National News : ભારતીય નૌકાદળે દરિયાઈ સુરક્ષા અને હવાઈ શક્તિના ક્ષેત્રમાં વધુ એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ફ્રાન્સમાં નિર્મિત રાફેલ મરીન (Rafale Marine)ફાઇટર જેટએ ભારતના સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત (INS Vikran)પર પ્રથમ પ્રયાસમાં જ સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું છે. આ સફળતાનો વીડિયો ભારતીય નૌકાદળ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ફાઇટર જેટને વિમાનવાહક જહાજ પર ઉતરતું જોઈ શકાય છે.
આ સફળતાને ભારતીય નૌકાદળના કેરિયર આધારિત ઉડ્ડયન કાર્યક્રમમાં એક મોટા સીમાચિહ્ન તરીકે જોવામાં આવી રહી છે. ખાસ વાત એ છે કે રાફેલ મરીને (Rafale Marine)પ્રથમ જ પ્રયાસમાં સફળ લેન્ડિંગ કરીને તેની ઓપરેશનલ ક્ષમતાનું પ્રદર્શન કર્યું છે. આ પરીક્ષણ ભારતીય નૌકાદળમાં રાફેલ મરીનને સામેલ કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.
પ્રથમ પ્રયાસમાં સફળ લેન્ડિંગ
ભારતીય નૌકાદળે INS વિક્રાંત (INS Vikran)પર રાફેલ મરીન (Rafale Marine)ફાઇટર જેટનું લેન્ડિંગ કરાવીને તેની ક્ષમતાનું પરીક્ષણ કર્યું હતું. એરક્રાફ્ટ કેરિયર પર વિમાનનું લેન્ડિંગ સામાન્ય રનવેની સરખામણીએ ઘણું પડકારજનક હોય છે. મર્યાદિત જગ્યામાં વિમાનને ચોકસાઈ સાથે ઉતારવું પડે છે.
રાફેલ મરીને પ્રથમ પ્રયાસમાં જ આ પડકાર પાર પાડ્યો હતો. આ સફળતા ભારતની દરિયાઈ હવાઈ ક્ષમતાઓને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ છે.
ભારતે 26 રાફેલ મરીનનો સોદો કર્યો
ભારત અને ફ્રાન્સ વચ્ચે 28 એપ્રિલ, 2025ના રોજ રાફેલ મરીન ફાઇટર જેટ ખરીદવા માટે આશરે ₹63,000 કરોડનો આંતર-સરકારી કરાર થયો હતો.
આ કરાર હેઠળ ભારતીય નૌકાદળને કુલ 26 રાફેલ મરીન એરક્રાફ્ટ મળશે. તેમાં 22 સિંગલ સીટર અને 4 ટ્વીન સીટર વિમાનનો સમાવેશ થાય છે. આ વિમાનોને ભારતીય નૌકાદળ (Indian Navy)ની જરૂરિયાતો અનુસાર તૈયાર કરવામાં આવશે.
રાફેલ મરીન કેટલું શક્તિશાળી છે?
રાફેલ મરીન ટ્વીન એન્જિન ધરાવતું 4.5 જનરેશનનું મલ્ટી-રોલ ફાઇટર જેટ છે. તે હવાઈ સુરક્ષા, દુશ્મનના લક્ષ્યો પર હુમલા અને દરિયાઈ ઓપરેશન માટે ઉપયોગી છે.
તેની મહત્તમ ઝડપ મેક 1.8 જેટલી છે અને યુદ્ધ ત્રિજ્યા આશરે 1,000 કિલોમીટર હોવાનું જણાવાય છે. આ ફાઇટર જેટમાં અત્યાધુનિક AESA રડાર અને SPECTRA ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ આપવામાં આવી છે.

આ ઉપરાંત, એરક્રાફ્ટ કેરિયર પર કામગીરી માટે તેમાં મજબૂત લેન્ડિંગ ગિયર, એરેસ્ટર હૂક અને ફોલ્ડિંગ વિંગ્સ જેવી વિશેષ સુવિધાઓ છે. તે મીટિયોર, MICA એર-ટુ-એર મિસાઇલ, SCALP ક્રુઝ મિસાઇલ અને HAMMER ગાઇડેડ બોમ્બ જેવા શસ્ત્રો લઈ જવાની ક્ષમતા ધરાવે છે.
INS વિક્રાંત અને વિક્રમાદિત્યની તાકાત વધશે
રાફેલ મરીન ફાઇટર જેટ (Rafale Fighter Jet)નૌકાદળમાં સામેલ થયા બાદ ભારતની દરિયાઈ સુરક્ષા ક્ષમતામાં મોટો વધારો થઈ શકે છે. આ વિમાનો દ્વારા દુશ્મનના વિમાનોને દૂરથી અટકાવવા, દરિયાઈ વિસ્તારોમાં ચોક્કસ હુમલા કરવા અને એરક્રાફ્ટ કેરિયર ગ્રૂપને હવાઈ સુરક્ષા પૂરી પાડવાની ક્ષમતા વધશે.
અહેવાલો અનુસાર, રાફેલ મરીનને INS વિક્રાંત અને INS વિક્રમાદિત્ય બંને એરક્રાફ્ટ કેરિયર (Aircraft Carrier)પરથી સંચાલિત કરવાની યોજના છે. તેનાથી હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતીય નૌકાદળની હવાઈ શક્તિ અને ઓપરેશનલ ક્ષમતાઓને નવી તાકાત મળશે.
