક લાખ વખત ભગવાન રામનું નામ લખ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે. સુસાઇડ નોટમાં ઘરમાં કામ કરતી મહિલા નિર્દોષ હોવાનો ઉલ્લેખ કરીને તેને પોલીસ અથવા અન્ય કોઈ દ્વારા હેરાન ન કરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
આ વિગતો વચ્ચે પરિવારના વ્યવસાય, આર્થિક સ્થિતિ અને તેમની સાથે બનેલી ઘટનાઓ અંગે અનેક સવાલો ઊભા થયા છે. સમાજના આગેવાનોએ પણ ત્રણ સુશિક્ષિત સભ્યોના એકસાથે થયેલા મોત અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.
પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ
ઘટનાસ્થળેથી પોલીસે ત્રણ મોબાઇલ ફોન, સુસાઇડ નોટ (Suicide Note)અને અન્ય પુરાવા કબજે કર્યા છે. ત્રણેય મૃતદેહોના પેનલ પોસ્ટમોર્ટમ બાદ અંતિમવિધિ માટે પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા.
સમાજના આગેવાન શશિકાંત પાટડીયાએ જણાવ્યું હતું કે, આયુર્વેદિક હોસ્પિટલ ચલાવતાં મહિલા, કેનેડામાં અભ્યાસ કરીને પરત ફરેલો યુવાન અને હોશિયાર દીકરી સહિત ત્રણ સભ્યોના મોત સમાજ માટે અત્યંત દુઃખદ ઘટના છે. સ્થાનિક રહેવાસી અને સંબંધી હિતેશ સોનીએ પણ આ ઘટનાથી પરિવારજનો અને સમાજમાં શોકની લાગણી ફેલાઈ હોવાનું જણાવ્યું હતું.
હાલમાં પોલીસ સુસાઇડ નોટ, મોબાઇલ ફોન અને અન્ય પુરાવાઓના આધારે સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.
